<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

"શબ્દો નહીં, શક્તિ": સમુદ્રમાં ભારતનો અભેદ્ય કિલ્લો : ત્રીજી પરમાણુ સબમરીન 'અરિદમન' સેનામાં સામેલ!

વિશાખાપટ્ટનમમાં રાજનાથ સિંહે ભવ્ય સમારોહમાં INS અરિદમન અને INS તારાગિરીને અર્પણ કરી : દુશ્મનોના છક્કા છોડાવવા ભારતની 'ન્યુક્લિયર ટ્રાયડ' શક્તિમાં થયો પ્રચંડ વધારો

વિશાખાપટ્ટનમ:  ભારતીય નૌકાદળના ઇતિહાસમાં આજનો દિવસ સુવર્ણ અક્ષરે લખાશે, કારણ કે ભારતે સમુદ્રમાં પોતાની તાકાતનું પ્રદર્શન કરતા ત્રીજી સ્વદેશી પરમાણુ સબમરીન INS અરિદમનને વિધિવત રીતે કાફલામાં સામેલ કરી છે. રક્ષામંત્રી રાજનાથ સિંહે આ પ્રસંગે ગર્વભેર જણાવ્યું કે, "અરિદમન એ માત્ર શબ્દો નથી, પણ ભારતની અદમ્ય શક્તિ છે." આ સબમરીન સાથે ભારતનું 'ન્યુક્લિયર ટ્રાયડ' (જમીન, આકાશ અને સમુદ્ર ત્રણેય જગ્યાએથી પરમાણુ હુમલો કરવાની ક્ષમતા) હવે પહેલા કરતા અનેકગણું વધુ મજબૂત અને ઘાતક બની ગયું છે. INS અરિહંત અને INS અરિઘાટ પછી આ ત્રીજું સ્વદેશી સંતાન છે જે હિંદ મહાસાગરમાં ભારતની આણ વર્તાવશે.

આ ભવ્ય સમારોહમાં માત્ર સબમરીન જ નહીં, પણ અત્યંત આધુનિક યુદ્ધ જહાજ INS તારાગિરીને પણ કાર્યરત કરવામાં આવ્યું છે. P-17A વર્ગના આ ચોથા શક્તિશાળી જહાજની સૌથી મોટી વિશેષતા એ છે કે તેનો ૭૫ ટકા હિસ્સો સંપૂર્ણ સ્વદેશી છે, જે 'આત્મનિર્ભર ભારત'ના સંકલ્પને સાકાર કરે છે. માઝગોન ડોક દ્વારા નિર્મિત આ જહાજ ચાંચિયાગીરી વિરોધી અભિયાનથી લઈને હાઈ-ઈન્ટેન્સિટી વોરફેર સુધીની તમામ ભૂમિકાઓ ભજવવા માટે સક્ષમ છે. આ એક એવું પ્લેટફોર્મ છે જે દુશ્મનના રડારમાં આવ્યા વગર સમુદ્રી સીમાઓની ચોકીદારી કરી શકે છે.

સંરક્ષણ નિષ્ણાતોના મતે, મધ્ય પૂર્વમાં ચાલી રહેલા તણાવ અને હિંદ મહાસાગરમાં વધતી જતી હિલચાલ વચ્ચે ભારતનું આ પગલું વ્યૂહાત્મક રીતે માસ્ટરસ્ટ્રોક સમાન છે. INS અરિદમન લાંબા સમય સુધી પાણીની અંદર રહીને પરમાણુ મિસાઈલો છોડવાની ક્ષમતા ધરાવે છે, જે ભારતને 'સેકન્ડ સ્ટ્રાઈક'ની ક્ષમતા આપે છે. કેન્દ્રીય મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ પણ આ સફળતાને ભારતની હિંમતનું પ્રતિબિંબ ગણાવ્યું હતું. હવે ભારત વિશ્વના એવા ગણ્યાગાંઠ્યા દેશોની યાદીમાં મજબૂત સ્થાને છે જેઓ પોતાની પરમાણુ સબમરીન જાતે બનાવી અને સંચાલિત કરી શકે છે.

(7:05 PM IST)