News of Friday, 3rd April 2026
સ્માર્ટફોન'સ્લો પોઈઝન': વિશ્વના ૫૮% દેશોની શાળાઓમાં ફોન પર પ્રતિબંધ : યુનિસેફના અહેવાલે જગાડી ચિંતા!
વર્ગખંડમાં વિચલિત થતા બાળકો અને સાયબર બુલિંગના ખતરા સામે વૈશ્વિક જંગ : ઇન્સ્ટાગ્રામ-ટિકટોક જેવી સોશિયલ મીડિયા એપ્સ કિશોરીઓના માનસપટ પર કરી રહી છે ગંભીર પ્રહાર

નવી દિલ્હી: ડિજિટલ યુગમાં બાળકોના હાથમાં રમી રહેલા સ્માર્ટફોન હવે તેમના ભવિષ્ય માટે ખતરો બની રહ્યા છે. યુનિસેફના તાજેતરના ચોંકાવનારા અહેવાલ મુજબ, વિશ્વના અડધાથી વધુ એટલે કે લગભગ ૫૮ ટકા દેશોએ શાળાઓમાં ફોનના ઉપયોગ પર કાં તો સંપૂર્ણ પ્રતિબંધ મૂક્યો છે અથવા તો અત્યંત કડક નીતિઓ લાગુ કરી છે. ૨૦૨૩માં આ આંકડો માત્ર ૨૪ ટકા હતો, જે ૨૦૨૬ સુધીમાં બમણાથી વધુ થઈ ગયો છે. શાળાઓમાં વધતા આ પ્રતિબંધનું મુખ્ય કારણ બાળકોની એકાગ્રતામાં થતો ઘટાડો અને વર્ગખંડમાં વધતું જતું વિચલન છે. મધ્ય અને દક્ષિણ એશિયાના દેશો આ બાબતે સૌથી વધુ સજાગ દેખાઈ રહ્યા છે, જ્યારે ઓસ્ટ્રેલિયા અને ન્યુઝીલેન્ડ જેવા દેશો હજુ આ દિશામાં ધીમી ગતિએ આગળ વધી રહ્યા છે.
હંગેરીમાં થયેલા એક સંશોધન મુજબ, શાળાના સમય દરમિયાન ફોન પર પ્રતિબંધ મૂક્યા પછી તેના ઉપયોગમાં ૩૭ ટકાથી ઘટીને માત્ર ૪ ટકાનો ધરખમ ઘટાડો જોવા મળ્યો છે. શિક્ષકોએ અવલોકન કર્યું છે કે ફોન વગરના વાતાવરણમાં બાળકો એકબીજા સાથે વધુ સંવાદ કરી રહ્યા છે, રમતગમત જેવી બહારની પ્રવૃત્તિઓમાં તેમનો રસ વધ્યો છે અને વાંચન પ્રત્યેની રુચિ પણ જાગી છે. જોકે, ૬૪ ટકા શિક્ષકો હજુ પણ માને છે કે માત્ર પ્રતિબંધ પૂરતો નથી, કારણ કે બાળકોના વર્તનમાં ધરમૂળથી ફેરફાર લાવવો એ એક લાંબી પ્રક્રિયા છે. આ પરિવર્તન છતાં, બાળકો પર સોશિયલ મીડિયાના જોખમો સતત વધી રહ્યા છે, જે તેમના માનસિક સ્વાસ્થ્યને નુકસાન પહોંચાડી રહ્યા છે.
સૌથી વધુ ચોંકાવનારી વિગતો સોશિયલ મીડિયાના અલ્ગોરિધમ અંગે બહાર આવી છે. ફેસબુકના રિપોર્ટ અનુસાર, ઇન્સ્ટાગ્રામનો ઉપયોગ કરનારી ૩૨ ટકા કિશોરીઓ પોતાના શરીરના દેખાવ બાબતે લઘુતાગ્રંથિ અનુભવે છે. તે જ રીતે, ટિકટોકનું અલ્ગોરિધમ દર ૩૯ સેકન્ડે શરીરની છબી અને દર ૮ મિનિટે ખાવાની વિકૃતિઓ ને લગતી સામગ્રી પીરસે છે, જે બાળકોમાં માનસિક તણાવ અને સામાજિક દબાણ વધારે છે. આ હાનિકારક સામગ્રીથી બચાવવા માટે જ વિશ્વના અનેક દેશો હવે 'નો ફોન એટ સ્કૂલ' ની નીતિને કડકાઈથી અમલી બનાવી રહ્યા છે, જેથી વર્ગખંડ ફરી એકવાર માત્ર જ્ઞાનનું કેન્દ્ર બની રહે.
(7:22 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
