News of Friday, 3rd April 2026
ચીન સળગ્યું: જનતા રસ્તા પર પોલીસ સાથે લોહિયાળ અથડામણ અને ડ્રેગન શાસન ફફડ્યું!
વુ.....હાનથી ગુઆંગડોંગ સુધી વિરોધનો વંટોળ: પર્યાવરણ અને જમીન વિવાદોએ લીધું હિંસક સ્વરૂપ : સુરક્ષા કાજે આકાશમાં ડ્રોન પર પણ પ્રતિબંધ લાદતી શી જિનપિંગ સરકાર

બેઇજિંગ: ચીનના લોખંડી શાસન સામે હવે જનતાનો આક્રોશ ફાટી નીકળ્યો છે. મધ્ય ચીનના વુહાનથી લઈને દક્ષિણના ગુઆંગડોંગ પ્રાંત સુધી હજારો લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, જેને ડામવા માટે પોલીસે બળપ્રયોગ કરતા સ્થિતિ અંકુશ બહાર ગઈ છે. વુહાનમાં બેટરી પ્રોજેક્ટના પર્યાવરણીય જોખમો સામે ફેબ્રુઆરીથી ચાલી રહેલું આંદોલન હવે સશસ્ત્ર અથડામણમાં ફેરવાઈ ગયું છે. પ્રદર્શનકારીઓએ ડેપ્યુટી મેયરની કારને ઘેરી લીધી હતી, જેના જવાબમાં પોલીસે સેંકડો લોકોની અટકાયત કરી છે. પ્રશાસને પ્રોજેક્ટ રોકવાનું વચન આપ્યું હોવા છતાં બાંધકામ ચાલુ રહેતા લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.
બીજી તરફ, ગુઆંગડોંગ પ્રાંતના શુઇકોઉ વિસ્તારમાં સ્મશાન પ્રોજેક્ટને લઈને યુદ્ધ જેવી સ્થિતિ સર્જાઈ છે. રહેણાંક વિસ્તારો અને શાળાઓની તદ્દન નજીક સ્મશાન બનાવવાની યોજના સામે ૩,૦૦૦થી વધુ લોકોએ મોરચો માંડ્યો હતો. ૧૭ થી ૨૫ માર્ચ દરમિયાન થયેલા આ વિરોધ પ્રદર્શનોમાં પોલીસ અને જનતા વચ્ચે સીધી ટક્કર થઈ હતી, જેમાં અનેક લોકો લોહીલુહાણ થયા હોવાના અહેવાલ છે. વહીવટીતંત્રે આખા વિસ્તારને છાવણીમાં ફેરવી દીધો છે અને લોકોના આઈડી કાર્ડ ચેક કરીને જ હિલચાલની મંજૂરી અપાઈ રહી છે, જે ચીનની આંતરિક અસ્થિરતાનો પુરાવો આપે છે.
આ વધતા જતા લોકજુવાળને દબાવવા માટે ચીની સરકારે હવે આકાશ પર પણ પહેરો બેસાડી દીધો છે. ૧ મે થી અમલી બનનારા નવા કડક નિયમો મુજબ, બેઇજિંગ સહિતના સંવેદનશીલ વિસ્તારોમાં ડ્રોન ઉડાડવા, રાખવા કે તેનું પરિવહન કરવા પર પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો છે. કોઈપણ ડ્રોન ઉડાડતા પહેલા સરકારની આગોતરી મંજૂરી લેવી હવે અનિવાર્ય બની છે. વિશ્લેષકો માને છે કે સોશિયલ મીડિયા પર વિરોધના વીડિયો વાયરલ ન થાય અને દેખાવકારો ડ્રોન ટેકનોલોજીનો ઉપયોગ ન કરે તે માટે આ "ઓછી ઊંચાઈવાળા સુરક્ષા પડકારો"નું બહાનું કાઢવામાં આવ્યું છે.
(7:05 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
