રાજ્યસભામાં પદ પરથી હટાવવામાં આવતા રાઘવ ચઢ્ઢાનો ‘આપ’ પર વળતો પ્રહાર - ‘હું સંસદમાં ચીસો પાડવા કે ગાળો દેવા નથી ગયો’ : જુઓ વિડીયો
પાર્ટી લાઈનથી અલગ ચાલતા હોવાના આક્ષેપો સામે રાઘવ ચઢ્ઢાએ સોશિયલ મીડિયા પર વીડિયો શેર કરી મૌન તોડ્યું : વિપક્ષી સભ્યો સાથે વોકઆઉટ ન કરવાના અને દરખાસ્ત પર સહી ન કરવાના આરોપોને સ્ક્રિપ્ટેડ કેમ્પેઈન ગણાવી ફગાવ્યા

मैं बोलना नहीं चाहता था, मगर चुप रहता तो बार-बार दोहराया गया झूठ भी सच लगने लगता।
— Raghav Chadha (@raghav_chadha) April 4, 2026
Three Allegations. Zero Truth.
My Response: pic.twitter.com/tPdjp04TLt
નવી દિલ્હી: આમ આદમી પાર્ટી (આપ) દ્વારા રાજ્યસભામાં ઉપનેતાના પદ પરથી હટાવવામાં આવ્યા બાદ સાંસદ રાઘવ ચઢ્ઢાએ મોરચો ખોલ્યો છે. શનિવારે બપોરે એક વીડિયો સંદેશ જાહેર કરીને તેમણે પાર્ટી દ્વારા કરવામાં આવેલા આક્ષેપોનો જડબાતોડ જવાબ આપ્યો હતો. તેમણે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું હતું કે, તેઓ સંસદમાં જનતાના પ્રશ્નો ઉઠાવવા ગયા છે, નહીં કે ત્યાં માત્ર હોબાળો કરવા કે ગાળાગાળી કરવા. પોતાની વિરુદ્ધ ચલાવવામાં આવી રહેલા અભિયાનને તેમણે સુનિયોજિત કાવતરું ગણાવ્યું હતું.
મારી વિરુદ્ધ સ્ક્રિપ્ટેડ કેમ્પેઈન ચલાવાઈ રહ્યું છે:
રાઘવ ચઢ્ઢાએ વીડિયોમાં જણાવ્યું કે, ગઈકાલથી તેમની વિરુદ્ધ એક ચોક્કસ સ્ક્રિપ્ટ મુજબ પ્રચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં સમાન ભાષા અને સમાન આરોપોનો ઉપયોગ થઈ રહ્યો છે. તેમણે ઉમેર્યું કે, પહેલા તેમને લાગ્યું કે જવાબ ન આપવો જોઈએ, પરંતુ જ્યારે એક જૂઠને સો વાર બોલવામાં આવે ત્યારે લોકો તેને સાચું માની લેતા હોય છે, તેથી સત્ય સામે લાવવું જરૂરી બન્યું છે. પાર્ટીએ ત્રણ મુખ્ય આરોપો મૂકીને તેમને સંસદમાં બોલવાની તક ન આપવાનો જે નિર્ણય કર્યો છે, તે પાયાવિહોણો છે.
વોકઆઉટ અને સહી કરવાના મુદ્દે ખુલ્લો પડકાર:
તેમના પર એવો આરોપ હતો કે તેઓ મહત્વના વિષયો પર સરકારનો વિરોધ નથી કરતા અને વિપક્ષી દળોના વોકઆઉટમાં જોડાતા નથી. આ અંગે વળતો પ્રહાર કરતા રાઘવ ચઢ્ઢાએ પડકાર ફેંક્યો હતો કે, સંસદના કેમેરા ચેક કરી લો, જો એક પણ એવી ઘટના હોય કે જેમાં મેં વિપક્ષી સભ્યો સાથે વોકઆઉટ ન કર્યો હોય તો સાબિત કરી બતાવો. આ ઉપરાંત, મુખ્ય ચૂંટણી કમિશનર વિરુદ્ધના પ્રસ્તાવ પર સહી ન કરવાના મુદ્દે તેમણે સ્પષ્ટતા કરી કે, તેમને આ અંગે સત્તાવાર કે બિનસત્તાવાર રીતે કોઈ જ જાણ કરવામાં આવી નહોતી.
પાર્ટીના અન્ય સાંસદો પર સવાલો કેમ નહીં?
પોતાનો બચાવ કરતા રાઘવ ચઢ્ઢાએ તર્ક આપ્યો કે રાજ્યસભામાં આમ આદમી પાર્ટીના કુલ ૧૦ સાંસદો છે, જેમાંથી ૬ કે ૭ સાંસદોએ તે પ્રસ્તાવ પર સહી કરી નહોતી. તેમ છતાં માત્ર તેમના પર જ સવાલો ઉઠાવવામાં આવી રહ્યા છે તે આશ્ચર્યજનક છે. ઉલ્લેખનીય છે કે, રાઘવ ચઢ્ઢાને તાજેતરમાં જ પદ પરથી હટાવવામાં આવ્યા છે અને પાર્ટીના નેતાઓ દાવો કરી રહ્યા છે કે તેઓ પાર્ટી લાઈનથી હટીને કામ કરી રહ્યા હતા, જેની સામે હવે સાંસદે ખુલ્લેઆમ પોતાનો પક્ષ રજૂ કર્યો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
