હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
AI ની દુનિયામાં ચીનનો મોટો સપાટો: 'ડિજિટલ માનવો' પર નિયંત્રણ માટે કડક કાયદાનો ડ્રાફ્ટ તૈયાર, બાળકોને વ્યસની બનાવતી સર્વિસ પર લાગશે રોક
૧૮ વર્ષથી ઓછી ઉંમરના સગીરો સાથે 'વર્ચ્યુઅલ સંબંધ' રાખવા પર પ્રતિબંધ; રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક એકતાને જોખમમાં મૂકતા AI કન્ટેન્ટ સામે બેઇજિંગ લાલચોળ

બેઇજિંગ: આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ (AI) ના ક્ષેત્રમાં ઝડપથી આગળ વધી રહેલા ચીને હવે ડિજિટલ માનવો એટલે કે 'વર્ચ્યુઅલ હ્યુમન્સ' ને નિયંત્રિત કરવા માટે કમર કસી છે. ચીનના સાયબરસ્પેસ નિયમનકારે શુક્રવારે નવા નિયમોનો ડ્રાફ્ટ રજૂ કર્યો છે, જેનો મુખ્ય હેતુ બાળકોને ટેકનોલોજીના વ્યસનથી બચાવવાનો અને AI ના દુરુપયોગને રોકવાનો છે. આ નવા નિયમો મુજબ, દરેક ડિજિટલ માનવ પર સ્પષ્ટ 'લેબલિંગ' કરવું ફરજિયાત બનશે જેથી યુઝર્સને ખબર પડે કે તેઓ વાસ્તવિક વ્યક્તિ સાથે નહીં પણ મશીન સાથે વાત કરી રહ્યા છે.
સગીરોની સુરક્ષા પર વિશેષ ભાર
ચીન સરકારના નવા પ્રસ્તાવ મુજબ, ૧૮ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને ડિજિટલ માનવો સાથે 'વર્ચ્યુઅલ ઘનિષ્ઠ સંબંધો' (Virtual Intimate Relationships) પ્રદાન કરવા પર સંપૂર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે. સરકારનું માનવું છે કે આવી સેવાઓ બાળકોને ગેરમાર્ગે દોરી શકે છે અને તેમને માનસિક રીતે વ્યસની બનાવી શકે છે. આ ઉપરાંત, કોઈ પણ વ્યક્તિની સંમતિ વિના તેની માહિતીનો ઉપયોગ કરીને ડિજિટલ અવતાર બનાવવા પર પણ રોક લગાવી દેવામાં આવી છે.
રાષ્ટ્રીય સુરક્ષા અને સામાજિક મૂલ્યો
નવા કાયદામાં સ્પષ્ટતા કરવામાં આવી છે કે ડિજિટલ માનવોનો ઉપયોગ રાષ્ટ્રીય સુરક્ષાને જોખમમાં મૂકવા, રાજ્ય સત્તાને નબળી પાડવા કે અલગતાવાદને પ્રોત્સાહન આપવા માટે કરી શકાશે નહીં. ચીને અગાઉ પણ સ્પષ્ટ કર્યું છે કે AI ટેકનોલોજીએ દેશના સમાજવાદી મૂલ્યો સાથે સુસંગત રહીને જ કામ કરવું પડશે. વંશીય ભેદભાવ ફેલાવતી કે હિંસક અને અશ્લીલ સામગ્રી પીરસતા ડિજિટલ પ્લેટફોર્મ્સ સામે કડક કાર્યવાહી કરવામાં આવશે.
ડિજિટલ અર્થતંત્રની ગુણવત્તા પર નજર
ચીનના સાયબરસ્પેસ એડમિનિસ્ટ્રેશન મુજબ, ડિજિટલ વર્ચ્યુઅલ માનવોનું સંચાલન હવે માત્ર ઉદ્યોગનો વિષય નથી રહ્યો, પરંતુ તે સાયબર સુરક્ષા અને જાહેર હિતો સાથે જોડાયેલો વ્યૂહાત્મક મુદ્દો બની ગયો છે. સરકાર ઈચ્છે છે કે AI ઉદ્યોગનો વિકાસ થાય, પરંતુ તે માટે કેટલીક 'લક્ષ્મણ રેખા' નક્કી કરવી અનિવાર્ય છે. જો કોઈ યુઝર આત્મહત્યા કે સ્વ-નુકસાનની વૃત્તિ દર્શાવે, તો AI સેવા પ્રદાતાઓએ તુરંત હસ્તક્ષેપ કરી વ્યાવસાયિક મદદ પૂરી પાડવી પડશે.
આગામી ૬ મે સુધી આ નિયમો પર જનતાના સૂચનો મંગાવવામાં આવ્યા છે. ટેકનોલોજીની દુનિયામાં ચીનનું આ કડક વલણ અન્ય દેશો માટે પણ એક ઉદાહરણ સાબિત થઈ શકે છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
