<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

દિલ્હી એનસીઆરમાં અત્યારે ભયંકર વાવાઝોડા સાથે કરા પડવાની આગાહી: રાત્રે ૮.૩૦ થી ૧૦.૧૫ સુધી ગુરુગ્રામ, ગાઝિયાબાદ અને નોઇડામાં હાઈ એલર્ટ

હવામાન વિભાગની સત્તાવાર ચેતવણી, દિલ્હી અને આસપાસના વિસ્તારોમાં ભારે વરસાદ, ગાજવીજ, કરા અને વીજળી પડવાની પૂરેપૂરી સંભાવના: નાગરિકોને સુરક્ષિત રહેવા ખાસ સૂચના

નવી દિલ્હી :રાષ્ટ્રીય રાજધાની દિલ્હી અને એનસીઆર (નેશનલ કેપિટલ રીજિયન) વિસ્તારમાં હવામાનમાં અચાનક પલટો આવ્યો છે.  અત્યારે રાત્રે ૮.૩૦ વાગ્યાથી આખા વિસ્તારમાં ભયંકર વાવાઝોડું ત્રાટકવાની આશંકા છે. પ્રાપ્ત અહેવાલો અને આઇએમડી (ભારતીય હવામાન વિભાગ) ની લેટેસ્ટ અપડેટ મુજબ, ગુરુગ્રામથી શરૂ થઈને આ તોફાન દિલ્હીના મોટાભાગના વિસ્તારો, ગાઝિયાબાદ, નોઇડા અને ફરીદાબાદમાં રાત્રે ૮.૩૦ થી ૧૦.૧૫ વાગ્યાની વચ્ચે કહેર વર્તાવી શકે છે.
ડિજિટલ મીડિયા અને એક્સ પ્લેટફોર્મ પર સત્તાવાર એજન્સીઓ દ્વારા જારી કરાયેલી ચેતવણી અનુસાર, મોટાભાગના વિસ્તારોમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી છે. 
અમુક ચોક્કસ વિસ્તારોમાં સતત ગાજવીજ અને વીજળીના કડાકા-ભડાકા સાથે ભારે વરસાદ અને કરા પડવાની પૂરેપૂરી સંભાવના છે. 
તોફાની પવનોની ગતિ ૫૦ થી ૬૦ કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે, જેના કારણે દિલ્હી ટ્રાફિક પોલીસે પણ વાહનચાલકોને પાણી ભરાવાની સમસ્યાથી સાવચેત રહેવા જણાવ્યું છે.
આ ઉપરાંત આઈજીઆઈ (ઈન્દિરા ગાંધી ઈન્ટરનેશનલ) એરપોર્ટ પર ફ્લાઈટ ઓપરેશનને પણ માઠી અસર પહોંચી શકે છે. તંત્ર દ્વારા તમામ નાગરિકોને બિનજરૂરી બહાર ન નીકળવા, ઘરમાં જ રહેવા અને સુરક્ષિત સ્થળે આશરો લેવા સખત અપીલ કરવામાં આવી છે

(9:07 PM IST)