News of Friday, 3rd April 2026
આમ આદમી પાર્ટીમાં ભયાનક ભડકો : રાઘવ ચઢ્ઢા ભાજપમાં જોડાઈ શકે છે તેવો આતિષી અને ભગવંત માનનો સનસનીખેજ દાવો
પક્ષના વલણથી વિપરીત કામગીરી અને દબાણ હેઠળ હોવાના આક્ષેપો સાથે રાઘવ ચઢ્ઢાને રાજ્યસભાના ડેપ્યુટી લીડર પદેથી હટાવાયા : કેજરીવાલની ધરપકડ સમયે વિદેશમાં છુપાયેલા હોવા મુદ્દે સૌરભ ભારદ્વાજે પણ સાધ્યું નિશાન

નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (AAP) ના આંતરિક વિખવાદે આજે ઉગ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. દિલ્હી વિધાનસભામાં નેતા પ્રતિपक्ष આતિષીએ શુક્રવારે અત્યંત ગંભીર દાવો કરતા જણાવ્યું છે કે તેમના સાથી નેતા અને રાજ્યસભા સાંસદ રાઘવ ચઢ્ઢા ટૂંક સમયમાં ભારતીય જનતા પાર્ટીમાં સામેલ થઈ શકે છે. આ દાવાને પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને પણ સમર્થન આપતા ઉમેર્યું હતું કે રાઘવ ચઢ્ઢા હાલ દબાણ હેઠળ કામ કરી રહ્યા છે અને પક્ષની વિચારધારાથી અલગ રસ્તો અપનાવી રહ્યા છે.
આતિષીએ સવાલોની ઝડી વરશાવી:
આતિષીએ સોશિયલ મીડિયા પર એક વીડિયો શેર કરીને રાઘવ ચઢ્ઢાની કાર્યશૈલી પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે પૂછ્યું હતું કે, "તમે સરકારને સવાલ પૂછતા કેમ ડરો છો? આજે જ્યારે લોકશાહી અને બંધારણ જોખમમાં છે, પશ્ચિમ બંગાળમાં ચૂંટણી પંચનો દુરુપયોગ થઈ રહ્યો છે, ત્યારે તમે મૌન કેમ છો?" આતિષીએ વધુમાં જણાવ્યું કે સામાન્ય જનતા ગેસ સિલિન્ડરના વધતા ભાવોથી ત્રસ્ત છે, પરંતુ જ્યારે પક્ષે આ મુદ્દે બોલવા માટે કહ્યું ત્યારે પણ રાઘવ ચઢ્ઢા ચૂપ રહ્યા હતા. શું તેઓ કેન્દ્ર સરકારથી ડરી રહ્યા છે?
ભગવંત માન અને સૌરભ ભારદ્વાજના આક્ષેપો:
પંજાબના મુખ્યમંત્રી ભગવંત માને ટીકા કરતા કહ્યું કે રાઘવ ચઢ્ઢા પક્ષના વલણથી વિપરીત જઈ રહ્યા છે. જ્યારે પક્ષના અન્ય નેતાઓ ગુજરાતમાં કાર્યકરોની ધરપકડ સામે અવાજ ઉઠાવતા હતા ત્યારે ચઢ્ઢાએ મૌન સેવ્યું હતું. બીજી તરફ, દિલ્હી 'આપ' પ્રમુખ સૌરભ ભારદ્વાજે સીધો પ્રહાર કરતા કહ્યું કે જ્યારે અરવિંદ કેજરીવાલની ધરપકડ કરવામાં આવી ત્યારે રાઘવ ચઢ્ઢા વિદેશમાં છુપાયેલા રહ્યા હતા. તેમણે પંજાબના પ્રશ્નો ઉઠાવવાને બદલે માત્ર અંગત બાબતોમાં રસ લીધો હોવાનો આરોપ પણ લગાવ્યો છે.
ભાજપની પ્રતિક્રિયા:
રાઘવ ચઢ્ઢાને રાજ્યસભામાં 'આપ' ના ઉપનેતા પદેથી હટાવવા મુદ્દે ભારતીય જનતા પાર્ટીએ આને આમ આદમી પાર્ટીનો આંતરિક મામલો ગણાવ્યો છે. દિલ્હી ભાજપ પ્રમુખ વિરેન્દ્ર સચદેવાએ વળતો પ્રહાર કરતા કહ્યું કે અરવિંદ કેજરીવાલ એક ડરપોક નેતા છે જે પોતાની પાર્ટીમાં કોઈ સક્ષમ વ્યક્તિને સહન કરી શકતા નથી. જ્યારે રાઘવ ચઢ્ઢાના ભાજપમાં જોડાવાની અટકળો વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેમના ભવિષ્યનો નિર્ણય ચઢ્ઢાએ પોતે કરવાનો છે. હાલ આ ઘટનાક્રમથી દિલ્હી અને પંજાબના રાજકારણમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.
(5:57 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
