News of Friday, 3rd April 2026
ઈરાનથી 6 લાખ બેરલ ક્રૂડ ઓઈલ લઈને ગુજરાતના વાડીનાર આવતું ટેન્કર 'Ping Shun' અચાનક ચીન તરફ વળી ગયું !!
એડવાન્સ પેમેન્ટની શરતો અથવા ઈરાન પરના બેંકિંગ પ્રતિબંધો (SWIFT થી બહાર હોવું) ને કારણે પેમેન્ટમાં સર્જાયેલી સમસ્યા આ રુટ ડાયવર્ઝન પાછળનું મુખ્ય કારણ હોઈ શકે

ઈરાનથી લગભગ 6 લાખ બેરલ ખનીજતેલ સાથેનું Eswatini - ફ્લેગવાળું ટેન્કર ‘Ping Shun’ ગુજરાતના વાડીનાર પોર્ટ પર પહોંચતા પહેલા જ પોતાનો માર્ગ બદલીને ચીન તરફ વળ્યું છે. કમોડિટી ડેટા કંપની Kpler ના આંકડા મુજબ, ટેન્કરે આખરી સમયે પોતાનો રુટ બદલ્યો. માનવામાં આવે છે કે આની પાછળ પેમેન્ટ સાથે જોડાયેલી કોઈ મુશ્કેલી હોઈ શકે છે.
આ ટેન્કર પહેલા ગુરુવારે બપોર સુધીમાં વાડીનાર પોર્ટ પહોંચવાનો સંકેત આપી રહ્યું હતું, પરંતુ બાદમાં તેણે અચાનક દક્ષિણ દિશા તરફ વળાંક લીધો અને પોતાનું ગંતવ્ય બદલી નાખ્યું.
સામાન્ય રીતે પ્રતિબંધિત ખનીજતેલ લઈને આવનારું ટેન્કર ઘણીવાર પોતાની અસલી મંજિલને છૂપાવવા માટે માર્ગ બદલે છે, જેથી નિરીક્ષણથી બચી શકાય. જો કે આ મામલામાં સ્થિતિ થોડી અલગ છે.
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ વચ્ચે અમેરિકા (US) એ 21 માર્ચે એક મહત્ત્વનો નિર્ણય કર્યો હતો. અમેરિકાએ આ ટેન્કરો પર લગાવાયેલા પ્રતિબંધોને અસ્થાયી પણે હટાવ્યા હતા કે જેમાં પહેલેથી જ ઈરાની ખનીજતેલ ભરવામાં આવ્યું હતું. તેનો ઉદેશ્ય વૈશ્વિક બજારમાં ખનીજતેલની આપૂર્તિ વધારવી અને વધતી કિંમતો પર કાબુ મેળવવાનો હતો. આવું જ પગલું અમેરિકા, રશિયાના ખનીજતેલના મામલામાં પણ ઉઠાવી ચુક્યું છે.
આ મામલામાં એ પણ કહેવામાં આવે છે કે જો ટેન્કરને ચીન જ જવું હતું, તો તે પ્રારંભથી જ અલગ માર્ગે ચાલત. પરંતુ આખરી સમયે રુટ બદલવાથી ઘણાં સવાલો પેદા થઈ ગયા છે. જાણકારી મુજબ, ‘Ping Shun’ ટેન્કર પર 4 માર્ચે ઈરાનના ખાર્ગ આઈલેન્ડથી ખનીજતેલ લોડ કરાયું હતું. તેનો અર્થ એ છે કે આ ખનીજતેલ અમેરિકાના પ્રતિબંધોના માપદંડોમાં આવતું નથી.
Kpler માં મોડલિંગ અને રિફાઈયનિંગના મેનેજર સુમિત રિતોલિયા પ્રમાણે, ટેન્કરનો માર્ગ બદલવાનું કારણ પેમેન્ટ સાથે જોડાયેલી સમસ્યા હોઈ શકે છે. તેમણે કહ્યુ કે હવે સપ્લાયર્સ પહેલાની જેમ 30થી 60 દિવસની ક્રેડિટ આપતા નથી, પરંતુ એડવાન્સ અથવા તાત્કાલિક ચુકવણીની શરત મૂકે છે.
તેમણે એમ પણ કહ્યુ કે ઈરાની ખનીજતેલના મામલામાં અધવચ્ચેથી ટેન્કર દ્વારા ગંતવ્ય બદલું અસમાન્ય નથી. પરંતુ આ ઘટના દર્શાવે છે કે હવે આ વેપારમાં ફાયનાન્શિયલ શરતો અને જોખમો પહેલાથી વધારે મહત્ત્વના બન્યા છે. જો પેમેન્ટ સાથે જોડાયેલી સમસ્યા સમયસર ઉકેલવામાં આવે, તો આ ખનીજતેલ ભારતની કોઈ રિફાયનરી સુધી પણ પહોંચી શકે તેમ છે.
જો કે ઈરાન સાથે વ્યાપારમાં એક મોટો પડકાર તેની બેન્કિંગ વ્યવસ્થા પણ છે. ઈરાન અને તેની બેંક હજીપણ SWIFT (સોસાયટી ફોર વર્લ્ડવાઈડ ઈન્ટરબેંક ફાયનાન્શિયલ ટેલિકમ્યુનિકેશન) સિસ્ટમથી બહાર છે. આ તે નેટવર્ક છે, જેના દ્વારા આંતરરાષ્ટ્રીય ચુકવણી કરવામાં આવે છે. તેવામાં દુનિયાની મોટાભાગની બેંક અને નાણાંકીય સંસ્થાઓ ઈરાન સાથે લેણદેણથી બચે છે.
(7:33 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
