News of Friday, 3rd April 2026
અમેરિકાના એટર્ની જનરલ પામ બોન્ડીની હકાલપટ્ટી પાછળ 'એપસ્ટેઇન ફાઇલ્સ'નું કનેક્શન? ભારતીય મૂળના સાંસદોએ ટ્રમ્પ વહીવટીતંત્ર પર લગાવ્યો ગંભીર આરોપ
રો ખન્ના અને થાનેદારે બોન્ડીની બરતરફીને ગણાવ્યું 'કવર-અપ'; પ્રમિલા જયપાલે પણ કર્યા આકરા પ્રહાર, જેફરી એપસ્ટેઇન કેસમાં પારદર્શિતાની ઉઠી પ્રચંડ માંગ

વોશિંગ્ટન: તા.૩ અમેરિકાના ન્યાય વિભાગ (DOJ) માં એક મોટો ભૂકંપ આવ્યો છે. રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે એટર્ની જનરલ પામ બોન્ડીને તેમના પદ પરથી બરતરફ કરી દીધા છે. આ હકાલપટ્ટી એવા સમયે થઈ છે જ્યારે કુખ્યાત જેફરી એપસ્ટેઇન સેક્સ સ્કેન્ડલની ફાઇલો જાહેર કરવા બાબતે કોંગ્રેસમાં ભારે હોબાળો મચી રહ્યો છે. ભારતીય મૂળના અમેરિકન કાયદા ઘડનારાઓએ આ મામલે ટ્રમ્પ સરકારને આડે હાથ લીધી છે.
"પીડોફાઇલ્સને બચાવવાનો પ્રયાસ" : થાનેદાર
ભારતીય મૂળના પ્રતિનિધિ થાનેદારે આ બરતરફી પર અત્યંત આકરા તેવર બતાવ્યા છે. તેમણે કહ્યું કે માત્ર બરતરફી પૂરતી નથી, બોન્ડી અને આ વહીવટીતંત્રના સભ્યોએ કરેલા ગુનાઓ માટે તેમની સામે કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ. થાનેદારે અગાઉ પણ બોન્ડી વિરુદ્ધ મહાભિયોગ (Impeachment) ની દરખાસ્ત રજૂ કરી હતી અને આક્ષેપ કર્યો હતો કે બોન્ડી ઇતિહાસમાં એવા એટર્ની જનરલ તરીકે ઓળખાશે જેમણે ન્યાય અપાવવાને બદલે પીડોફાઇલ્સ (બાળ શોર્ષણ કરનારાઓ) ને બચાવવાનું કામ કર્યું છે.
રો ખન્નાએ 'કવર-અપ'નો લગાવ્યો આરોપ
બીજી તરફ, લોકપ્રિય નેતા રો ખન્નાએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે બોન્ડીની હકાલપટ્ટીનો સીધો સંબંધ "એપસ્ટેઇન ફાઇલ્સ કવર-અપ" સાથે છે. તેમણે દલીલ કરી કે બોન્ડીએ 'એપસ્ટેઇન પારદર્શિતા કાયદા'નું ઉલ્લંઘન કર્યું છે. ખન્નાએ માંગ કરી છે કે હવે જે નવા એટર્ની જનરલ આવે તેમણે તમામ ફાઇલો સાર્વજનિક કરવી જોઈએ અને જે ગુનેગારો અત્યાર સુધી છૂટા ફરે છે તેમની સામે કડક કાર્યવાહી કરવી જોઈએ.
પ્રમિલા જયપાલ અને બોન્ડી વચ્ચેનો વિવાદ
ભારતીય મૂળના સાંસદ પ્રમિલા જયપાલે પણ બોન્ડીની વિદાયનું સ્વાગત કર્યું છે. ફેબ્રુઆરીમાં થયેલી એક સુનાવણી દરમિયાન જયપાલે બોન્ડીને એપસ્ટેઇન કેસના પીડિતોની માફી માંગવા કહ્યું હતું, જેનો બોન્ડીએ નનૈયો ભણ્યો હતો. જયપાલે કટાક્ષમાં લખ્યું, "સારી છૂટકારો" (Good riddance). સુહાસ સુબ્રમણ્યમે પણ આ મામલે પારદર્શિતાની માંગણી દોહરાવી છે.
ટ્રમ્પનો નવો નિર્ણય
રાષ્ટ્રપતિ ટ્રમ્પે પામ બોન્ડીના સ્થાને હવે ટોડ બ્લેન્ચેને કાર્યકારી એટર્ની જનરલ તરીકે નિયુક્ત કર્યા છે. ઉલ્લેખનીય છે કે ટ્રમ્પે ચૂંટણી પ્રચાર દરમિયાન એપસ્ટેઇન ફાઇલો જાહેર કરવાનું વચન આપ્યું હતું, પરંતુ સત્તામાં આવ્યા બાદ વહીવટીતંત્ર તે દિશામાં નિષ્ફળ રહ્યું હોવાના આક્ષેપો થઈ રહ્યા છે.
હવે જોવાનું એ રહેશે કે શું નવા એટર્ની જનરલ આ રહસ્યમય ફાઇલોના પન્ના ખોલશે કે પછી અમેરિકાના રાજકારણમાં આ 'કવર-અપ'નો ખેલ ચાલુ રહેશે? આ કાનૂની અને રાજકીય લડાઈમાં ભારતીય અમેરિકન નેતાઓ અત્યારે સૌથી અગ્રેસર જોવા મળી રહ્યા છે.
(5:27 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
