મુંબઈના NMACC સેન્ટરના સફળતાપૂર્વક ત્રણ વર્ષ પૂર્ણ : ભારતીય કલા અને સંસ્કૃતિને વૈશ્વિક ફલક પર ચમકાવવા નીતા અંબાણીનો મક્કમ નિર્ધાર
મુંબઈમાં ભવ્ય ઉજવણી દરમિયાન બોલિવૂડ સિતારાઓ અને કલાકારોની માતબર ઉપસ્થિતિ : ત્રિમૂર્તિ અને ત્રિદેવીના ઉદાહરણ સાથે ‘૩’ ના અંકનું મહત્વ સમજાવી ભારતના શ્રેષ્ઠ કલાકારો અને કારીગરોને વિશ્વ મંચ પૂરું પાડવાનું વચન દોહરાવ્યું

મુંબઈ: મુંબઈના જાણીતા નીતા મુકેશ અંબાણી કલ્ચરલ સેન્ટર (NMACC) એ પોતાની સ્થાપનાના ગૌરવશાળી ત્રણ વર્ષ પૂર્ણ કર્યા છે. ૩ જી એપ્રિલના રોજ આ સેન્ટરની ત્રીજી વર્ષગાંઠ નિમિત્તે ફાઉન્ડર નીતા અંબાણી દ્વારા એક ભવ્ય કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ ખાસ અવસરે બોલિવૂડના દિગ્ગજ કલાકારો, જાણીતા હસ્તીઓ અને કલા જગતના અગ્રણીઓની ઉપસ્થિતિમાં ભારતીય સંસ્કૃતિ અને વારસાને વધુ ઊંચાઈએ લઈ જવાનો સંકલ્પ કરવામાં આવ્યો હતો.
ભારતની કલાને વિશ્વ સમક્ષ મૂકવાનું વચન:
આ પ્રસંગે નીતા અંબાણીએ ઉપસ્થિત મહેમાનોને સંબોધતા જણાવ્યું હતું કે, જ્યારે અમે NMACC ની શરૂઆત કરી હતી ત્યારે એક વચન આપ્યું હતું કે અમે ભારતની શ્રેષ્ઠ કલાને વિશ્વ સુધી પહોંચાડીશું અને વિશ્વની શ્રેષ્ઠ કલાને ભારત લાવવા પ્રયત્ન કરીશું. અમે તે વચનને નિભાવવા માટે સતત મહેનત કરી રહ્યા છીએ અને ભારતીય કલાકારો તેમજ કારીગરોને વૈશ્વિક મંચ પર લાવી તેમને યોગ્ય ઓળખ અપાવવા માટે કટિબદ્ધ છીએ. તેમણે વધુમાં ઉમેર્યું કે, ભારતીય કલાકારોમાં અદભૂત પ્રતિભા છે અને NMACC ના માધ્યમથી અમે તેમના પર પ્રકાશ પાડી રહ્યા છીએ.
ભારતીય સંસ્કૃતિમાં ‘૩’ ના અંકનું વિશેષ મહત્વ:
સેન્ટરના ત્રણ વર્ષ પૂર્ણ થવાની ખુશી વ્યક્ત કરતા નીતા અંબાણીએ ભારતીય સંસ્કૃતિમાં ત્રણના અંકનું આધ્યાત્મિક મહત્વ પણ સમજાવ્યું હતું. તેમણે ઉદાહરણ આપતા કહ્યું કે, આપણી સંસ્કૃતિમાં ‘૩’ નો અંક અત્યંત શુભ માનવામાં આવે છે. આપણી પાસે ત્રિમૂર્તિ - બ્રહ્મા, વિષ્ણુ, મહેશ છે, તેમજ ત્રિદેવી - સરસ્વતી, લક્ષ્મી અને કાલી છે. આ ઉપરાંત ગંગા, યમુના અને સરસ્વતીના સંગમને આપણે ત્રિવેણી તરીકે ઓળખીએ છીએ. આ ત્રણ વર્ષની સફર પણ તેટલી જ ગૌરવશાળી અને પવિત્ર રહી છે.
ભારતીય વારસાના જતન માટે આભાર પ્રગટ કર્યો:
છેલ્લા ત્રણ વર્ષ દરમિયાન NMACC એ ભારતની કલા, સંગીત, નૃત્ય અને પરંપરાગત વસ્ત્રોના પ્રદર્શન દ્વારા પ્રશંસનીય કાર્ય કર્યું છે. નીતા અંબાણીએ આ પ્રવાસમાં સાથ આપનાર તમામ કલાકારો અને સહયોગીઓનો આભાર માન્યો હતો. તેમણે વિશ્વાસ વ્યક્ત કર્યો કે આગામી સમયમાં આ સેન્ટર ભારતીય વારસાને જાળવવા અને તેને નવી પેઢી સુધી પહોંચાડવા માટે વધુ મજબૂત કડી સાબિત થશે. કાર્યક્રમ દરમિયાન બોલિવૂડના અનેક સ્ટાર્સે હાજરી આપીને સેન્ટરની આ સફળતાને વધાવી હતી.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
