<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

નાસિકના 'ઢોંગી' બાબાના પાપના સામ્રાજ્યનો પર્દાફાશ: જેમને 'ભગવાન' માની પૂજતા હતા, તે જ શિષ્યએ ગુપ્ત કેમેરા લગાવી ગોડમેન અશોક ખરાટની ૧૦૦થી વધુ કાળી કરતૂતો ઝડપી પાડી

આધ્યાત્મિકતાના ઓઠા હેઠળ મહિલાઓનું જાતીય શોષણ અને કાળા જાદુનો ખેલ: વ્હિસલબ્લોઅર શિષ્યએ પોતાની પત્ની સાથે થયેલા અન્યાયનો બદલો લેવા જીવના જોખમે 'બાબા'ને જેલ ભેગા કર્યા

નાસિક : મહારાષ્ટ્રના નાસિકમાં એક એવા હાઈ-પ્રોફાઈલ કેસનો પર્દાફાશ થયો છે જેણે સમગ્ર રાજ્યના રાજકારણ અને સામાજિક ક્ષેત્રે ખળભળાટ મચાવી દીધો છે. ૩૫ વર્ષીય મહિલા પર જાતીય હુમલો અને કાળા જાદુના આરોપમાં ઘેરાયેલા ૬૭ વર્ષીય સ્વ-ઘોષિત ગોડમેન અશોક ખરાટની ધરપકડ બાદ હવે એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યો છે. આ ખુલાસો કરનાર બીજું કોઈ નહીં પણ ખરાટનો જ એક અત્યંત વિશ્વાસુ શિષ્ય 'જયવંત મિસ્કે' (નામ બદલ્યું છે) છે, જેણે હવે વ્હિસલબ્લોઅર બનીને આ પાખંડી બાબાના અસલી ચહેરાને દુનિયા સામે ઉઘાડો પાડ્યો છે.
જયવંત મિસ્કે વર્ષો સુધી અશોક ખરાટને પોતાના માતા-પિતા સમાન પૂજતા હતા, પરંતુ તેમની શ્રદ્ધા ત્યારે તૂટી જ્યારે આ નકલી ગોડમેને જયવંતની ગર્ભવતી પત્ની પર જ કુદ્રષ્ટિ કરી. ગર્ભાવસ્થાના સાતમા મહિને 'શુભ પૂજા'ના બહાને ખરાટે જયવંતની પત્નીને કેબિનમાં બોલાવી તેનું જાતીય શોષણ કર્યું હતું. આ ઘટના બાદ જયવંતે સંયમ જાળવીને પુરાવા એકઠા કરવાનું નક્કી કર્યું. તેમણે ખરાટની ઓફિસમાં છુપાયેલા સીસીટીવી કેમેરા લગાવ્યા અને માત્ર એક જ મહિનામાં ૧૦૦થી વધુ મહિલાઓના શોષણના ૧૫૬ જેટલા વીડિયો રેકોર્ડ કર્યા. આ વીડિયો હાલમાં પોલીસ તપાસમાં સૌથી મોટા અને મજબૂત પુરાવા સાબિત થઈ રહ્યા છે.
આ કેસની ગંભીરતા જોતા રાજ્ય સરકાર દ્વારા ખાસ તપાસ ટીમ (SIT)ની રચના કરવામાં આવી છે. તપાસમાં બહાર આવ્યું છે કે અશોક ખરાટ માત્ર આધ્યાત્મિક ગુરુ જ નહીં, પણ મોટા રાજકારણીઓ, ઉચ્ચ અધિકારીઓ અને ઉદ્યોગપતિઓ સાથે સીધા સંપર્કો ધરાવતો હતો. જયવંત મિસ્કેએ જણાવ્યું કે તેમને આજે પણ પોતાના જીવનું જોખમ લાગે છે, કારણ કે ખરાટ ખૂબ વગદાર વ્યક્તિ છે. જોકે, પોલીસે તેમને સુરક્ષા પૂરી પાડી છે. પોલીસ અધિકારીઓના મતે જયવંત એક 'હીરો' છે જેણે હજારો મહિલાઓનું જીવન બરબાદ થતા બચાવી લીધું છે. હાલમાં આ નકલી ગોડમેન પોલીસ કસ્ટડીમાં છે અને તેના પાપના ઘડાના એક-એક અંશની તપાસ ચાલી રહી છે.

(7:09 PM IST)