ભોપાલમાં માનવતા શરમાઈ: કન્યા ભોજનમાં ગયેલી 6 વર્ષની માસૂમ પર 60 વર્ષના નરાધમ 'દાદા'એ ગુજાર્યો બળાત્કાર, રામનવમીના પવિત્ર દિવસે નરાધમે આચર્યું પાપ
અરેરા હિલ્સ વિસ્તારમાં સિક્યુરિટી ગાર્ડ પાડોશીએ બાળકીની એકલતાનો લાભ ઉઠાવ્યો: ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસ સ્ટેશન ઘેર્યું, આરોપીને ફાંસી આપવાની અને ઘર તોડી પાડવાની ઉગ્ર માંગ

ભોપાલ : મધ્યપ્રદેશની રાજધાની ભોપાલના અરેરા હિલ્સ વિસ્તારમાંથી એક અત્યંત કમકમાટીભરી અને હૃદયદ્રાવક ઘટના સામે આવી છે. જ્યાં એક તરફ સમગ્ર દેશ રામનવમીના પવિત્ર પર્વની ઉજવણી કરી રહ્યો હતો, ત્યાં એક 60 વર્ષના નરાધમે પાડોશમાં રહેતી 6 વર્ષની માસૂમ બાળકીને પોતાની હવસનો શિકાર બનાવી માનવતાને કલંકિત કરી છે. આ બાળકી આરોપીને પ્રેમથી 'દાદા' કહીને સંબોધતી હતી, પરંતુ તે જ નરાધમે માસૂમનો વિશ્વાસઘાત કરી પશુતાની તમામ હદો વટાવી દીધી છે.
ઘટનાની વિગતો મુજબ, ગત 27 માર્ચના રોજ રામનવમી નિમિત્તે માસૂમ બાળકી કોલોનીમાં આયોજિત 'કન્યા ભોજન' (જ્યોત્સવ) માં સહભાગી થવા માટે ઘરેથી નીકળી હતી. ભોજન બાદ તે પાડોશમાં રહેતા 60 વર્ષીય વૃદ્ધના ઘરે ગઈ હતી. આરોપી તે સમયે ઘરમાં એકલો હતો અને તેણે તકનો લાભ ઉઠાવી બાળકીને અંદર ખેંચી લીધી હતી અને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. ઘટનાથી ગભરાયેલી બાળકી જ્યારે ઘરે પહોંચી ત્યારે તેની માતાએ પૂછપરછ કરતા તેણે રડતા રડતા પોતાની સાથે થયેલી આપવીતી જણાવી હતી.
પોલીસે આ મામલે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી સિક્યુરિટી ગાર્ડની ધરપકડ કરી તેને જેલના સળિયા પાછળ ધકેલી દીધો છે. પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આરોપીનો અગાઉનો કોઈ ગુનાહિત રેકોર્ડ નથી, પરંતુ તેણે આચરેલા આ કૃત્યથી સમગ્ર વિસ્તારમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શનિવારે મોટી સંખ્યામાં મહિલાઓ અને સ્થાનિક રહીશોએ અરેરા હિલ્સ પોલીસ સ્ટેશનનો ઘેરાવ કર્યો હતો અને મુખ્ય રસ્તો જામ કરીને વિરોધ પ્રદર્શન કર્યું હતું.
સ્થાનિક મહિલાઓએ નરાધમ આરોપીને મૃત્યુદંડની સજા આપવાની અને વહીવટીતંત્ર દ્વારા તેનું મકાન તોડી પાડવાની માંગ કરી છે. પોલીસની સમજાવટ બાદ હાલમાં રસ્તો ખુલ્લો કરવામાં આવ્યો છે, પરંતુ વાતાવરણ હજુ પણ તંગ છે. એક તરફ આપણે કન્યાઓને દેવી સ્વરૂપ માનીએ છીએ અને બીજી તરફ આવી ઘટનાઓ સમાજ માટે લાલબત્તી સમાન છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
