<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

સાવધાન! PPF રોકાણમાં માત્ર ૨૪ કલાકનો વિલંબ અને ₹૩ લાખનું નુકસાન: ૫ એપ્રિલની ડેડલાઇનનું ગણિત

પબ્લિક પ્રોવિડન્ટ ફંડમાં વ્યાજ ગુમાવવાથી બચવા માટે રોકાણકારોએ પળેપળની તકેદારી રાખવી પડશે : જો તમે એપ્રિલના પ્રથમ સપ્તાહમાં ચુકી ગયા તો આખા વર્ષની કમાણી પર પડશે સીધી અસર

નવી દિલ્હી: રોકાણકારો માટે એપ્રિલ મહિનો માત્ર નવા નાણાકીય વર્ષની શરૂઆત નથી, પરંતુ મોટી કમાણી કરવાની એક અમૂલ્ય તક પણ છે. જો તમે સુરક્ષિત અને ટેક્સ-ફ્રી રિટર્ન માટે પબ્લિક પ્રોવિડન્ટ ફંડ (PPF) પર ભરોસો કરો છો, તો ૫ એપ્રિલ એ તમારા કેલેન્ડરની સૌથી મહત્વની તારીખ હોવી જોઈએ. PPF માં વ્યાજની ગણતરી કરવાની પદ્ધતિ અન્ય બેંક ખાતાઓ કરતા અલગ છે. નિયમ મુજબ, દર મહિનાની ૫ તારીખથી મહિનાના અંત સુધીના લઘુત્તમ બેલેન્સ પર વ્યાજ ગણવામાં આવે છે. આથી, જો તમે આખા વર્ષનું મહત્તમ વ્યાજ મેળવવા માંગતા હોવ, તો ૫ એપ્રિલ પહેલા તમારા ખાતામાં રકમ જમા થઈ જવી અનિવાર્ય છે.

ઘણા રોકાણકારોને એ વાતની જાણ નથી હોતી કે માત્ર એક દિવસનો વિલંબ તેમના લાંબા ગાળાના પ્રોફિટ પર કેટલી મોટી અસર કરી શકે છે. જો તમે ₹૧.૫ લાખનું વાર્ષિક રોકાણ ૬ એપ્રિલે કરો છો, તો તમે એપ્રિલ મહિનાનું આખું વ્યાજ ગુમાવી દેશો. ગણિત મુજબ, ૭.૧% ના વ્યાજ દરે એક દિવસ મોડું રોકાણ કરવાથી વાર્ષિક ધોરણે અંદાજે ₹૮૮૭નું નુકસાન થાય છે. આ રકમ અત્યારે કદાચ નાની લાગે, પરંતુ જ્યારે તમે ૧૫ વર્ષના મેચ્યોરિટી સમયગાળાની ગણતરી કરો છો, ત્યારે આ તફાવત લાખોમાં પહોંચી જાય છે. શિસ્તબદ્ધ રોકાણ અને સમયસરના વ્યવહાર વચ્ચેનો આ તફાવત તમારી નિવૃત્તિના ભંડોળમાં મોટું ગાબડું પાડી શકે છે.

નિષ્ણાતોના મતે, જો કોઈ રોકાણકાર દર વર્ષે ૧ થી ૫ એપ્રિલની વચ્ચે પોતાની મહત્તમ મર્યાદા (₹૧.૫ લાખ) મુજબ રોકાણ કરે છે, તો ૧૫ વર્ષના અંતે તેનું કુલ ભંડોળ અંદાજે ₹૪૦.૬૮ લાખની આસપાસ પહોંચી શકે છે. તેની સરખામણીમાં, જો દર વર્ષે રોકાણ મોડું કરવામાં આવે, તો આ રકમ ઘટીને ₹૩૭.૮૦ લાખ સુધી મર્યાદિત રહી શકે છે. આમ, માત્ર રોકાણની તારીખમાં ફેરફાર કરવાથી તમે કોઈ પણ વધારાના જોખમ વિના આશરે ₹૩ લાખ જેટલી વધારાની રકમ મેળવી શકો છો. તેથી, જો તમે પોસ્ટ ઓફિસ કે બેંકમાં PPF ખાતું ધરાવો છો, તો મોડું કર્યા વગર ૫ એપ્રિલ સુધીમાં તમારો હપ્તો જમા કરાવી દેવો એ જ સમજદારી છે.

(6:01 PM IST)