<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

"મને જેલમાં મોકલવા કોંગ્રેસે સાત જન્મ લેવા પડશે": હિમંત બિસ્વાનો રાહુલ ગાંધી પર પલટવાર!

2026ની વિધાનસભા ચૂંટણી પહેલા આસામમાં ખેલાયો 'શબ્દયુદ્ધ'નો ખેલ : હિમંત બિસ્વાએ ગૌરવ ગોગોઈને 'નાનો પપ્પુ' ગણાવ્યા અને ગાંધી પરિવારના ત્રણેય પેઢીના નેતાઓને ફેંક્યો ખુલ્લો પડકાર

ગુવાહાટી : આસામમાં આગામી 9 એપ્રિલના રોજ યોજાનારી વિધાનસભા ચૂંટણી પહેલા રાજકીય ગરમાવો તેની ચરમસીમાએ પહોંચ્યો છે. મુખ્યમંત્રી હિમંત બિસ્વા શર્માએ કોંગ્રેસના દિગ્ગજ નેતા ગૌરવ ગોગોઈ અને રાહુલ ગાંધી પર વળતો પ્રહાર કરતા અત્યંત આક્રમક નિવેદન આપ્યું છે. શર્માએ એક જનસભામાં ગર્જના કરતા કહ્યું કે, "હિમંત બિસ્વા શર્માને જેલના સળિયા પાછળ ધકેલવા માટે કોંગ્રેસે સાત જન્મ લેવા પડશે." તેમણે વધુમાં ઉમેર્યું કે ભલે ઈન્દિરા ગાંધી, રાજીવ ગાંધી અને રાહુલ ગાંધી ત્રણેયની શક્તિઓ ભેગી થઈ જાય, તો પણ આ જન્મમાં તેઓ મને હલાવી શકશે નહીં. આ નિવેદન ત્યારે આવ્યું છે જ્યારે કોંગ્રેસે ચૂંટણી જીત્યા બાદ હિમંત બિસ્વાને જેલમાં મોકલવાની જાહેરાત કરી હતી.

વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે રાહુલ ગાંધીએ આસામની રેલીઓમાં સીએમ શર્મા પર 'લેન્ડ એટીએમ' ચલાવવાનો અને ભ્રષ્ટાચારનો ગંભીર આરોપ લગાવ્યો હતો. રાહુલે દાવો કર્યો હતો કે મોદી અને શાહના આશીર્વાદ હોવા છતાં ભ્રષ્ટાચારીઓને છોડવામાં નહીં આવે. તેના જવાબમાં હિમંત બિસ્વાએ કટાક્ષ કરતા ગૌરવ ગોગોઈને 'નાનો પપ્પુ' ગણાવ્યા અને રાહુલ ગાંધીને યાદ અપાવ્યું કે તેઓ પોતે નેશનલ હેરાલ્ડ જેવા કેસમાં જામીન પર બહાર છે. શર્માએ સ્પષ્ટ કર્યું કે કોંગ્રેસમાં રહીને તેમણે જે સેવા કરી હતી તેના બદલામાં હવે તેમને 'દેશદ્રોહી' કહેવામાં આવે છે, જે જનતા ક્યારેય સહન નહીં કરે.

આસામની 126 બેઠકો માટે 9 એપ્રિલે એક જ તબક્કામાં મતદાન થવાનું છે અને 4 મેના રોજ પરિણામો જાહેર થશે. આ ચૂંટણી માત્ર સત્તા મેળવવાની લડાઈ નથી, પરંતુ હિમંત બિસ્વા શર્માના વ્યક્તિગત વર્ચસ્વ અને કોંગ્રેસના પુનરુત્થાન વચ્ચેનો મહાસંગ્રામ બની ગઈ છે. જમીન કૌભાંડના આરોપો અને જેલમાં મોકલવાની ધમકીઓ વચ્ચે આસામના મતદારો કોના પર કળશ ઢોળશે તે જોવું રસપ્રદ રહેશે. અત્યારે તો મુખ્યમંત્રીના 'સાત જન્મ' વાળા નિવેદને સોશિયલ મીડિયાથી લઈને આસામના ચાના બગીચાઓ સુધી ભારે ચર્ચા જગાવી છે.

(6:52 PM IST)