<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

HDFC બેન્કના બિઝનેસ અપડેટથી રોકાણકારોમાં ભારે ઉત્તેજના: સોમવારે શેરબજાર ખુલતા જ જોવા મળી શકે છે મોટી હલચલ, જાણો શું કહે છે લેટેસ્ટ આંકડા

બેલેન્સ શીટમાં મજબૂતી છતાં ડિપોઝિટમાં નજીવો ઘટાડો: અતનુ ચક્રવર્તીના રાજીનામા બાદ મેનેજમેન્ટમાં મચેલી અફરાતફરી વચ્ચે બેન્કે જાહેર કર્યું ચોથા ત્રિમાસિકનું રિપોર્ટ કાર્ડ

મુંબઈ : ભારતીય બેન્કિંગ ક્ષેત્રની દિગ્ગજ એવી HDFC બેન્કે તેના માર્ચ ૨૦૨૬ના ત્રિમાસિક ગાળાના બિઝનેસ અપડેટ જાહેર કર્યા છે, જેના કારણે રોકાણકારો અને માર્કેટ એક્સપર્ટ્સની નજર હવે સોમવારે ખુલતા શેરબજાર પર ટકેલી છે. મેનેજમેન્ટમાં ચાલી રહેલી ઉથલપાથલ અને હાઈ-પ્રોફાઈલ રાજીનામાઓ વચ્ચે બેન્કે પોતાની બેલેન્સ શીટમાં મજબૂતીનો દાવો કર્યો છે. જોકે, રોકાણકારો માટે ચિંતાનો વિષય એ છે કે બેન્કની જમા રકમ એટલે કે ડિપોઝિટમાં થોડો ઘટાડો નોંધાયો છે, જેની સીધી અસર શેરના ભાવ પર જોવા મળી શકે છે.
ફાયનાન્શિયલ આંકડાઓ પર નજર કરીએ તો, માર્ચ ૨૦૨૬ના ત્રિમાસિક ગાળામાં બેન્કની સરેરાશ એડવાન્સ (ધિરાણ) ૧૦% વધીને આશરે ૨૯,૬૪૪ કરોડ રૂપિયા રહી છે, જે ગયા વર્ષે ૨૬,૯૫૫ કરોડ રૂપિયા હતી. કુલ એડવાન્સમાં ૧૨%ની તેજી જોવા મળી છે. તેવી જ રીતે સરેરાશ ડિપોઝિટ પણ ૧૨% વધીને ૨૮,૫૧૧ કરોડ રૂપિયા પર પહોંચી છે. CASA (કરન્ટ એકાઉન્ટ સેવિંગ એકાઉન્ટ) ડિપોઝિટમાં પણ ૧૦.૮%નો ગ્રોથ જોવા મળ્યો છે. આ આંકડાઓ બેન્કની આંતરિક મજબૂતી દર્શાવે છે, પરંતુ તાજેતરમાં પાર્ટ-ટાઈમ ચેરમેન અતનુ ચક્રવર્તીએ એથિકલ કારણો આપીને આપેલું રાજીનામું બેન્કની શાખ સામે પ્રશ્નો ઊભા કરી રહ્યું છે.
શેરબજારના ટેકનિકલ વિશ્લેષકોના મતે, HDFC બેન્કનો શેર હાલ ૭૫૦ રૂપિયાની આસપાસ ટ્રેડ થઈ રહ્યો છે. ગયા ગુરુવારે શેરે ૭૨૬.૭૫ની ૫૨-સપ્તાહની સૌથી નીચી સપાટી બનાવી હતી. હવે ૭૪૦-૭૫૦ રૂપિયાનું લેવલ એક મહત્વનો સપોર્ટ છે. જો સોમવારે આ લેવલ તૂટશે તો શેર ૬૮૦ રૂપિયા સુધી ગગડી શકે છે. બીજી તરફ, જો પોઝિટિવ સેન્ટિમેન્ટ રહેશે તો ૮૦૦-૮૨૦ રૂપિયા સુધીનો ઉછાળો જોવા મળી શકે છે. બેન્ક દ્વારા AT-1 બોન્ડ્સના મિસ-સેલિંગ અંગે ઊભા થયેલા વિવાદ બાદ રોકાણકારો ખૂબ જ સાવચેતીપૂર્વક પગલાં ભરી રહ્યા છે.

(6:53 PM IST)