તા. ૮ નવેમ્બર ર૦ર૪ વિક્રમ સંવત ર૦૮૧ કારતક સુદ ૭, શુક્રવાર
બેન્કિંગ ક્ષેત્રમાં RBIનો ઐતિહાસિક નિર્ણય: હવે મોબાઈલ નંબરની જેમ 'બેંક એકાઉન્ટ' પણ થશે પોર્ટ, નંબર બદલ્યા વગર જ બદલી શકશો તમારી બેંક
Payments Vision 2028: ડોક્યુમેન્ટ્સની માથાકૂટ અને EMI-SIP અપડેટ કરવાની ઝંઝટમાંથી મળશે કાયમી મુક્તિ, ગ્રાહકો બનશે સાચા અર્થમાં 'કિંગ'

મુંબઈ : ભારતીય રિઝર્વ બેંક (RBI) દેશના બેન્કિંગ ઈતિહાસમાં અત્યાર સુધીનો સૌથી મોટો અને ક્રાંતિકારી ફેરફાર કરવા જઈ રહી છે. જે રીતે આપણે આપણો મોબાઈલ નંબર જાળવી રાખીને ટેલિકોમ કંપની બદલી શકીએ છીએ, બરાબર તેવી જ રીતે હવે તમે તમારો બેંક એકાઉન્ટ નંબર બદલ્યા વગર એક બેંકમાંથી બીજી બેંકમાં શિફ્ટ થઈ શકશો. 'પેમેન્ટ્સ વિઝન ૨૦૨૮' હેઠળ લેવાયેલા આ નિર્ણયથી કરોડો બેંક ગ્રાહકોને મોટી રાહત મળશે અને બેન્કિંગ સેવાઓમાં પારદર્શિતાની સાથે તંદુરસ્ત સ્પર્ધા પણ વધશે.
સામાન્ય રીતે જ્યારે કોઈ ગ્રાહક પોતાની હાલની બેંકની સેવાથી નારાજ હોય કે અન્ય બેંકમાં વધુ વ્યાજ મળતું હોય, ત્યારે બેંક બદલવી એ લોઢાના ચણા ચાવવા જેવું કામ હોય છે. નવું ખાતું ખોલાવવા માટે ફરીથી KYC કરાવવું, જૂના ખાતામાં ચાલતા EMI, મ્યુચ્યુઅલ ફંડની SIP, વીમા પ્રિમિયમ, ગેસ સબસિડી અને વીજળી-પાણીના બિલની વિગતો નવા ખાતામાં અપડેટ કરવી પડે છે. આ પ્રક્રિયામાં ઘણીવાર નાની ભૂલ થતાં ટ્રાન્ઝેક્શન ફેલ થાય છે અને ગ્રાહકે દંડ ભરવો પડે છે. પરંતુ RBIની આ નવી સેન્ટ્રલાઇઝ્ડ સિસ્ટમ આવવાથી આ તમામ માથાકૂટનો અંત આવશે.
RBI દ્વારા તૈયાર કરવામાં આવી રહેલા ખાસ પ્લેટફોર્મ પર ગ્રાહકનો એકાઉન્ટ નંબર કાયમી (Permanent) બની જશે. ગ્રાહક જેવી પોતાની બેંક બદલશે, તેની સાથે જોડાયેલી તમામ ઓટો-પેમેન્ટ સેવાઓ આપોઆપ નવી બેંક સાથે ઇન્ટિગ્રેટ થઈ જશે. આ સુવિધાના કારણે બેંકોની મનમાની પર પણ લગામ આવશે, કારણ કે જો કોઈ બેંક ગ્રાહકને સંતોષકારક સેવા નહીં આપે અથવા છુપા ચાર્જ વસૂલશે, તો ગ્રાહક તરત જ પોતાનું એકાઉન્ટ બીજી બેંકમાં 'પોર્ટ' કરાવી શકશે. આગામી સમયમાં આ વ્યવસ્થા અમલી બનતા જ ભારતનું ડિજિટલ બેન્કિંગ વિશ્વમાં એક નવો માપદંડ સ્થાપિત કરશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
