News of Friday, 3rd April 2026
ઈરાને અબુ ધાબીના અજબાન વિસ્તારને નિશાન બનાવ્યું : મિસાઇલ અને ડ્રોનથી હુમલો:5 ભારતીય સહીત 12 ઘાયલ
મિસાઈલના વિસ્ફોટ બાદ તેના ટુકડાઓ અને કાટમાળ નીચે પડતા જમીન પર રહેલા 12 લોકો ઘાયલ થયા

ઈરાન દ્વારા પડોશી ખાડી દેશો પર મિસાઈલ અને ડ્રોન હુમલાની શ્રેણી તેજ કરવામાં આવી છે. શુક્રવારે અબુ ધાબીના અજબાન વિસ્તારને નિશાન બનાવીને કરવામાં આવેલા હુમલામાં પાંચ ભારતીય નાગરિકો સહિત 12 લોકો ઘાયલ થયા હોવાની માહિતી સામે આવી છે. આ ઘટનાએ સંયુક્ત આરબ અમીરાત (UAE) માં રહેતા વિદેશી નાગરિકો અને ખાસ કરીને ભારતીય સમુદાયમાં ચિંતા જગાવી છે.
મીડિયા રિપોર્ટના આધારે ઈરાન દ્વારા છોડવામાં આવેલી મિસાઈલોને અબુ ધાબીની અદ્યતન હવાઈ સંરક્ષણ પ્રણાલી દ્વારા હવામાં જ અટકાવવામાં આવી હતી. જોકે, મિસાઈલના વિસ્ફોટ બાદ તેના ટુકડાઓ અને કાટમાળ નીચે પડતા જમીન પર રહેલા 12 લોકો ઘાયલ થયા હતા. આ ઘાયલોમાં પાંચ ભારતીય અને સાત નેપાળી નાગરિકોનો સમાવેશ થાય છે. અહેવાલો મુજબ, એક નેપાળી નાગરિકની હાલત અત્યંત ગંભીર છે.
શુક્રવારે જ ઈરાની મિસાઈલોએ કુવૈતમાં પણ ભારે વિનાશ વેર્યો હતો. કુવૈતની એક ઓઈલ રિફાઈનરીમાં આગ લાગી હતી અને એક ડિસેલિનેશન પ્લાન્ટને પણ નુકસાન પહોંચ્યું હતું. આ ઉપરાંત, ઈરાને બહેરીન અને ઈઝરાયેલમાં પણ અનેક સ્થાનોને નિશાન બનાવ્યા છે. વળતા પ્રહારમાં તેહરાન અને ઈસ્ફહાનની આસપાસ પણ હુમલાના અહેવાલો મળી રહ્યા છે, જે દર્શાવે છે કે સંઘર્ષ હવે સીમાઓ વટાવી રહ્યો છે.
(8:19 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
