<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

પુણેમાં લોહીના સંબંધો લજવાયા: લગ્નેતર સંબંધોના ઝઘડામાં 6 વર્ષની બાળકી અને 79 વર્ષની વૃદ્ધાની નિર્મમ હત્યા!

સોશિયલ મીડિયાની મિત્રતાનો કરુણ અંશ : બદલાની આગમાં અંધ બનેલા પાપીએ પાછલા દરવાજેથી ઘરમાં ઘૂસી લોખંડના સળિયા વડે ખેલ્યો મોતનો તાંડવ : રક્ષણ કરનાર માજી અને માસૂમ ધનશ્રીનો જીવ લીધો

પુણે : મહારાષ્ટ્રના પુણે જિલ્લાના આલંદી વિસ્તારમાં એક એવી હૃદયદ્રાવક ઘટના બની છે જેણે માનવતાને શર્મસાર કરી દીધી છે. કેલગાંવ-હનુમાનવાડીમાં રહેતી 6 વર્ષની માસૂમ ધનશ્રી અને તેની સંભાળ રાખનાર 79 વર્ષીય મંગલ શિંદેની તેમના જ ઘરમાં અત્યંત ક્રૂરતાપૂર્વક હત્યા કરવામાં આવી હતી. આ ડબલ મર્ડરનો મુખ્ય સૂત્રધાર વિનાયક ભવારી નામનો શખ્સ નીકળ્યો, જે મૃતક બાળકીની માતા સંગીતા સાથે સોશિયલ મીડિયા દ્વારા પરિચયમાં આવ્યો હતો. પ્રેમ સંબંધ અને ત્યારબાદ થયેલા લગ્ન પછી શરુ થયેલા કલેશ અને અણબનાવે આખરે લોહીની હોળી ખેલવાનું નિમિત્ત બનાવ્યું હતું.

પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપી વિનાયક અને સંગીતા વચ્ચેના સંબંધોમાં છેલ્લા કેટલાક સમયથી તિરાડ પડી હતી. સંગીતાના પરિવારને વિનાયકનું ઘરમાં આવવું જરાય પસંદ નહોતું, અને વૃદ્ધ મંગલ શિંદે તેને વારંવાર ટોકતા હતા. આટલું જ નહીં, નાની ધનશ્રી પણ વિનાયકને જોઈને ડરી જતી હતી. આ અપમાન અને નફરતનો બદલો લેવા માટે બુધવારે રાત્રે જ્યારે સંગીતા કામ પર ગઈ હતી, ત્યારે વિનાયક પાછલા દરવાજેથી ઘરમાં ઘૂસ્યો હતો. તેણે પહેલા લોખંડના સળિયાના ઘા ઝીંકીને મંગલ માજીને મોતને ઘાટ ઉતાર્યા અને ત્યારબાદ બૂમો પાડી રહેલી નિર્દોષ ધનશ્રીનું ગળું દબાવીને તેની જીવાદોરી ટૂંકાવી દીધી હતી.

આ સનસનાટીભર્યા બનાવની જાણ થતા જ આલંદી પોલીસ એક્શનમાં આવી હતી. સીસીટીવી ફૂટેજ અને મોબાઈલ લોકેશનના આધારે જાણવા મળ્યું કે આરોપી પુણે છોડીને સિન્નાર ભાગી જવાની ફિરાકમાં હતો. જોકે, પોલીસે ફિલ્મી ઢબે પીછો કરીને અલેફાટા નજીકથી વિનાયક ભવારીને દબોચી લીધો હતો. પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં માથાની ગંભીર ઈજા અને ગૂંગળામણને કારણે મોત થયાનું પુષ્ટિ મળી છે. હાલમાં સમગ્ર વિસ્તારમાં આ ઘટનાને પગલે શોક અને રોષની લાગણી ફેલાઈ ગઈ છે.

(7:02 PM IST)