News of Saturday, 4th April 2026
દુનિયા પર પરમાણુ યુદ્ધના મંડરાતા વાદળો: '૪૮ કલાકમાં ઈરાન પર તબાહી મચાવી દઈશું', ડોનાલ્ડ ટ્રમ્પની ખૂંખાર ધમકીથી વિશ્વભરમાં ફફડાટ
હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે આપેલું ૧૦ દિવસનું અલ્ટીમેટમ પૂર્ણતાના આરે: ઈરાને અમેરિકી ફાઈટર જેટ તોડી પાડ્યા બાદ ટ્રમ્પ લાલચોળ, ઊર્જા માળખા પર ભીષણ હુમલાની તૈયારી

વોશિંગ્ટન : અમેરિકા અને ઈરાન વચ્ચે ચાલી રહેલો સંઘર્ષ હવે તેના સૌથી ખતરનાક તબક્કે પહોંચી ગયો હોય તેમ લાગે છે. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ 'ટ્રુથ સોશિયલ' પર એક અત્યંત આક્રમક પોસ્ટ મૂકીને ઈરાનને છેલ્લી ચેતવણી આપી દીધી છે. ટ્રમ્પે સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે હોર્મુઝ સ્ટ્રેટ ખોલવા માટે ઈરાનને જે ૧૦ દિવસનો સમય આપવામાં આવ્યો હતો, તેમાંથી હવે માત્ર ૪૮ કલાક જ બાકી છે. જો આ સમયમર્યાદામાં ઈરાન નમતું નહીં જોખે, તો અમેરિકા તેના પર ભીષણ લશ્કરી કાર્યવાહી કરીને તબાહી મચાવી દેશે.
આ વિવાદનું મુખ્ય કેન્દ્ર હોર્મુઝ સ્ટ્રેટ (Hormuz Strait) છે, જે વિશ્વના તેલ વેપાર માટે સૌથી મહત્વનો જળમાર્ગ માનવામાં આવે છે. ટ્રમ્પે અગાઉ પણ ચેતવણી આપી હતી કે જો આ માર્ગ ફરીથી ખોલવામાં નહીં આવે, તો અમેરિકા ઈરાનના ઊર્જા કેન્દ્રો અને સૈન્ય શક્તિ પર સીધો હુમલો કરશે. આ ગંભીર સ્થિતિ વચ્ચે ઈરાને એવો દાવો કર્યો છે કે તેમણે અમેરિકન વાયુસેનાના સૌથી શક્તિશાળી ફાઈટર જેટ પૈકીના એક, F-15E સ્ટ્રાઈક ઈગલને તોડી પાડ્યું છે. આ દાવા બાદ અમેરિકાની તેવર વધુ આક્રમક બની છે.
વર્તમાન પરિસ્થિતિ જોતા એવું લાગી રહ્યું છે કે પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ વધુ તેજ બનશે. અમેરિકા, ઈરાન અને ઈઝરાયેલ ત્રણેય અત્યારે સૈન્ય કાર્યવાહીમાં વ્યસ્ત છે. ટ્રમ્પની આ નવી ધમકીએ આંતરરાષ્ટ્રીય સ્તરે ચિંતા વધારી દીધી છે, કારણ કે જો ૪૮ કલાકમાં કોઈ રાજદ્વારી ઉકેલ નહીં આવે, તો વિશ્વએ એક વિનાશક યુદ્ધનો સામનો કરવો પડી શકે છે. ઊર્જા પુરવઠો ખોરવાવાની ભીતિને કારણે વૈશ્વિક બજારમાં પણ તેની ગંભીર અસરો જોવા મળી રહી છે.
(9:37 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
