News of Friday, 3rd April 2026
તેલ પછી, હવે મધ્ય પૂર્વમાં પાણી અને ગેસ પ્લાન્ટ પર હુમલો : ઈરાનની નવી રણનીતિ અરાજકતા ફેલાવશે!
કુવૈતના પાણીના પ્લાન્ટ અને અબુ ધાબીના ગેસ સેન્ટર પર ભીષણ હુમલા: હોર્મુઝ સ્ટ્રેટમાં તણાવ વધતા ક્રૂડ ઓઈલ $100ને પાર : સામાન્ય જનતાની મુશ્કેલીઓમાં ધરખમ વધારો

દુબઈ: મધ્ય પૂર્વમાં ચાલી રહેલો સંઘર્ષ હવે લોહિયાળ જંગમાંથી આગળ વધીને 'સંસાધનોના યુદ્ધ'માં ફેરવાઈ ગયો છે. ઈરાને તેની રણનીતિ બદલીને હવે સીધા એવા ઠેકાણાઓને નિશાન બનાવ્યા છે જે સામાન્ય નાગરિકોના અસ્તિત્વ માટે અનિવાર્ય છે. શુક્રવારની વહેલી સવારે કુવૈતના સૌથી મોટા વોટર ડિસેલિનેશન પ્લાન્ટ પર થયેલા મિસાઇલ હુમલાએ સમગ્ર ગલ્ફ દેશોને હચમચાવી દીધા છે. કુવૈતની 90 ટકા પીવાના પાણીની જરૂરિયાત આ પ્લાન્ટ પર નિર્ભર છે, અને તેના નુકસાનથી દેશમાં જળ સંકટ ઉભું થવાની ભીતિ સેવાઈ રહી છે. આટલું જ નહીં, કુવૈતની મીના અલ-અહમદી ઓઇલ રિફાઇનરી પર પણ ડ્રોન દ્વારા હુમલો કરવામાં આવ્યો હતો, જેનાથી લાગેલી આગને ઓલવવા માટે ફાયર વિભાગ કલાકોથી સંઘર્ષ કરી રહ્યો છે.
બીજી તરફ, સંયુક્ત આરબ અમીરાત (UAE) માં પણ સ્થિતિ તંગ છે. અબુ ધાબીના હબશાન ગેસ પ્લાન્ટ પર થયેલા હુમલાને એર ડિફેન્સ સિસ્ટમ દ્વારા હવામાં જ નિષ્ફળ બનાવવામાં આવ્યો હતો, પરંતુ તેનો કાટમાળ પ્લાન્ટ પરિસરમાં પડતા ભયાનક આગ ફાટી નીકળી હતી. સાવચેતીના પગલે અધિકારીઓએ પ્લાન્ટની કામગીરી અસ્થાયી ધોરણે બંધ કરી દીધી છે. આ હુમલાઓ દર્શાવે છે કે ઈરાન હવે માત્ર સૈન્ય મથકો જ નહીં, પરંતુ ગલ્ફ દેશોની આર્થિક કરોડરજ્જુ ગણાતા ગેસ અને તેલના કુવાઓને પણ લક્ષ્ય બનાવી રહ્યું છે. સાઉદી અરેબિયા અને બહેરીન જેવા દેશોમાં પણ હાઈ-એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અને સતત વાગતા સાયરન લોકોમાં ગભરાટ ફેલાવી રહ્યા છે.
વૈશ્વિક સ્તરે આ યુદ્ધની અસર સૌથી વધુ ઉર્જા બજાર પર જોવા મળી રહી છે. હોર્મુઝ સ્ટ્રેટમાં ઈરાનની વધતી દખલગીરીને કારણે આંતરરાષ્ટ્રીય બજારમાં બ્રેન્ટ ક્રૂડના ભાવ પ્રતિ બેરલ $100ને વટાવી ગયા છે, જેની સીધી અસર ભારત સહિત સમગ્ર વિશ્વના અર્થતંત્ર પર પડશે. તેલ અને ગેસના ભાવમાં ઉછાળો આવવાથી મોંઘવારી બેકાબૂ બનવાની શક્યતા છે. સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) આ ગંભીર મુદ્દે તાત્કાલિક બેઠક બોલાવવા જઈ રહી છે, જેમાં હોર્મુઝ સ્ટ્રેટની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે 'તમામ જરૂરી પગલાં' લેવાની ચર્ચા થશે. જો આ સંઘર્ષ જલ્દી નહીં અટકે, તો પાણી અને ઇંધણ માટે તડપતી જનતા આ અરાજકતાનો સૌથી મોટો શિકાર બનશે.
(5:50 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
