<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

કેનેડાના સરેમાં ભવ્ય 'વૈશાખી પરેડ'ની તૈયારીઓ: લાખોની મેદની ઉમટવાની શક્યતા વચ્ચે પોલીસની કડક એડવાઈઝરી, રસ્તાઓ રહેશે બંધ

ભારત બહારનો સૌથી મોટો શીખ મહોત્સવ: ૧૮ એપ્રિલે ખાલસા દિવસની ઉજવણીમાં ઉમટશે જનસૈલાબ; સુરક્ષા અને ટ્રાફિક વ્યવસ્થા માટે પોલીસની વિશેષ ગાઈડલાઈન જાહેર

સરે: તા.૩ બ્રિટિશ કોલંબિયાના સરે શહેરમાં આગામી ૧૮ એપ્રિલના રોજ વાર્ષિક 'ખાલસા દિવસ વૈશાખી પરેડ'નું ભવ્ય આયોજન થવા જઈ રહ્યું છે. ભારતની બહાર યોજાતા સૌથી મોટા શીખ મેળાવડાઓમાં જેની ગણના થાય છે તેવા આ કાર્યક્રમ માટે સરે પોલીસે અત્યારથી જ સુરક્ષા અને મુસાફરી અંગેની એડવાઈઝરી જાહેર કરી દીધી છે. આ પરેડ મેટ્રો વાનકુવર અને આસપાસના વિસ્તારોમાંથી લાખો શ્રદ્ધાળુઓને આકર્ષે છે.
ભીડમાં સ્વજનો ન ખોવાય તે માટે ખાસ સાવચેતી
સરે પોલીસ સેવા (SPS) એ જણાવ્યું છે કે દર વર્ષે હજારો-લાખો લોકોની ભીડમાં બાળકો કે વૃદ્ધો છૂટા પડી જવાની ઘટનાઓ બને છે. આથી પોલીસે પરિવારોને સલાહ આપી છે કે તેઓ બાળકોના તાજેતરના ફોટા સાથે રાખે, કોઈ ચોક્કસ મીટિંગ પોઈન્ટ નક્કી કરી રાખે અને ઓળખપત્ર સાથે રાખે. જો કોઈ સ્વજન ખોવાય તો તાત્કાલિક પોલીસનો સંપર્ક કરવા વિનંતી કરવામાં આવી છે. તે સિવાય અવાજ અને ભીડને કારણે પાલતુ પ્રાણીઓને ઘરે રાખવા સૂચન કરાયું છે.
ટ્રાફિકમાં મોટા ફેરફાર અને રસ્તાઓ બંધ
પરેડના દિવસે સવારે ૬:૦૦ વાગ્યાથી જ રસ્તાઓ બંધ કરવાની પ્રક્રિયા શરૂ થઈ જશે. ૭૨ એવન્યુ અને ૮૮ એવન્યુ તેમજ સ્કોટ રોડથી કિંગ જ્યોર્જ બુલવર્ડ વચ્ચેના વિસ્તારમાં વાહન વ્યવહાર પર પ્રતિબંધ રહેશે. જે લોકો આ પ્રતિબંધિત વિસ્તારમાં રહે છે, તેમણે પોતાના ઘર સુધી પહોંચવા માટે ડ્રાઈવિંગ લાયસન્સ જેવું માન્ય ઓળખપત્ર બતાવવું પડશે. વ્યવસાયો અને કર્મચારીઓ માટે પણ પાર્કિંગ અને પ્રવેશના ખાસ નિયમો બનાવવામાં આવ્યા છે.
સાંસ્કૃતિક વિરાસતનું અનોખું પ્રદર્શન
ગુરુદ્વારા સાહિબ દશમેશ દરબારની આસપાસ કેન્દ્રિત આ પરેડમાં રંગબેરંગી ફ્લોટ્સ, સમુદાયના સ્ટોલ્સ, પરંપરાગત પ્રદર્શનો અને ભવ્ય લંગર (મફત ભોજન)ની સેવા જોવા મળશે. વૈશાખી એ ૧૬૯૯માં ગુરુ ગોવિંદ સિંહજી દ્વારા 'ખાલસા'ની સ્થાપનાનું પ્રતીક છે અને પંજાબમાં લણણીની મોસમ સાથે પણ જોડાયેલ છે.
કેનેડામાં વસતા શીખ સમુદાય માટે આ માત્ર એક ધાર્મિક કાર્યક્રમ નથી, પણ તેમની ઓળખ અને એકતાનું પ્રતીક છે. પોલીસ અને આયોજકોએ લોકોને અગાઉથી આયોજન કરવા અને પરેડનો સુરક્ષિત રીતે આનંદ માણવા અપીલ કરી છે.

(5:26 PM IST)