<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

મુંબઈના ફોર્ટ વિસ્તારમાં અજીબોગરીબ કૌભાંડ: મહિલાઓના ' પિંક ટોયલેટ 'માં ધમધમતું હતું ગેરકાયદેસર કાફે, વીડિયો વાયરલ થતા BMCએ બોલાવ્યો સપાટો

ફેશન સ્ટ્રીટ પાસે 'મહિલાસાથી સ્વચ્છતાગૃહ' બસનો દુરુપયોગ: નેતાઓના નામે ચાલતા ફૂડ સ્ટોલ પર તંત્રની ત્રાટકતી પાંખ, રસોડાના સાધનો જપ્ત કરી એકમ સીલ કરાયું

મુંબઈ : માયાનગરી મુંબઈમાં જાહેર સુવિધાઓના દુરુપયોગનો એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. દક્ષિણ મુંબઈના પોશ ફોર્ટ વિસ્તારમાં આવેલી ફેશન સ્ટ્રીટ પાસે મહિલાઓ માટે ખાસ બનાવાયેલા 'ગુલાબી શૌચાલય' (પિંક ટોયલેટ) ને કાફેમાં ફેરવી દેવામાં આવ્યું હતું. આ મોબાઈલ શૌચાલય બસના પાછળના ભાગમાં છેલ્લા એક વર્ષથી ગેરકાયદેસર રીતે ફૂડ સ્ટોલ ચલાવવામાં આવતો હોવાનો વીડિયો ઇન્ટરનેટ પર વાયરલ થતા જ ભારે હોબાળો મચ્યો હતો. સ્વચ્છતા અને આરોગ્યના ગંભીર નિયમોના ભંગ બદલ આખરે BMCએ કડક કાર્યવાહી કરી આ કાફેને તાળાબંધી કરી છે.
બૃહન્મુંબઈ મ્યુનિસિપલ કોર્પોરેશન (BMC) દ્વારા મહિલાઓની સુવિધા માટે 'મહિલાસાથી સ્વચ્છતાગૃહ' હેઠળ આ ગુલાબી બસો કાર્યરત કરવામાં આવી હતી, જેમાં શૌચાલય અને ચેન્જિંગ રૂમની સુવિધા હોય છે. જોકે, આ સુવિધાના સંચાલક ગીતા મેહરે દાવો કર્યો હતો કે તેમને સ્થાનિક કોર્પોરેટર મકરંદ નરવેકર દ્વારા આ સ્થળનું સંચાલન કરવાની મંજૂરી આપવામાં આવી હતી. તપાસમાં બહાર આવ્યું કે સંચાલક પાસે ફૂડ સ્ટોલ ચલાવવા માટેનું કોઈ સત્તાવાર લાયસન્સ કે પરવાનગી નહોતી. ધારાસભ્ય રાહુલ નાર્વેકરના લેટરહેડનો પણ આ મામલે ઉલ્લેખ થયો હતો, પરંતુ તેમણે સ્પષ્ટતા કરી કે ગેરકાયદેસર પ્રવૃત્તિઓ માટે તેમના નામનો ઉપયોગ સહન કરવામાં આવશે નહીં.
મીડિયામાં આ અહેવાલો ચમક્યા બાદ BMCના 'A' વોર્ડના અધિકારીઓએ ત્વરિત કાર્યવાહી કરી હતી. ગુરુવારે રાત્રે દરોડો પાડીને ખાણીપીણીના તમામ સાધનો જપ્ત કરવામાં આવ્યા હતા અને કાફે બંધ કરાવી દેવાયું હતું. શૌચાલય જેવી જગ્યાએ ખાણીપીણીની વસ્તુઓ વેચવી એ જાહેર આરોગ્ય માટે જોખમી હોવાથી નાગરિકોમાં પણ રોષ જોવા મળ્યો હતો. હાલમાં આ યુનિટનું સંચાલન કરતી NGO અને જવાબદાર વ્યક્તિઓ સામે તપાસ તેજ કરવામાં આવી છે.

(8:17 PM IST)