<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

દેશભરમાં IPLનો માહોલઃ બૂકીઓ દુબઈ-ગોવા પહોંચી ગયા

એપાર્ટમેન્‍ટ કે આધુનિક વિલા અથવા રિસોર્ટ ભાડે લઈને, આધુનિક સુવિધાઓ સાથે તેઓ સલામત રીતે ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યા છે : ઓનલાઇન સટ્ટામાં હારજીતના હવાલા બીજા જ દિવસે ચોક્કસ આંગડિયા દ્વારા પડી જાય - નાના-મોટા બૂકીઓ પર પોલીસની વોચ, જાહેરમાં બૂકી સટ્ટો રમાડી રહ્યા છે

મુંબઇ તા.૪: દેશભરમાં આઇપીએલનો માહોલ બરોબર જામ્‍યો છે. ખેલાડીઓથી લઈને આયોજકો સુધી તમામ તૈયારીમાં લાગી ગયા છે. બીજી તરફ, દુનિયાના કોઇ પણ ખૂણે કોઇ પણ ક્રિકેટ રમાતી હોય તો તેના પર સટ્ટો રમાડતા બૂકીઓ પણ એક્‍ટિવ બની ગયા છે. તેમણે આ દોઢ મહિનો કોઇ પણ વિવાદ વગર સટ્ટો રમાડી શકાય તેવી વ્‍યવસ્‍થા ગોઠવી દીધી છે. અમદાવાદ પોલીસ અને અન્‍ય એજન્‍સીઓ દ્વારા મળતી માહિતી મુજબ, શહેરના ઘણા રીઢા બૂકીઓ આઇપીએલ દરમિયાન સટ્ટો ચલાવવા માટે ગોવા અને દુબઈ જેવી સલામત જગ્‍યાએ પહોંચી ગયા છે. ત્‍યાં એપાર્ટમેન્‍ટ કે આધુનિક વિલા અથવા રિસોર્ટ ભાડે લઈને, આધુનિક સુવિધાઓ સાથે તેઓ સલામત રીતે ઓનલાઇન સટ્ટો રમાડી રહ્યા છે. મોટા માથાઓ સાથે સંપર્ક ધરાવતા કેટલાક બૂકીઓ દુબઈ પહોંચી જઈ તેમની સાથે બેસીને સટ્ટાનું નેટવર્ક સંભાળી રહ્યા છે.

આ ઉપરાંત થાઈલેન્‍ડ, ભૂતાન, નેપાળ અને શ્રીલંકા જેવા દેશોમાં પણ બૂકીઓના સેટઅપ તૈયાર થઈ ગયા હોવાથી તેઓ ત્‍યાં ધામા નાંખીને સટ્ટો રમાડી રહ્યા હોવાની વિગતો પોલીસના ધ્‍યાનમાં આવી છે.

અમદાવાદ અને ગુજરાત બહાર બૂકીઓ ભાગી જતા સ્‍થાનિક પોલીસ પર દબાણ થોડું ઓછું થયું છે, પરંતુ શહેરમાં નાના-મોટા બૂકીઓ હજુ સક્રિય છે. અમદાવાદમાં ઘણા નાના બૂકીઓ ઓફિસ, ફલેટ કે પાનના ગલ્‍લા પરથી મોબાઇલ અને લેપટોપ મારફતે ઓનલાઇન સટ્ટો ચલાવતા ઝડપાઈ રહ્યા છે. પોલીસે ચેકિગ દરમિયાન આવા ઉપકરણોમાંથી અનેક મહત્‍વની વિગતો મેળવી છે. હાલમાં સટ્ટાબાજી સંપૂર્ણપણે ડિજિટલ બની ગઈ છે. મોબાઇલ એપ, વેબસાઇટ અને હવાલા નેટવર્ક દ્વારા સટ્ટા અને પૈસાની લેવડદેવડ સરળતાથી થઈ રહી છે. હારજીતના હિસાબ બીજા જ દિવસે હવાલા પેઢીઓ મારફતે સેટલ થઈ જાય છે, જેના કારણે આ ગેરકાયદે સટ્ટાને ટ્રેસ કરવી મુશ્‍કેલ બની રહી છે.

અમદાવાદના મોટેરા સ્‍ટેડિયમમાં આઇપીએલની સાત મેચ રમાનાર છે. આ દરમિયાન પોલીસ દ્વારા ખાસ સુરક્ષાની સાથે સાથે બૂકીઓ પર નજર રાખવાની વ્‍યવસ્‍થા કરવામાં આવી છે. લાઇવ મેચના પ્રસારણમાં થોડા સેકન્‍ડનો વિલંબ હોવાને કારણે, બૂકીઓ સ્‍ટેડિયમમાં હાજર રહીને મોબાઇલ દ્વારા તરત સટ્ટો લેતા હોય છે. તેથી તેઓ ટિકિટ લઈને પ્રેક્ષક તરીકે સ્‍ટેડિયમમાં ગોઠવાઈ જાય છે અને મોબાઇલ પર લાઇવ સટ્ટો રમાડતા હોય છે. અગાઉની મેચોમાં આવા અનેક બૂકીઓ પોલીસના હાથે ઝડપાયા હતા. આ વખતે પણ પોલીસ દ્વારા આવા તત્ત્વો પર ખાસ નજર રાખવામાં આવશે.

એક દાયકા પહેલાં વડોદરામાં થયેલા દરોડામાં લગભગ ૪ હજાર કરોડના સટ્ટાનો ખુલાસો થયો હતો, જેમાં અમદાવાદના ચાર માસ્‍ટરમાઇન્‍ડના નામ ખૂલ્‍યા હતા. આ ઉપરાંત અમદાવાદની એક ઓફિસમાં થયેલા દરોડામાં ૨૦ હજાર કરોડના સટ્ટા અને હવાલા રેકેટની વિગતો ખૂલી હતી. અમદાવાદ અને ગુજરાતમાં ક્રિકેટ સટ્ટાબાજીના અનેક મોટા કૌભાંડો બહાર આવ્‍યા છે.

(10:03 AM IST)