<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Friday, 3rd April 2026

બાંગ્લાદેશના રણમેદાનમાં પાકિસ્તાનીઓના છોતરાં કાઢનાર રાજસ્થાનના વીર સપૂતનું અનોખું સન્માન: ૫૪ વર્ષ બાદ શહીદ ધર્મપાલ દૂદીના ઘરે પહોંચ્યો ‘વિશેષ પ્રશંસા પત્ર’, આખું ગામ ગર્વથી હિલોળે ચઢ્યું

માત્ર ૨૨ વર્ષની ઉંમરે અખોરાના યુદ્ધમાં છેલ્લા શ્વાસ સુધી દુશ્મનો પર વરસાવ્યો હતો કહેર; ભારતીય સેનાએ શહીદના પરિવારને સોંપ્યો બાંગ્લાદેશ સરકારનો મેડલ, રેજિમેન્ટની બેટરીનું નામ હવે ‘ધર્મપાલ બેટરી’

ઝુંઝુનુ: રાજસ્થાનની વીર ધરાના વધુ એક સપૂતની શૌર્યગાથાને અડધી સદી બાદ આંતરરાષ્ટ્રીય સ્તરે મોટી માન્યતા મળી છે. ૧૯૭૧ના ભારત-પાકિસ્તાન યુદ્ધમાં માતૃભૂમિ માટે સર્વોચ્ચ બલિદાન આપનારા ઝુંઝુનુના પિલાની ગામના શહીદ ધર્મપાલ દૂદીને બાંગ્લાદેશ સરકાર દ્વારા મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે. ૨ એપ્રિલના રોજ જ્યારે ભારતીય સેનાના અધિકારીઓ બાંગ્લાદેશી સન્માન અને મેડલ લઈને શહીદના ઘરે પહોંચ્યા, ત્યારે સમગ્ર વાતાવરણ ‘શહીદ ધર્મપાલ અમર રહો’ ના નારાઓથી ગુંજી ઉઠ્યું હતું.
ઘાયલ અવસ્થામાં પણ દુશ્મનો પર બોમ્બમારો ચાલુ રાખ્યો
૩ ડિસેમ્બર, ૧૯૭૧ના રોજ ઢાકા પાસે આવેલા અખોરામાં ભીષણ યુદ્ધ ચાલી રહ્યું હતું. ૨૨ વર્ષના યુવાન સૈનિક ધર્મપાલ દૂદી અને તેમની ટીમ પાકિસ્તાની બંકરો પર વિનાશ વેરતી હતી. પાકિસ્તાન તરફથી થયેલા ભારે બોમ્બિંગમાં ધર્મપાલ ગંભીર રીતે ઘાયલ થયા હતા અને લોહીલુહાણ હાલતમાં હતા. તેમ છતાં, તેમણે પોતાનો રેડિયો સેટ કે બંદૂક છોડી નહીં. છેલ્લા શ્વાસ સુધી તેમણે પાકિસ્તાની ઠેકાણાઓ પર સચોટ નિશાન સાધી બોમ્બમારો ચાલુ રાખ્યો અને અંતે ૪ ડિસેમ્બરના રોજ શહીદ થયા.
૫૪ વર્ષની રાહ બાદ ઘરે પહોંચ્યું સન્માન
બાંગ્લાદેશના તત્કાલીન વડાપ્રધાન શેખ હસીના અને રાષ્ટ્રપતિ મોહમ્મદ અબ્દુલ હમીદના હસ્તાક્ષર વાળો આ પ્રશસ્તિપત્ર ૨૦૧૮માં જારી કરવામાં આવ્યો હતો, પરંતુ વહીવટી કારણોસર વિલંબ બાદ હવે તે પરિવાર સુધી પહોંચ્યો છે. હિન્દી અને બંગાળી ભાષામાં લખાયેલા આ પત્રમાં શહીદના બલિદાનની પ્રશંસા કરવામાં આવી છે. ૬૫મી મધ્યમ રેજિમેન્ટના અધિકારીઓએ શહીદના સ્મારક પર પુષ્પાંજલિ અર્પણ કરી ગાર્ડ ઓફ ઓનર આપ્યું હતું.
એક જ પરિવારના ૭ માંથી ૬ ભાઈઓએ કરી દેશસેવા
શહીદ ધર્મપાલ દૂદીના પરિવારની દેશભક્તિ અજોડ છે. સાત ભાઈઓમાંથી છ ભાઈઓએ ભારતીય સેનામાં સેવા આપી છે. શહીદ ધર્મપાલ પાંચમા નંબરના ભાઈ હતા. તેમના અન્ય પાંચ ભાઈઓ અમર સિંહ, શુભકરણ, રણીત સિંહ, સત્યવીર સિંહ અને રામજી લાલ પણ સેનાના વિવિધ હોદ્દા પરથી નિવૃત્ત થયા છે. સેનાએ આ વીર સૈનિકને સન્માન આપતા રેજિમેન્ટની આર્ટિલરી યુનિટની એક બેટરીનું નામ ‘શહીદ ધર્મપાલ બેટરી’ રાખ્યું છે.
ભારત સરકારે અગાઉ તેમને ‘ઈસ્ટર્ન સ્ટાર’ થી નવાજ્યા હતા. આજે જ્યારે બાંગ્લાદેશનું આ સન્માન તેમના આંગણે પહોંચ્યું છે, ત્યારે પિલાનીના દરેક નાગરિકની છાતી ગજગજ ફૂલી રહી છે.

(10:53 PM IST)