<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

ભારત-પાક વચ્ચે 'વાકયુદ્ધ' તેજ: રાજનાથ સિંહની 'ઓપરેશન સિંદૂર'ની ચેતવણીથી પાકિસ્તાની રક્ષામંત્રી લાલચોળ!

પહેલગામ હુમલાની વર્ષગાંઠ પહેલા સરહદે હલચલ : "૨૨ મિનિટમાં ઘૂંટણિયે પાડી દઈશું" તેવા ભારતના લલકાર સામે ખ્વાજા આસિફે આપી પલટવારની ધમકી

નવી દિલ્હી:  મધ્ય પૂર્વમાં ઈરાનના યુદ્ધ વચ્ચે ભારત અને પાકિસ્તાન વચ્ચેના સંબંધોમાં ફરી એકવાર ગરમાવો આવ્યો છે. કેરળમાં 'સૈનિક સન્માન સંમેલન' દરમિયાન સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે પાકિસ્તાનનું નામ લીધા વિના આકરી ચેતવણી આપી હતી કે જો પડોશી દેશ કોઈ 'દુઃસાહસ' કરશે તો ભારતની કાર્યવાહી અભૂતપૂર્વ હશે. તેમણે ઐતિહાસિક 'ઓપરેશન સિંદૂર'ને યાદ અપાવતા કહ્યું કે પહેલગામની ઘટના બાદ ભારતીય સેનાએ માત્ર ૨૨ મિનિટમાં પાકિસ્તાનને પાઠ ભણાવ્યો હતો અને આ ઓપરેશન હજુ પૂરું થયું નથી. રાજનાથ સિંહે સ્પષ્ટ કર્યું કે ભારતીય નૌકાદળ હોર્મુઝ સ્ટ્રેટમાં પોતાના ટેન્કરોની સુરક્ષા માટે સંપૂર્ણ સજ્જ છે.

રાજનાથ સિંહના આ નિવેદનથી પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફ ગુસ્સે ભરાયા છે. તેમણે સોશિયલ મીડિયા પર રાજનાથ સિંહને ટેગ કરીને વળતો પ્રહાર કરતા કહ્યું કે પાકિસ્તાન કોઈપણ હુમલાનો 'ઝડપી અને નિર્ણાયક' જવાબ આપવા તૈયાર છે. આસિફે 'માર્કા-એ-હક'નો ઉલ્લેખ કરીને દાવો કર્યો કે તેમની સેના પોતાની સાર્વભૌમત્વની રક્ષા માટે અટલ સંકલ્પ ધરાવે છે. પાકિસ્તાની અખબાર 'ડોન' મુજબ, આસિફે ઈશારામાં ધમકી આપી છે કે આગલી વખતે તેમનો પ્રતિભાવ અગાઉ કરતા પણ વધુ મજબૂત હશે, જે દર્શાવે છે કે પાકિસ્તાન અત્યારે ભારે દબાણ હેઠળ છે.

પહેલગામ આતંકવાદી હુમલાની વર્ષગાંઠ નજીક છે ત્યારે બંને દેશોના મંત્રીઓ વચ્ચેના આ 'શબ્દયુદ્ધ'એ વૈશ્વિક સ્તરે ચિંતા વધારી છે. ભારત એક તરફ હોર્મુઝ સ્ટ્રેટ જેવી વ્યૂહાત્મક જગ્યાએ પોતાની શક્તિ બતાવી રહ્યું છે, તો બીજી તરફ પાકિસ્તાન પોતાની આંતરિક નબળાઈઓ છુપાવવા માટે ઉશ્કેરણીજનક નિવેદનો આપી રહ્યું છે. રાજનાથ સિંહે ભારપૂર્વક કહ્યું કે ભારત હવે માત્ર રક્ષણાત્મક નથી પરંતુ આક્રમક રીતે પોતાની સુરક્ષા સુનિશ્ચિત કરી રહ્યું છે. આ નિવેદનો બાદ સરહદ પર સુરક્ષા દળોને હાઈ-એલર્ટ કરી દેવામાં આવ્યા છે.

(7:06 PM IST)