<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

PM મોદીએ ચેન્નાઈમાં સંગીતના સૂર રેલાવ્યા: પ્રખ્યાત સંગીતકાર રમેશ વિનાયકમના 'ગમક બોક્સ' ના મુક્તકંઠે કર્યા વખાણ, ભારતીય શાસ્ત્રીય સંગીતને વિશ્વ સ્તરે લઈ જવાની પહેલ

ચૂંટણી પ્રચારના વ્યસ્ત શિડ્યુલ વચ્ચે પણ સંસ્કૃતિની સુવાસ: રમેશ વિનાયકમે પ્રધાનમંત્રીને નોટેશન સિસ્ટમની આપી ઝલક, ભારતીય સંગીતને સમજવાની અનોખી ટેકનિકની પ્રશંસા

ચેન્નાઈ : દેશમાં જ્યારે ચૂંટણી પ્રચારનો પારો ગરમાયો છે, ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ચેન્નાઈની મુલાકાત દરમિયાન રાજકારણથી હટીને કલા અને સંસ્કૃતિને પ્રાધાન્ય આપ્યું છે. પીએમ મોદીએ દક્ષિણ ભારતના જાણીતા સંગીતકાર રમેશ વિનાયકમ અને તેમના પરિવાર સાથે ખાસ મુલાકાત કરી હતી. આ મુલાકાત બાદ પ્રધાનમંત્રીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'X' પર ફોટા શેર કરીને રમેશ વિનાયકમના 'ગમક બોક્સ નોટેશન સિસ્ટમ' (Gamaka Box Notation System) ના મુક્તકંઠે વખાણ કર્યા છે. પ્રધાનમંત્રીએ આ પદ્ધતિને ભારતીય શાસ્ત્રીય સંગીતને સમજવા અને તેને ગ્લોબલ પ્લેટફોર્મ પર લોકપ્રિય બનાવવા માટેનું એક ક્રાંતિકારી કદમ ગણાવ્યું છે.
રમેશ વિનાયકમ માત્ર એક સંગીતકાર નથી, પણ એક સંશોધક પણ છે. તેમણે તૈયાર કરેલી 'ગમક બોક્સ' સિસ્ટમ ભારતીય સંગીતની તે બારીકીઓને દ્રશ્યમાન કરે છે જેને સમજવી સામાન્ય રીતે મુશ્કેલ હોય છે. 'ગમક' એટલે સૂરને શણગારવાની અથવા તેને વિશિષ્ટ રીતે વળાંક આપવાની કળા, જે ભારતીય શાસ્ત્રીય સંગીતનો આત્મા છે. આ નોટેશન પદ્ધતિ દ્વારા વિશ્વના કોઈપણ ખૂણે બેઠેલો વિદ્યાર્થી ભારતીય સંગીતની જટિલતાઓને સરળતાથી શીખી શકે છે. પીએમ મોદીએ રમેશજીના આ ભગીરથ કાર્યની પ્રશંસા કરતા કહ્યું કે, આવી નવીનતાઓ જ ભારતની સમૃદ્ધ વારસાને જીવંત રાખવામાં મદદરૂપ થાય છે.
માત્ર ૧૨ વર્ષની નાની ઉંમરે સંગીત સફર શરૂ કરનાર રમેશ વિનાયકમે તમિલ અને તેલુગુ ફિલ્મ ઉદ્યોગમાં અનેક સુપરહિટ ગીતો આપ્યા છે. સંગીતના સંસ્કાર તેમને વારસામાં મળ્યા છે અને હવે તેઓ આ વિદ્યાને આધુનિક ટેકનોલોજી સાથે જોડી રહ્યા છે. પ્રધાનમંત્રીની આ મુલાકાતથી કલાકારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે. પીએમ મોદીએ ભારપૂર્વક જણાવ્યું કે, આપણું શાસ્ત્રીય સંગીત એ ભારતની 'સોફ્ટ પાવર' છે અને રમેશ વિનાયકમ જેવા કલાકારો તેને વિશ્વભરમાં પહોંચાડવા માટે સેતુ સમાન ભૂમિકા ભજવી રહ્યા છે.

(7:04 PM IST)