ગ્લોબલ ઇકોનોમીના ગળાટૂંપ સમાન ‘હોર્મુઝ સ્ટ્રેટ’ સંકટ : ઈરાનની દરિયાઈ કિલ્લાબંધીથી અમેરિકા સહિત વિશ્વભરમાં તેલના ભાવમાં ભડકાની ભીતિ
વૈશ્વિક તેલ પુરવઠાની ૨૦ ટકા જીવનરેખા પર IRGCનો સકંજો : ૩૩ કિમીના સાંકડા જળમાર્ગમાં ડ્રોન, મિસાઈલ અને દરિયાઈ ખાણોના જોખમે ટ્રમ્પ પ્રશાસન માટે લશ્કરી ઉકેલ બન્યો અતિ મુશ્કેલ

તેહરાન:વિશ્વના ઉર્જા નકશા પર સૌથી વ્યૂહાત્મક ગણાતી ‘હોર્મુઝ સ્ટ્રેટ’ હાલમાં અમેરિકા, ઈઝરાયલ અને ઈરાન વચ્ચેના સંઘર્ષનું મુખ્ય એપીસેન્ટર બની ગઈ છે. ઈરાને આ જળમાર્ગ પર પોતાની પકડ મજબૂત કરતા વૈશ્વિક અર્થતંત્ર પર મહામંદીના વાદળો છવાયા છે. અમેરિકી ઈન્ટેલિજન્સ રિપોર્ટ્સ મુજબ, ઈરાને આ માર્ગને એવી રીતે બ્લોક કર્યો છે કે તેને સૈન્ય બળથી ખોલાવવો વોશિંગ્ટન માટે માત્ર પડકારજનક જ નહીં પણ અત્યંત જોખમી સાબિત થઈ શકે છે.
ઘાતક મિસાઈલ અને અદ્રશ્ય ખાણોનું જાળ
ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) દ્વારા હોર્મુઝ સ્ટ્રેટમાં અત્યાધુનિક ડિફેન્સ સિસ્ટમ તૈનાત કરવામાં આવી છે. આ વિસ્તારમાં મોટી સંખ્યામાં દરિયાઈ ખાણો (Sea Mines) બિછાવવામાં આવી છે, જે વ્યાપારી જહાજો માટે જીવલેણ ખતરો છે. આ ઉપરાંત, ઈરાને પોતાની એન્ટી-શિપ મિસાઇલો અને આત્મઘાતી ડ્રોન દ્વારા આખા જળમાર્ગને બાનમાં લીધો છે. લશ્કરી નિષ્ણાતોના મતે, માત્ર ૩૩ કિલોમીટરની સાંકડી ભૌગોલિક જગ્યાનો લાભ ઉઠાવી ઈરાને અહીં ‘ચોકપોઈન્ટ’ ઊભો કર્યો છે, જેના કારણે ડરના માર્યા અનેક વ્યાપારી જહાજોએ પોતાના રૂટ બદલી નાખ્યા છે.
ટ્રમ્પની ચેતવણી અને તેહરાનની આર્થિક ચાલ
અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ આ માર્ગ ગમે ત્યારે ખોલાવવાની મક્કમતા બતાવી રહ્યા છે, પરંતુ ગ્રાઉન્ડ રિયાલિટી અલગ છે. તેહરાન આ માર્ગનો ઉપયોગ અમેરિકા પર આર્થિક દબાણ લાવવા માટે કરી રહ્યું છે. ઓઈલના ભાવમાં કૃત્રિમ રીતે વધારો કરીને અમેરિકાના અર્થતંત્રને હચમચાવવાની આ એક મોટી વ્યૂહાત્મક ચાલ માનવામાં આવે છે. પૂર્વ CIA ડિરેક્ટર બિલ બર્ન્સના જણાવ્યા અનુસાર, ઈરાન આ માર્ગના બદલામાં શાંતિ કરારમાં મોટી ‘સિક્યુરિટી ગેરંટી’ મેળવવાના મૂડમાં છે.
વિશ્વ આખા પર આર્થિક સંકટની લટકતી તલવાર
નોંધનીય છે કે વિશ્વના કુલ ૨૦ ટકા જેટલા ઓઈલ અને ગેસનો વેપાર માત્ર આ એક જ માર્ગ પર નિર્ભર છે. જો આ સંઘર્ષ લંબાય અથવા અમેરિકા લશ્કરી કાર્યવાહી કરે, તો મધ્ય પૂર્વમાં ભયાનક પ્રાદેશિક યુદ્ધ ફાટી નીકળવાની પૂરેપૂરી શક્યતા છે. અત્યારે હોર્મુઝ સ્ટ્રેટ માત્ર એક જળમાર્ગ નથી રહ્યો, પણ વૈશ્વિક રાજકારણની એવી ધરી બની ગયો છે જેના પર આખા વિશ્વના અર્થતંત્રની સુખ-શાંતિનો દારમદાર ટકેલો છે. અમેરિકાના આગામી કદમ પર હવે આખી દુનિયાની મીટ મંડાયેલી છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
