<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

અમદાવાદથી શ્રીલંકા પહોંચવું હવે ચપટી વગાડવાનું કામ: ૧૫ મેથી કોલંબો માટે શરૂ થશે સીધી ફ્લાઇટ, મુસાફરીના સમયમાં થશે ૭ કલાકનો તોતિંગ ઘટાડો

શ્રીલંકાની એરલાઇન 'ફિટ્સએર' અઠવાડિયામાં ત્રણ દિવસ ઉડાન ભરશે; અત્યાર સુધી મુંબઈ-ચેન્નાઈ થઈને જવાની કડાકૂટમાંથી અમદાવાદીઓને મળશે કાયમી છુટકારો

અમદાવાદ: તા.૩ ગુજરાતી પ્રવાસીઓ માટે વેકેશનનું નવું ડેસ્ટિનેશન હવે વધુ નજીક આવી ગયું છે. આગામી ૧૫ મે ૨૦૨૬થી અમદાવાદ અને શ્રીલંકાના કોલંબો વચ્ચે સીધી વિમાની સેવા શરૂ થવા જઈ રહી છે. શ્રીલંકાની ખાનગી એરલાઇન 'ફિટ્સએર' (FitsAir) દ્વારા શરૂ કરવામાં આવનારી આ સેવાથી અમદાવાદ અને કોલંબો વચ્ચેનું અંતર હવે માત્ર ૩ કલાકમાં કપાઈ જશે.
સમય અને નાણાં બંનેની બચત
અત્યાર સુધી અમદાવાદથી શ્રીલંકા જવા માટે પ્રવાસીઓએ મુંબઈ અથવા ચેન્નાઈ થઈને કનેક્ટિંગ ફ્લાઇટ લેવી પડતી હતી, જેમાં ૯ થી ૧૦ કલાકનો સમય બગડતો હતો. હવે સીધી ફ્લાઇટ શરૂ થવાથી મુસાફરોનો કિંમતી સમય બચશે. આ એરલાઇન દર સોમવાર, બુધવાર અને શુક્રવારે પોતાની સેવાઓ આપશે, જે ખાસ કરીને વીકેન્ડ ટ્રિપનું આયોજન કરતા પ્રવાસીઓ માટે વરદાન સાબિત થશે.
પ્રવાસીઓની સંખ્યા બમણી થવાની આશા
વોકર્સ ટુર્સના સીઈઓ નાલાકા અમરાતુંગાના જણાવ્યા અનુસાર, હાલમાં દર વર્ષે અંદાજે ૨૫થી ૩૦ હજાર ગુજરાતીઓ શ્રીલંકાની મુલાકાત લે છે. સીધી ફ્લાઇટ શરૂ થવાને કારણે આગામી વર્ષોમાં આ સંખ્યા બમણી થવાની પૂરેપૂરી શક્યતા છે. ગુજરાતનું આઉટબાઉન્ડ ટ્રાવેલ માર્કેટ ઝડપથી વધી રહ્યું છે, જેને ધ્યાનમાં રાખીને શ્રીલંકાની પ્રખ્યાત હોટેલ ચેઈન 'સિનામન હોટેલ્સ' અને 'સિટી ઓફ ડ્રીમ્સ' સાથે ખાસ જોડાણ પણ કરવામાં આવ્યું છે.
ખાસ ટ્રાવેલ પેકેજોની ભરમાર
ફિટ્સએર દ્વારા માત્ર ટિકિટ જ નહીં, પણ હોટેલ સ્ટે અને લોકલ સાઈટસીઈંગ સહિતના ક્યુરેટેડ ટ્રાવેલ પેકેજો પણ લોન્ચ કરવામાં આવશે. જે પ્રવાસીઓ પોતાની રીતે બુકિંગ કરવા માંગતા હોય તેમના માટે ઓનલાઈન પોર્ટલ પર અલગથી ટિકિટો પણ ઉપલબ્ધ રહેશે. અમદાવાદથી વહેલી સવારે ફ્લાઇટ ઉપડશે, જેથી પ્રવાસીઓ બપોર સુધીમાં તો કોલંબોના દરિયા કિનારે મોજ માણી શકશે.
શ્રીલંકાના આતિથ્ય અને સુંદર નજારાઓ હવે અમદાવાદીઓથી માત્ર એક નાની ઉડાન દૂર છે. તો તૈયાર થઈ જાવ, કારણ કે આ ઉનાળામાં રાવણની લંકા નહીં, પણ પ્રવાસીઓનું સ્વર્ગ ગણાતું શ્રીલંકા તમારો ઈન્તજાર કરી રહ્યું છે!

(5:31 PM IST)