ઈમરાન ખાનનું જેલમાં મોત? 3:12 PM
કાશ્મીરની જીવાદોરી સમાન NH-44 પર પહાડો તૂટી પડ્યા, હજારો પ્રવાસીઓ અટવાયા!
રામબનના પહાડોમાં હિંગની અને શાલગડી ટનલ પાસે કાળમુખા પથ્થરોનો વરસાદ થતા જમ્મુ-શ્રીનગર હાઈવે બંધ : કાદવ અને કાટમાળ વચ્ચે સેંકડો વાહનોની લાંબી કતારો લાગી

શ્રીનગર: જમ્મુ અને કાશ્મીરમાં કુદરતે ફરી એકવાર રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે. શનિવારે વહેલી સવારથી શરૂ થયેલા ભારે વરસાદ અને પ્રતિકૂળ હવામાનને કારણે વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના એવા જમ્મુ-શ્રીનગર રાષ્ટ્રીય ધોરીમાર્ગ (NH-44) પર અનેક સ્થળોએ ભીષણ ભૂસ્ખલન થયું છે. રામબન જિલ્લાના ગાંગરુ અને મેહર જેવા વિસ્તારોમાં પહાડો પરથી મોટા પથ્થરો ધસી આવતા રસ્તો પત્તાની મહેલની જેમ વિખેરાઈ ગયો છે. આ દુર્ઘટનાને પગલે હાઈવેના બંને છેડે હજારો મુસાફરો અને ટ્રક ચાલકો કડકડતી ઠંડીમાં અટવાઈ પડ્યા છે, જેમના માટે અત્યારે સમય પસાર કરવો મુશ્કેલ બની રહ્યો છે.
હાઈવે ઓથોરિટી અને સ્થાનિક વહીવટીતંત્ર દ્વારા યુદ્ધના ધોરણે બચાવ કામગીરી અને કાટમાળ હટાવવાની પ્રક્રિયા શરૂ કરી દેવામાં આવી છે, પરંતુ આકાશમાંથી વરસી રહેલી આફત અને સતત પડતા પથ્થરો કામગીરીમાં વિઘ્ન નાખી રહ્યા છે. ખાસ કરીને શાલગડી ટનલ પાસે કાદવ અને પથ્થરોનું પ્રમાણ એટલું વધારે છે કે તેને હટાવવામાં ભારે મશીનરીને પણ પરસેવો છૂટી રહ્યો છે. વહીવટીતંત્રે કડક સૂચના આપી છે કે જ્યાં સુધી માર્ગ સંપૂર્ણ સુરક્ષિત જાહેર ન થાય ત્યાં સુધી કોઈ પણ વાહનને આગળ વધવાની મંજૂરી આપવામાં આવશે નહીં, જેથી કોઈ જાનહાનિ ટાળી શકાય.
હવામાન વિભાગની આગાહી મુજબ, કાશ્મીરમાં આ મુશ્કેલી હજુ 10 એપ્રિલ સુધી ચાલુ રહી શકે છે. આકાશી વાદળો વચ્ચે હળવો થી મધ્યમ વરસાદ અને ઊંચાઈવાળા વિસ્તારોમાં હિમવર્ષા થવાની પ્રબળ શક્યતા છે. પ્રવાસીઓને ખાસ સલાહ આપવામાં આવી છે કે તેઓ પોતાની યાત્રા શરૂ કરતા પહેલા ટ્રાફિક કંટ્રોલ યુનિટનો સંપર્ક કરે અને શક્ય હોય ત્યાં સુધી આ જોખમી માર્ગ પર મુસાફરી કરવાનું ટાળે. અત્યારે તો સમગ્ર ખીણમાં કુદરત સામે માનવી લાચાર દેખાઈ રહ્યો છે અને હજારો લોકો માર્ગ ખુલવાની આશાએ આતુરતાથી રાહ જોઈ રહ્યા છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
