<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

અમેરિકામાં ભારતીય મૂળના યુરોલોજિસ્ટનો મોટો ખેલ પકડાયો: બિનજરૂરી સર્જરી અને ખોટા બિલિંગના બદલામાં ૧૪ મિલિયન ડોલરનો દંડ ભરવા થયા સંમત

એડવાન્સ્ડ યુરોલોજીના સ્થાપક ડો. જિતેશ પટેલ સામે ગંભીર આક્ષેપો; દર્દીઓના જીવ જોખમમાં મૂકી કમાણી વધારવા માટે હજારો ખોટા ટેસ્ટ અને પ્રક્રિયાઓ કર્યાનો પર્દાફાશ

એટલાન્ટા: તા.૩ અમેરિકાના જ્યોર્જિયા રાજ્યમાં જાણીતી મેડિકલ પ્રેક્ટિસ ધરાવતા ભારતીય મૂળના ડોક્ટર જિતેશ પટેલ અને તેમની કંપની 'એડવાન્સ્ડ યુરોલોજી' (Advanced Urology) એક મોટી છેતરપિંડીના મામલામાં ફસાયા છે. સરકારી ભંડોળનો દુરુપયોગ અને દર્દીઓ પર બિનજરૂરી તબીબી પ્રક્રિયાઓ કરવાના આરોપો હેઠળ, ડો. પટેલ હવે ૧૪ મિલિયન ડોલર (અંદાજે ૧૧૭ કરોડ રૂપિયાથી વધુ) ચૂકવવા તૈયાર થયા છે.
કમાણી વધારવા દર્દીઓનો 'શિકાર'
ફેડરલ પ્રોસિક્યુટર્સના જણાવ્યા અનુસાર, ડો. પટેલની સંસ્થાએ માત્ર પોતાની આવક વધારવા માટે દર્દીઓને એવી સર્જરીઓ અને ટેસ્ટમાંથી પસાર થવા દબાણ કર્યું હતું જેની કોઈ જરૂર જ નહોતી. આરોપ છે કે હજારો દર્દીઓ પર બિનજરૂરી અલ્ટ્રાસાઉન્ડ, સિસ્ટોસ્કોપી અને જટિલ ઇમ્પ્લાન્ટ પ્રક્રિયાઓ કરવામાં આવી હતી. આટલું જ નહીં, લગભગ દરેક નવા દર્દી પર એવા ટેસ્ટ (EMG) ઠોકી બેસાડવામાં આવતા જે યુરોલોજીમાં ભાગ્યે જ વપરાય છે.
વ્હિસલબ્લોઅર કર્મચારીઓએ ખોલ્યું 'પાપ'
આ આખા કૌભાંડનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે ડો. પટેલની જ હોસ્પિટલના એક ભૂતપૂર્વ કર્મચારી અને એક ડોક્ટરે 'વ્હિસલબ્લોઅર' બનીને સરકારને માહિતી આપી. તેમણે આરોપ લગાવ્યો કે સંસ્થાનું આખું માળખું જ ખોટા બિલિંગ દ્વારા નફો રળવા માટે બનાવવામાં આવ્યું હતું. આ માહિતી આપવા બદલ આ બંને વ્હિસલબ્લોઅર્સને દંડની રકમમાંથી આશરે ૨.૯૪ મિલિયન ડોલરનું ઇનામ મળશે.
ન્યાય વિભાગની કડક ચેતવણી
યુએસ એટર્ની થિયોડોર એસ. હર્ટ્ઝબર્ગે આ મામલે કડક વલણ અપનાવતા કહ્યું કે, "જ્યારે ડોક્ટરો સારવારના નામે છેતરપિંડી કરે છે અથવા જે સેવા આપી જ નથી તેના બિલ માંગે છે, ત્યારે તેઓ વિશ્વાસઘાત કરે છે. અમે સરકારી ભંડોળનો આવો દુરુપયોગ જરા પણ ચલાવીશું નહીં." આ સેટલમેન્ટ ફેડરલ અને જ્યોર્જિયા 'ફોલ્સ ક્લેમ્સ એક્ટ' (False Claims Act) હેઠળ કરવામાં આવ્યું છે.
કોણ છે ડો. જિતેશ પટેલ?
ડો. જિતેશ પટેલ મેટ્રો એટલાન્ટા વિસ્તારમાં યુરોલોજીકલ કેર માટેના અગ્રણી કેન્દ્રના સ્થાપક અને પ્રમુખ છે. તેઓ એડવાન્સ્ડ યુરોલોજી સર્જરી સેન્ટર અને ઇમેજિંગ સેન્ટર જેવી અનેક સંસ્થાઓના CEO પણ છે. જોકે આ સમાધાન બાદ તેમની પ્રતિષ્ઠા પર મોટો ડાઘ લાગ્યો છે. હાલમાં તેમણે આ રકમ ચૂકવવાની સહમતી આપી છે, પરંતુ કાયદાકીય રીતે જવાબદારીનો કોઈ આખરી નિર્ણય હજુ જાહેર કરાયો નથી.
મેડિકલ જગતને હચમચાવી દેતી આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે નફાખોરી માટે માનવ સ્વાસ્થ્ય સાથેના ચેડાં ક્યારેય છૂપા રહી શકતા નથી.

(5:25 PM IST)