News of Friday, 3rd April 2026
પુડુચેરીમાં મોદી મેજિક: સમુદ્ર કિનારે ઉમટ્યું જનમેદનીનું ઘોડાપૂર, "ભારત માતા કી જય" ના નારાથી ગુંજી ઉઠ્યું દક્ષિણ ભારત!
વિધાનસભા ચૂંટણીના રણશિંગા ફૂંકતા પીએમ મોદીનો ભવ્ય રોડ શો: મુખ્યમંત્રી રંગાસ્વામીની હાજરીમાં પુષ્પવર્ષા અને પરંપરાગત નૃત્યોએ કેન્દ્રશાસિત પ્રદેશને ભાજપમય બનાવ્યો

ચેન્નાઈ: પુડુચેરીની ધરતી પર રાજકીય ઉત્સાહનો એવો જુવાળ જોવા મળ્યો જેણે વિરોધ પક્ષોની ઊંઘ ઉડાવી દીધી છે. આગામી વિધાનસભા ચૂંટણીના પ્રચાર અર્થે પહોંચેલા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનું સ્વાગત કરવા માટે આખું પુડુચેરી રસ્તા પર ઉતરી આવ્યું હોય તેવા દ્રશ્યો સર્જાયા હતા. "ભારત માતા કી જય" અને "જય શ્રી રામ" ના ગગનભેદી નારાઓ વચ્ચે પીએમ મોદીએ જ્યારે ખુલ્લા વાહનમાં સવાર થઈને જનતાનું અભિવાદન ઝીલ્યું, ત્યારે આખું વાતાવરણ કેસરીયા રંગે રંગાઈ ગયું હતું. લોકોએ પોતાના લાડીલા નેતા પર એટલી પુષ્પવર્ષા કરી કે રસ્તાઓ ફૂલોની ચાદરથી ઢંકાઈ ગયા હતા.
રોડ શોની શરૂઆત અજંતા સિગ્નલ પોઈન્ટથી થઈ હતી, જ્યાં પીએમ મોદીની સાથે પુડુચેરીના મુખ્યમંત્રી એન. રંગાસ્વામી અને ગૃહમંત્રી એ. નમસ્સ્વયમ પણ મંચ પર બિરાજમાન હતા. આશરે બે કિલોમીટર લાંબા આ રૂટ પર ઠેર-ઠેર સાંસ્કૃતિક મંચો બનાવવામાં આવ્યા હતા, જ્યાં સ્થાનિક કલાકારોએ પરંપરાગત નૃત્યો રજૂ કરીને પીએમનું સ્વાગત કર્યું હતું. દક્ષિણ ભારતની સંસ્કૃતિ અને આધુનિક રાજનીતિનો આ અદભૂત સંગમ જોઈને વડાપ્રધાને પણ વારંવાર ભીડ સામે હાથ હલાવીને જનતાનો આભાર માન્યો હતો. આ રોડ શો કામરાજાર સ્ટેચ્યુ પાસે પૂર્ણ થયો ત્યારે લોકોનો ઉત્સાહ ચરમસીમાએ હતો.
આ ભવ્ય શક્તિ પ્રદર્શન બાદ પીએમ મોદી સીધા ચેન્નાઈ જવા રવાના થયા હતા, જ્યાં તેઓ ગિન્ડીની હોટલમાં રાત્રિ રોકાણ કરશે. ૪ એપ્રિલના રોજ તેઓ ભાજપના ટોચના નેતાઓ સાથે એક મહત્વની બંધ બારણે બેઠક યોજવાના છે, જેમાં દક્ષિણ ભારતમાં પક્ષની રણનીતિ અને ચૂંટણીલક્ષી આયોજન અંગે ચર્ચા થશે. સુરક્ષાના કારણોસર ચેન્નાઈ અને પુડુચેરીમાં હજારો પોલીસ કર્મીઓ તૈનાત કરવામાં આવ્યા છે. નિષ્ણાતો માને છે કે પીએમ મોદીનો આ પ્રવાસ પુડુચેરી અને તમિલનાડુમાં ભાજપ-એઆઈએનઆરસી ગઠબંધન માટે ગેમ-ચેન્જર સાબિત થઈ શકે છે.
(7:07 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
