<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ટ્રમ્પના 'જન્મજાત નાગરિકતા'ના સપના પર સુપ્રીમ કોર્ટની બ્રેક? અમેરિકી ધરતી પર જન્મતા બાળકોના અધિકાર .મુદ્દે ન્યાયાધીશોએ વલણ કર્યું કડક

ઐતિહાસિક ક્ષણ: ટ્રમ્પ પોતે કોર્ટમાં હાજર રહ્યા, પણ પોતાના જ નિયુક્ત ન્યાયાધીશોએ બંધારણનો હવાલો આપી એક્ઝિક્યુટિવ ઓર્ડર પર ઉઠાવ્યા સવાલ

વોશિંગ્ટન: તા.૩ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના સૌથી વિવાદાસ્પદ અને મહત્વકાંક્ષી ઇમિગ્રેશન એજન્ડાને સુપ્રીમ કોર્ટમાં મોટો ફટકો પડવાના સંકેતો મળી રહ્યા છે. અમેરિકી ભૂમિ પર જન્મતા બાળકોને મળતી 'જન્મજાત નાગરિકતા' (Birthright Citizenship) નાબૂદ કરવાના ટ્રમ્પના પ્રયાસો સામે ન્યાયાધીશોએ લાલ આંખ કરી છે. બુધવારે થયેલી દલીલો દરમિયાન ચીફ જસ્ટિસ જોન રોબર્ટ્સે ટ્રમ્પ વહીવટીતંત્રની દલીલોને એક રીતે ફગાવી દીધી હતી.
કોર્ટમાં ટ્રમ્પની હાજરી અને ન્યાયાધીશોનો કડક મિજાજ
અમેરિકાના ઇતિહાસમાં પ્રથમવાર કોઈ વર્તમાન રાષ્ટ્રપતિ સુપ્રીમ કોર્ટની કાર્યવાહી જોવા માટે પબ્લિક ગેલેરીમાં બેઠા હતા. ટ્રમ્પે જાન્યુઆરી ૨૦૨૫માં કાર્યકાળના પ્રથમ દિવસે જ આદેશ આપ્યો હતો કે જે માતા-પિતા પાસે ગ્રીન કાર્ડ કે નાગરિકતા ન હોય, તેમના અમેરિકામાં જન્મેલા બાળકોને નાગરિકતા ન મળવી જોઈએ. જોકે, કોર્ટના ૬-૩ની રૂઢિચુસ્ત બહુમતી હોવા છતાં, મોટાભાગના ન્યાયાધીશો આ આદેશને બંધારણના ૧૪મા સુધારાની વિરુદ્ધ માની રહ્યા છે.
"નવી દુનિયા, પણ બંધારણ તો જૂનું જ છે"
ટ્રમ્પના વકીલ સોઅરે એવી દલીલ કરી હતી કે 'બર્થ ટૂરિઝમ'ને કારણે દુનિયાના ૮ અબજ લોકો માત્ર એક વિમાનની મુસાફરી દ્વારા તેમના બાળકને અમેરિકન નાગરિક બનાવી શકે છે, જે ખોટું છે. તેના જવાબમાં ચીફ જસ્ટિસ રોબર્ટ્સે મજબૂત ટિપ્પણી કરતા કહ્યું, "ભલે દુનિયા બદલાઈ ગઈ હોય, પણ બંધારણ એ જ છે." નિષ્ણાતોનું માનવું છે કે ૧૪મા સુધારાની ભાષા એટલી સ્પષ્ટ છે કે ન્યાયાધીશો તેમાં કોઈ છેડછાડ કરવા તૈયાર નથી.
પોતાના જ નિયુક્ત ન્યાયાધીશો પર ટ્રમ્પનો પ્રહાર
કોર્ટમાં સ્થિતિ વિપરીત જણાતા ટ્રમ્પે બહાર આવીને ન્યાયાધીશો પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પોતે નિયુક્ત કરેલા ન્યાયાધીશોને 'મૂર્ખ' કહ્યા અને આક્ષેપ કર્યો કે તેઓ માત્ર પોતાની સ્વતંત્રતા સાબિત કરવા માટે તેમની વિરુદ્ધ જઈ રહ્યા છે. અગાઉ ફેબ્રુઆરીમાં પણ ટેરિફ મુદ્દે સુપ્રીમ કોર્ટે ટ્રમ્પની વિરુદ્ધ ચુકાદો આપ્યો હતો, જેનાથી તેઓ નારાજ છે.
રાષ્ટ્રની ઓળખનો સવાલ
કાયદાકીય નિષ્ણાતોનું કહેવું છે કે જન્મજાત નાગરિકતા એ અમેરિકાની ઓળખનો મુખ્ય ભાગ છે. જો આ અધિકાર છીનવી લેવામાં આવે, તો તે લાખો પરિવારો અને પેઢીઓથી ચાલતી આવતી પરંપરાને ધરમૂળથી હચમચાવી નાખશે. આ હાઈ-પ્રોફાઈલ કેસનો આખરી ચુકાદો જૂન મહિનાના અંત સુધીમાં આવે તેવી શક્યતા છે.
શું ટ્રમ્પ પોતાનો આ 'મેગા એજન્ડા' પૂરો કરી શકશે કે પછી અમેરિકી બંધારણ ફરી એકવાર સર્વોપરી સાબિત થશે, તેના પર હવે આખા વિશ્વની નજર છે.

(5:26 PM IST)