News of Friday, 3rd April 2026
રામાયણનું 'મેજિક': જાપાની એનિમેશન સામે બોલિવૂડ પણ ફિક્કું: IMDb પર 9.1 રેટિંગ સાથે રચ્યો ઇતિહાસ!
32 વર્ષનો વનવાસ પૂરો કરીને 4K અવતારમાં મોટા પડદા પર પ્રભુ રામની ગાથા : અરુણ ગોવિલના અવાજે ફરી જીવંત કરી એનિમેટેડ રામાયણની એ સુવર્ણ યાદો

મુંબઈ: ભારતીય સિનેમામાં અત્યારે રણબીર કપૂરની 'રામાયણ'ની ચર્ચા જોરશોરથી ચાલી રહી છે, પરંતુ આ બધાની વચ્ચે એક એવી ફિલ્મ છે જેણે દાયકાઓ પહેલાં જ દર્શકોના હૃદયમાં સ્થાન બનાવી લીધું હતું. ૧૯૯૦ના દાયકામાં જાપાની ફિલ્મ નિર્માતા યુગો સાકાએ જ્યારે એનિમેટેડ 'રામાયણ: ધ લેજન્ડ ઓફ પ્રિન્સ રામ' બનાવવાનું નક્કી કર્યું, ત્યારે તેમને ભારતમાં ભારે વિરોધનો સામનો કરવો પડ્યો હતો. તે સમયે એનિમેશનને માત્ર કાર્ટૂન માનવામાં આવતું હતું, પરંતુ સાકાએ સાબિત કરી દીધું કે એનિમેશન દ્વારા ભગવાન રામની દૈવી શક્તિને વધુ પ્રભાવશાળી રીતે દર્શાવી શકાય છે. આજે આ ફિલ્મનું IMDb રેટિંગ 9.1 છે, જે સુપ્રસિદ્ધ રામાનંદ સાગરની 'રામાયણ' (9.0) કરતાં પણ વધુ છે.
આ ફિલ્મની સફર કોઈ ફિલ્મી ડ્રામાથી ઓછી નથી. ૧૯૯૩માં તૈયાર થયેલી આ કૃતિ ભારતના તે સમયના સંવેદનશીલ વાતાવરણ અને ધાર્મિક લાગણીઓને ઠેસ પહોંચવાની આશંકાને કારણે થિયેટરો સુધી પહોંચી શકી નહોતી. લાંબા સમય સુધી આ ફિલ્મ ભારતમાં પ્રતિબંધિત રહી અથવા માત્ર દૂરદર્શન પર જ મર્યાદિત રીતે જોવા મળી. જોકે, આ ફિલ્મની સૌથી મોટી તાકાત તેનું હિન્દી ડબિંગ હતું, જેમાં ખુદ અરુણ ગોવિલે ભગવાન રામને અવાજ આપ્યો હતો. આ ફિલ્મને ભારતીય એનિમેશનના પિતા ગણાતા રામ મોહન અને જાપાની નિષ્ણાતોએ સાથે મળીને કલાત્મકતાના ઉચ્ચ શિખરે પહોંચાડી હતી.
આખરે ૩૨ વર્ષની લાંબી રાહ જોયા પછી, જાન્યુઆરી ૨૦૨૫માં આ ફિલ્મને 4K ફોર્મેટમાં આધુનિક ટેકનોલોજી સાથે રિલીઝ કરવામાં આવી ત્યારે જાણે આખું ભારત રામમય બની ગયું હતું. ગીક પિક્ચર્સ અને એક્સેલ એન્ટરટેઈનમેન્ટના સહયોગથી હિન્દી, અંગ્રેજી, તમિલ અને તેલુગુમાં રિલીઝ થયેલી આ ફિલ્મ આજે ભારત અને જાપાન વચ્ચેના સાંસ્કૃતિક સંબંધોનું સૌથી સુંદર પ્રતીક બની ગઈ છે. આ ફિલ્મ માત્ર એક મનોરંજન નથી, પરંતુ એનિમેશન અને ભક્તિનો એવો સંગમ છે જેણે પેઢીઓ સુધી લોકોને પ્રભુ રામના આદર્શો સાથે જોડી રાખ્યા છે.
(7:04 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
