રાજસ્થાન SI ભરતી કૌભાંડ: હાઈકોર્ટનો ઐતિહાસિક હથોડો : 800થી વધુ પોલીસ અધિકારીઓની ખાખી છીનવાઈ!
પેપર લીકના કલંક સામે ન્યાયતંત્રની લાલ આંખ: વર્ષ 2021ની વિવાદાસ્પદ ભરતી પ્રક્રિયા સંપૂર્ણપણે રદ : પ્રામાણિક ઉમેદવારો માટે ફરીથી પરીક્ષા અને વય મર્યાદામાં છૂટછાટની મોટી જાહેરાત

જયપુર: રાજસ્થાનમાં છેલ્લા પાંચ વર્ષથી ચાલી રહેલા સૌથી મોટા શૈક્ષણિક અને વહીવટી વિવાદનો આખરે અંત આવ્યો છે. રાજસ્થાન હાઈકોર્ટની ડિવિઝન બેન્ચે આજે એક ઐતિહાસિક ચુકાદો આપતા વર્ષ 2021ની સબ-ઇન્સ્પેક્ટર (SI) ભરતી પરીક્ષાને સંપૂર્ણપણે રદ કરવાનો આદેશ આપ્યો છે. કાર્યકારી મુખ્ય ન્યાયાધીશ એસ.પી. શર્માની ખંડપીઠે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું કે, જ્યારે પરીક્ષાની પવિત્રતા જ જોખમાઈ હોય અને પેપર લીકના પુરાવા સામે આવ્યા હોય, ત્યારે આખી પ્રક્રિયા રદ કરવી જ ન્યાયસંગત છે. આ નિર્ણય સાથે જ તાલીમ લઈ રહેલા અને ફિલ્ડ પોસ્ટિંગની રાહ જોઈ રહેલા 800થી વધુ સ્ટેશન હાઉસ ઓફિસરો (SHOs) ની નોકરીઓ પર કાયમી રોક લાગી ગઈ છે.
આ કેસની કાનૂની લડાઈ કોઈ ફિલ્મી પ્લોટથી ઓછી નહોતી. ઓગસ્ટ 2025માં સિંગલ બેન્ચે ભરતી રદ કરી હતી, જેની સામે સરકાર અને પસંદ થયેલા ઉમેદવારો સુપ્રીમ કોર્ટ સુધી દોડ્યા હતા. જોકે, સુપ્રીમ કોર્ટે પણ યથાસ્થિતિ જાળવી રાખવા કહ્યું હતું. આજે હાઈકોર્ટે તમામ દલીલોને ફગાવી દેતા અવલોકન કર્યું કે, "પ્રતિભાને ગોટાળા દ્વારા હરાવી શકાતી નથી." આ આદેશથી એવા હજારો ઉમેદવારોમાં ખુશીની લહેર જોવા મળી છે જેઓ વર્ષોથી મહેનત કરી રહ્યા હતા પરંતુ પેપર લીક માફિયાઓને કારણે પાછળ રહી ગયા હતા. હવે રાજસ્થાન પબ્લિક સર્વિસ કમિશનએ ફરીથી શૂન્યથી પ્રક્રિયા શરૂ કરવી પડશે.
કોર્ટના આ કડક વલણની સાથે જ પીડિત ઉમેદવારો માટે એક આશાનું કિરણ પણ જાગ્યું છે. કોર્ટે નિર્દેશ આપ્યો છે કે જ્યારે પણ નવી પરીક્ષા યોજવામાં આવે, ત્યારે તે તમામ ઉમેદવારોને વય મર્યાદામાં વિશેષ છૂટછાટ આપવામાં આવે જેઓ આ પાંચ વર્ષની લાંબી કાનૂની લડાઈમાં ઓવરએજ થઈ ગયા છે. આ નિર્ણય માત્ર રાજસ્થાન જ નહીં, પણ સમગ્ર દેશની ભરતી પરીક્ષાઓ માટે એક દાખલો બેસાડશે. હવે રાજ્ય સરકાર સામે સૌથી મોટો પડકાર એ છે કે આગામી પરીક્ષા સંપૂર્ણપણે પારદર્શક રીતે કેવી રીતે યોજવી, જેથી ફરી કોઈ "કલંકિત" યાદી તૈયાર ન થાય.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
