News of Friday, 3rd April 2026
ગ્રીસમાં 'એર્મિનિયો' વાવાઝોડાનો હાહાકાર: આકાશ નારંગી બન્યું અને રસ્તાઓ નદીમાં ફેરવાયા, કુદરતના રૌદ્ર સ્વરૂપે લીધો એકનો ભોગ
ભારે પૂર અને તોફાની પવનોએ એથેન્સને બાનમાં લીધું; આફ્રિકાની ધૂળની ડમરીઓએ વિમાની સેવાઓ રોકી, સેંકડો ઘરોમાં પાણી ભરાતા જનજીવન અસ્તવ્યસ્ત

એથેન્સ: તા.૩ યુરોપના સુંદર દેશ ગ્રીસમાં કુદરતે કહેર વર્તાવ્યો છે. 'એર્મિનિયો' નામના ભયાનક વાવાઝોડાએ ગ્રીસમાં એવો વિનાશ વેર્યો છે કે માર્ગો પર નદીઓ વહેતી હોય તેવા દ્રશ્યો સર્જાયા છે. આ આફતમાં એક વ્યક્તિએ જીવ ગુમાવ્યો હોવાના દુખદ સમાચાર મળી રહ્યા છે, જ્યારે અનેક પરિવારો બેઘર બન્યા છે.
પૂરના પાણીમાં તણાઈ ગઈ જિંદગી
એથેન્સથી અંદાજે ૩૫ કિમી દૂર આવેલા નીઆ માક્રી શહેરમાં હૃદયદ્રાવક ઘટના બની છે. એક વ્યક્તિ પૂરના જોરદાર પ્રવાહમાં રસ્તો ઓળંગવાનો પ્રયાસ કરી રહ્યો હતો ત્યારે તે પાણીમાં તણાઈ ગયો અને એક કાર નીચે ફસાઈ જવાથી તેનું મોત નીપજ્યું હતું. ફાયર બ્રિગેડના જવાનોએ ભારે જહેમત બાદ તેનો મૃતદેહ બહાર કાઢ્યો હતો. સમગ્ર એથેન્સ અને એજિયન ટાપુઓ પરથી મદદ માટે સેંકડો ઈમરજન્સી કોલ્સ આવી રહ્યા છે.
નારંગી આકાશ અને ધૂળનું સામ્રાજ્ય
ગ્રીસના ક્રેટ ટાપુ પર કુદરતનો અજીબ નજારો જોવા મળ્યો હતો. ઉત્તર આફ્રિકાથી ફૂંકાયેલા તોફાની પવનો પોતાની સાથે રણની ધૂળ ઉડાવી લાવ્યા હતા, જેના કારણે આખું આકાશ ભયાનક નારંગી રંગનું થઈ ગયું હતું. આ ધૂળ અને જોરદાર પવનને કારણે અનેક ફ્લાઇટ્સ રદ કરવી પડી હતી અને દરિયામાં ફેરી સેવાઓ પર પણ પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે.
ક્લાઈમેટ ચેન્જની ગંભીર ચેતવણી
પર્યાવરણવાદીઓના મતે, ગ્રીસમાં વારંવાર આવતા પૂર અને જંગલની આગ એ ગ્લોબલ વોર્મિંગનું પરિણામ છે. હાલમાં એથેન્સની પૂર્વમાં વીજળી ગુલ છે અને ઈન્ફ્રાસ્ટ્રક્ચરને ભારે નુકસાન થયું છે. સેંકડો કર્મચારીઓ પંપ દ્વારા ઘરોમાંથી પાણી કાઢવા અને રસ્તા પર પડેલા ઝાડ હટાવવા માટે અથાક મહેનત કરી રહ્યા છે.
ગ્રીસની આ સ્થિતિ ફરી એકવાર વિશ્વને ચેતવણી આપી રહી છે કે કુદરત સાથેના ચેડાં કેટલા ભારે પડી શકે છે. હાલમાં પ્રવાસીઓને અસરગ્રસ્ત વિસ્તારોથી દૂર રહેવાની સલાહ આપવામાં આવી છે.
(5:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
