<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Saturday, 4th April 2026

સુપ્રીમ કોર્ટનો સપાટો: રહેણાંક વિસ્તારોમાં ગેરકાયદેસર ધમધમતા કોમર્શિયલ એકમો સામે તપાસના આદેશ, મકાન માલિકો અને તંત્રમાં ફફડાટ

રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓમાં બિલ્ડિંગ બાય-લોઝના ઉલ્લંઘન બદલ સર્વોચ્ચ અદાલત લાલઘૂમ: "રહેણાંક પ્લોટનો વ્યાપારી ઉપયોગ અસલી રહેવાસીઓ માટે મોટી મુસીબત"

નવી દિલ્હી : દેશભરની રાજધાનીઓ અને મુખ્ય શહેરોમાં રહેણાંક સોસાયટીઓ અને કોલોનીઓમાં ગેરકાયદેસર રીતે ચાલતી કોમર્શિયલ પ્રવૃત્તિઓ સામે સુપ્રીમ કોર્ટે કડક વલણ અખત્યાર કર્યું છે. જસ્ટિસ અહસાનુદ્દીન અમાનુલ્લાહ અને જસ્ટિસ આર. મહાદેવનની ખંડપીઠે દેશના તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોની રાજધાનીઓમાં રહેણાંક વિસ્તારોને કોમર્શિયલ ઝોનમાં ફેરવી દેવાની વધતી જતી પ્રથા અંગે ગંભીર ચિંતા વ્યક્ત કરી છે. કોર્ટે આ મામલે વિગતવાર તપાસના આદેશ આપતા સ્પષ્ટ કર્યું છે કે બિલ્ડિંગ બાય-લોઝનું ઉલ્લંઘન ચલાવી લેવામાં આવશે નહીં.
સર્વોચ્ચ અદાલતે અવલોકન કર્યું હતું કે, રહેણાંક મકાનો અને જમીનોનો અનધિકૃત રીતે વ્યાપારી ઉપયોગ કરવાને કારણે ત્યાં શાંતિથી રહેતા નાગરિકોને ભારે અસુવિધાનો સામનો કરવો પડે છે. ટ્રાફિક જામ, પાર્કિંગની સમસ્યા અને અતિશય ઘોંઘાટને કારણે રહેવાસીઓનું જીવન દુષ્કર બની ગયું છે. કોર્ટે નોંધ્યું હતું કે સત્તાવાળાઓની રહેમનજર હેઠળ અથવા બેદરકારીને કારણે આવા ગેરકાયદેસર બાંધકામો અને વપરાશ ફૂલીફાલી રહ્યા છે, જે શહેરી આયોજનના નિયમોનું સરેઆમ ઉલ્લંઘન છે.
બીજા એક મહત્વના ચુકાદામાં, જસ્ટિસ બી.વી. નાગરત્ના અને જસ્ટિસ ઉજ્જલ ભુયાનની ખંડપીઠે નેશનલ હાઈવે પરના ટોલ ટેક્સ અંગે મહત્વની સ્પષ્ટતા કરી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે નેશનલ હાઈવે પર ટોલ ટેક્સ વસૂલવાની સત્તા માત્ર કેન્દ્ર સરકાર હસ્તક છે, કારણ કે તે બંધારણની કેન્દ્રીય યાદી (Union List) હેઠળ આવે છે. રાજ્ય સરકારો માત્ર અન્ય માર્ગો પર જ ટોલ વસૂલી શકે છે. નેશનલ હાઈવે ઓથોરિટી ઓફ ઈન્ડિયા (NHAI) દ્વારા લેવામાં આવતો ટોલ એ એક 'ફી' છે અને તે કાયદેસર છે.
આ ઉપરાંત, સુપ્રીમ કોર્ટે NHAI ને આદેશ આપ્યો છે કે હાઈવે પર થતા દબાણો દૂર કરવા માટે નિયમિત નિરીક્ષણ કરવામાં આવે જેથી વાહનચાલકોને અવરોધ વગરના રસ્તાઓ મળી રહે. કોર્ટે ભારપૂર્વક જણાવ્યું હતું કે ન્યાયતંત્રની સ્વતંત્રતા પર હુમલો એ બંધારણીય નૈતિકતાનું ઉલ્લંઘન છે. સર્વોચ્ચ અદાલતના આ આદેશો બાદ હવે સ્થાનિક મ્યુનિસિપલ કોર્પોરેશન અને શહેરી વિકાસ સત્તામંડળો દ્વારા રહેણાંક વિસ્તારોમાં ચાલતી દુકાનો, ઓફિસો અને ગોદામો સામે મોટા પાયે ઝુંબેશ શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે.

(11:22 PM IST)