<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

ઈન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટ બેન્‍કમાં મોબાઈલ નંબર વેરિફાય કર્યા વગર ખાતા ખોલાયા

કેગનાં અહેવાલમાં ચોંકાવનારો દાવો : અનેક ગ્રાહકોની માહિતી એક જ મોબાઇલ નંબરથી જોડી દેવાઈઃ મોટી સંખ્‍યામાં ખાતા નિષ્‍ક્રિય કે ઓછા ઉપયોગવાળા

નવી દિલ્‍હી,તા.૦૪: કન્‍ટ્રોલર ઓડિટર જનરલ ઓફ ઈન્‍ડિયા (કેગ)એ ઇન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટ બેંક (આઈપીપીબી)ની કાર્યપ્રણાલીમાં ગંભીર ખામીઓ ઉજાગર કરતા જણાવ્‍યું હતું કે બેંકે મોબાઇલ નંબરનું વેરિફિકેશન કર્યા વગર ખાતા ખોલ્‍યા હતાં અને અનેક ગ્રાહકોર્થી જોડાયેલ માહિતીને એક જ મોબાઇલ નંબરથી જોડી દીધી હતી.

સંસદમાં રજૂ કરવામાં આવેલા કેગનાં રિપોર્ટમાં આ દાવો કરવામાં આવ્‍યો છે. કેગનાં ઓડિટમાં એ પણ જાણવા મળ્‍યું છે કે આઇપીપીબીનાં મોટી સંખ્‍યામાં ખાતા નિષ્‍ક્રિય અથવા ઓછા ઉપયોગવાળા છે.

રિપોર્ટમાં જણાવવામાં આવ્‍યું છે કે વેરિફાઇડ મોબાઇલ નંબર વગર જ ખાતા ખોલવામાં આવ્‍યા હતાં. અનેક કસ્‍ટમર ઈન્‍ફરમેશન ફાઈલ (સીઆઇએફ) ને એક જ મોબાઇલ નંબરથી જોડી દેવામાં આવી હતી.

જે પ્રણાલીગત ખામી દર્શાવે છે. કેગે વધુમાં જણાવ્‍યું હતું કે ગ્રાહકના ઘર સુધી બેકિગ સુવિધા ઉપલબ્‍ધ કરાવવાનો ઉપયોગ પણ મર્યાદિત રહ્યો છે. રિપોર્ટ અનુસાર ઇન્‍ડિયા પોસ્‍ટ પેમેન્‍ટ બેંકે પોતાના નેટવર્ક વિસ્‍તાર અને ગ્રાહક આધાર વધારવામાં પ્રગતિ કરી છે.

આ ઉપરાંત યુપીઆઈ સેવાઓની બાબતમાં પણ બેંકની કામગીરી નબળી રહી છે. નેશનલ પેમેન્‍ટ કોર્પોરેશન ઓફ ઈન્‍ડિયા (એનપીસીઆઈ)નાં આંકડા અનુસાર આઈપીપીબીનો ટેકનિકલ અસ્‍વીકૃતિ દર ૨૦૨૧-૨૨માં ૩.૨૯ ટકા અને ૨૦૨૨-૨૩માં ૭.૮૨ ટકા રહ્યો હતો.

 જે રિઝર્વ બેંકનાં એક ટકાથી ઓછું  રાખવાના લક્ષ્યથી ખૂબ જ વધારે છે. આ ઉપરાંત નાણાકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આઇપીપીબીની યુપીઆઇ સેવાઓમાં કુલ ૩૬૨ કલાકનો અવરોધ જોવા મળ્‍યો હતો. જે અન્‍ય પેમેન્‍ટ બેંકની સરખામણીમાં ખૂબ જ વધારે છે.

(10:15 AM IST)