<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

આવકવેરા વિભાગની ૯ વર્ષ લાંબી 'કુંભકર્ણ નિદ્રા' પર દિલ્હી હાઈકોર્ટ લાલચોળ: લાખોનો ટેક્સ બાકી હોવા છતાં તંત્ર કેમ ઊંઘતું રહ્યું? અણધાર્યા નોટિસ ફટકારવા બદલ લગાવી જોરદાર ફટકાર

"નવ વર્ષ પછી અચાનક જાગી જવું એ માનવું અશક્ય છે": APS હાઈડ્રો પ્રાઈવેટ લિમિટેડ સામેની વેરા વસૂલાતની નોટિસ હાઈકોર્ટે કરી રદ, સરકારી બાબુઓની નિષ્ક્રિયતા સામે ઉઠાવ્યા ગંભીર સવાલો

નવી દિલ્હી : આવકવેરા વિભાગ (Income Tax Department) ની વર્ષો જૂની આળસ અને અચાનક જાગીને કરદાતાઓને પરેશાન કરવાની નીતિ પર દિલ્હી હાઈકોર્ટે આકરા પ્રહાર કર્યા છે. નવ વર્ષ જેટલા લાંબા સમય સુધી કોઈ પણ કાર્યવાહી કર્યા વગર અચાનક 'ટેક્સ બાકી' હોવાની નોટિસ ફટકારવા બદલ હાઈકોર્ટે વિભાગની આકરી ઝાટકણી કાઢી છે. જસ્ટિસ દિનેશ મહેતા અને જસ્ટિસ વિનોદ કુમારની બેન્ચે આ મામલે કડક વલણ અપનાવતા જણાવ્યું હતું કે, આટલી લાંબી નિષ્ક્રિયતા પર વિશ્વાસ કરવો "મુશ્કેલ કે અશક્ય" છે. કોર્ટે APS હાઈડ્રો પ્રાઈવેટ લિમિટેડને જારી કરાયેલી તમામ નોટિસો રદ કરવાનો આદેશ આપ્યો છે.
આ સમગ્ર વિવાદની વિગતો મુજબ, આવકવેરા વિભાગે વર્ષ ૨૦૨૨માં કંપનીને ૨૦૧૩ના વર્ષની લાખો રૂપિયાનો ટેક્સ બાકી ચૂકવવા માટે નોટિસ મોકલી હતી. અરજદાર કંપનીએ દલીલ કરી હતી કે આટલા વર્ષો દરમિયાન તેમને ક્યારેય કોઈ આદેશ કે સુધારણાની જાણ કરવામાં આવી નહોતી. બીજી તરફ, આવકવેરા વિભાગે એવો બચાવ કર્યો હતો કે તેમણે ઇમેઇલ દ્વારા તમામ સંદેશાવ્યવહાર કર્યા હતા. જોકે, વિભાગ પાસે એવો કોઈ પુરાવો નહોતો કે આ ઇમેઇલ્સ કઈ તારીખે મોકલવામાં આવ્યા હતા.
હાઈકોર્ટે આશ્ચર્ય વ્યક્ત કરતા નોંધ્યું હતું કે, જો લાખો રૂપિયાની વસૂલાત બાકી હોય, તો કોઈ પણ વિભાગ ૯ વર્ષ સુધી મૌન રહી શકે નહીં. કોર્ટે અવલોકન કર્યું કે, "વિભાગ પોતાની નિંદ્રામાંથી ૯ વર્ષ પછી જાગે તે સ્વાભાવિક વર્તન વિરુદ્ધ છે." કોર્ટે વધુમાં ઉમેર્યું કે જો ઈમેઈલ મોકલ્યા હોવાનું માની લેવામાં આવે તો પણ, કરદાતા દ્વારા જવાબ ન મળવા છતાં વિભાગે અત્યાર સુધી કોઈ કાનૂની પગલાં કેમ ન લીધા? આટલી ગંભીર બેદરકારી બાદ હવે નોટિસ ફટકારવી એ ન્યાયસંગત નથી. જોકે, કોર્ટે વિભાગને કાયદા અનુસાર નવી કાર્યવાહી શરૂ કરવાની છૂટ આપી છે.

(8:19 PM IST)