તા. ૬ સપ્ટેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૦ ભાદરવા સુદ -૩, શુક્રવાર
ઈરાનથી ભારત આવતા તેલ ટેન્કરનો રૂટ બદલાયાની વાતોને સરકારે ફગાવી : પેમેન્ટની સમસ્યા અંગે ફેલાતી અફવાઓ ‘તથ્યહીન’ હોવાની સ્પષ્ટતા
પેટ્રોલિયમ મંત્રાલયે સોશિયલ મીડિયા પર ચાલી રહેલા સમાચારોનું ખંડન કર્યું : મધ્ય પૂર્વમાં અવરોધો છતાં ભારતીય રિફાઇનરીઓ પાસે કાચા તેલનો પૂરતો સ્ટોક સુરક્ષિત હોવાની અને આગામી મહિનાઓ માટે કોઈ પણ પ્રકારની તંગી ન હોવાની સત્તાવાર જાહેરાત

નવી દિલ્હી: ઈરાનથી અંદાજે ૬ લાખ બેરલ કાચું તેલ (ક્રૂડ ઓઈલ) લઈને ભારત આવી રહેલા જહાજે અચાનક પોતાનો રસ્તો ચીન તરફ વાળી દીધો હોવાના અને તેની પાછળ પેમેન્ટની સમસ્યા જવાબદાર હોવાના અહેવાલો પર ભારત સરકારે આજે પૂર્ણવિરામ મૂક્યું છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને પ્રાકૃતિક ગેસ મંત્રાલયે આ મામલે સત્તાવાર સ્પષ્ટતા જાહેર કરતા જણાવ્યું છે કે, સોશિયલ મીડિયા અને કેટલાક મીડિયા રિપોર્ટ્સમાં ચાલી રહેલી આ વાતો સંપૂર્ણપણે તથ્યહીન અને ખોટી છે.
ચોકકસ આયાત અને પેમેન્ટ અંગેની અફવાઓનું ખંડન:
મંત્રાલયે ‘એક્સ’ (અગાઉનું ટ્વિટર) પર પોસ્ટ કરીને જણાવ્યું હતું કે, એવી ખબરો વહેતી થઈ હતી કે ઈરાનનું કાચું તેલ ભરેલું કાર્ગો પેમેન્ટની સમસ્યાને કારણે ગુજરાતના વડીનાર બંદરને બદલે ચીન તરફ ફંટાઈ ગયું છે, જે હકીકતમાં ખોટું છે. સરકારે સ્પષ્ટ કર્યું છે કે ઈરાનથી તેલની આયાતમાં પેમેન્ટને લગતી કોઈ જ સમસ્યા નથી. મધ્ય પૂર્વમાં ચાલતા તણાવ અને પુરવઠામાં આવતા અવરોધો છતાં ભારતીય રિફાઇનરીઓએ પોતાની તેલની જરૂરિયાતોને સંપૂર્ણપણે સુરક્ષિત કરી લીધી છે અને તેમાં ઈરાનથી થતા સપ્લાયનો પણ સમાવેશ થાય છે.
ભારતની ઉર્જા સુરક્ષા એકદમ મજબૂત:
સરકારે દેશવાસીઓને ખાતરી આપતા જણાવ્યું છે કે, આગામી મહિનાઓ માટે ભારતની કાચા તેલની જરૂરિયાતો પૂરી કરવા માટે પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને પુરવઠાની સાંકળ એકદમ સુરક્ષિત છે. અફવાઓ એવી હતી કે અમેરિકી પ્રતિબંધોના જોખમ અને ચૂકવણીની જટિલતાઓને કારણે જહાજે છેલ્લી ઘડીએ પોતાનું ગંતવ્ય સ્થાન બદલી નાખ્યું હતું, પરંતુ સરકારના આ ખુલાસા બાદ હવે તે તમામ અટકળો શાંત થઈ છે.
શું હતો સમગ્ર મામલો?
ઉલ્લેખનીય છે કે, શુક્રવારે એવી જાણકારી સામે આવી હતી કે ઈરાની તેલ ભરેલું એક ટેન્કર ગુજરાતના દરિયાકાંઠાની ખૂબ નજીક પહોંચ્યા બાદ અચાનક ચીનના બંદર તરફ વળી ગયું છે. વેપાર સાથે જોડાયેલા સૂત્રોએ દાવો કર્યો હતો કે પેમેન્ટની શરતોમાં ફેરફાર થવાથી આ સ્થિતિ સર્જાઈ હોઈ શકે છે. પશ્ચિમ એશિયામાં જારી તણાવ વચ્ચે અમેરિકાએ ૨૧ માર્ચથી એક મહિના માટે ઈરાની તેલ પરના પ્રતિબંધોમાં હંગામી છૂટછાટ આપી હતી, જેથી આંતરરાષ્ટ્રીય બજારમાં તેલનો પુરવઠો વધારી કિંમતોને નિયંત્રિત કરી શકાય. જોકે, આ તેલનો વાસ્તવિક ખરીદદાર કઈ રિફાઇનરી હતી તે અંગે હજુ સુધી કોઈ સત્તાવાર નામ જાહેર કરવામાં આવ્યું નથી. પશ્ચિમ એશિયાની સ્થિતિ પર ભારત સરકારની સતત નજર છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
