નિરાધારોના બેલી શેલ્ટર હોમ પર 'અંગો કાઢવા'ના સનસનીખેજ આરોપો પાયાવિહોણા: રાજસ્થાન હાઈકોર્ટે માનવતાના પક્ષમાં સંભળાવ્યો મોટો ચુકાદો
"જે વ્યક્તિ પહેલેથી મૃત છે તેની હત્યાનો પ્રયાસ કાયદેસર રીતે અશક્ય": અજાણ્યા મૃતદેહના સન્માનજનક અંતિમ સંસ્કાર કરનાર સંસ્થા સામેના ખોટા કેસને કોર્ટે ફગાવ્યો, ફરિયાદીના વર્તન પર ઉઠાવ્યા સવાલો

જયપુર : સમાજના તરછોડાયેલા અને નિરાધાર લોકો માટે દેવદૂત બનીને કામ કરતી ચેરિટેબલ સંસ્થાઓ પર જ્યારે બદઈરાદાથી આરોપો લાગે છે, ત્યારે ન્યાયતંત્ર રક્ષકની ભૂમિકા ભજવે છે. રાજસ્થાન હાઈકોર્ટે તાજેતરમાં એક નિરાધારા આશ્રમ (શેલ્ટર હોમ) સામે નોંધાયેલા 'ગેરકાયદેસર અંગો કાઢી લેવા' અને 'હત્યાના પ્રયાસ'ના ગંભીર કેસને રદ કરતા અત્યંત મહત્વનું અવલોકન કર્યું છે. કોર્ટે સ્પષ્ટ કર્યું કે માત્ર અટકળો અને કાલ્પનિક વાતોના આધારે સેવાકીય સંસ્થાઓને હેરાન કરી શકાય નહીં.
આ કેસની વિગતો મુજબ, એક સેવાકીય સોસાયટીને રસ્તા પરથી ૬૦ વર્ષીય વૃદ્ધ અતિ ગંભીર હાલતમાં મળી આવ્યા હતા. સંસ્થાએ તેમને આશ્રય આપી સારવારના પ્રયત્નો કર્યા, પરંતુ શારીરિક નબળાઈને કારણે તેમનું કુદરતી મૃત્યુ થયું હતું. કોઈ વાલીવારસ ન હોવાથી સંસ્થાએ માનવતાના ધોરણે તેમના સન્માનજનક અંતિમ સંસ્કાર કર્યા હતા. તેના બે મહિના પછી, એક વ્યક્તિએ મૃતકનો ભાઈ હોવાનો દાવો કરી આક્ષેપ કર્યો કે સંસ્થાએ તેના ભાઈના અંગો ગેરકાયદેસર રીતે કાઢી લીધા છે અને તેની હત્યાનો પ્રયાસ (IPC 308) કર્યો છે.
જસ્ટિસ અનૂપ કુમાર ધાંડની બેન્ચે આ કેસની સુનાવણી દરમિયાન કાયદાકીય પાસાઓ પર પ્રકાશ પાડતા કહ્યું કે, "કલમ ૩૦૮ (જીવિત વ્યક્તિની હત્યાનો પ્રયાસ) ત્યાં લાગુ પડે છે જ્યાં કોઈ કૃત્યથી વ્યક્તિનું મૃત્યુ થવાની સંભાવના હોય. જે વ્યક્તિ પહેલેથી જ મૃત્યુ પામી છે, તેના અંગો કાઢવાથી તેનું મૃત્યુ નિપજાવવાનો પ્રયાસ કરવો એ 'અશક્ય પ્રયાસ' છે." કોર્ટે ઉમેર્યું કે જો અંગો કાઢવાનો મામલો હોય તો તે 'માનવ અંગ પ્રત્યારોપણ અધિનિયમ' (THOT) હેઠળ આવે, પરંતુ તેના પણ કોઈ પ્રાથમિક પુરાવા કે પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં આવી કોઈ વિગત મળી નથી.
હાઈકોર્ટે ફરિયાદીના વર્તન પર પણ આકરી ટિપ્પણી કરી હતી કે જે ભાઈ બે મહિના સુધી ગાયબ રહ્યો તેને શોધવા માટે પરિવારે કોઈ તસ્દી લીધી નહોતી. કોર્ટે અંતમાં ભાવુક અવલોકન કરતા કહ્યું કે, "જો આવી પવિત્ર હેતુથી કામ કરતી સંસ્થાઓ સામે આવા ત્રાસદાયક આરોપોને પ્રોત્સાહન આપવામાં આવશે, તો કોઈ પણ માનવતા બચાવવા માટે આગળ નહીં આવે. અજાણ્યા મૃતદેહોના અંતિમ સંસ્કાર કરવા એ મૃતકના અધિકારનું સન્માન છે." આ ચુકાદાથી રાજસ્થાનની અનેક સ્વયંસેવી સંસ્થાઓએ રાહતનો શ્વાસ લીધો છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
