હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
મધ્ય-પૂર્વમાં મહાયુદ્ધના ભણકારા: ઈરાને ઈઝરાયલી જહાજ પર કર્યો વિસ્ફોટક ડ્રોન હુમલો, અમેરિકાનું શક્તિશાળી ફાઈટર જેટ તોડી પાડતા રણમેદાનમાં ભારે અફડાતફડી
અમેરિકા અને ઈઝરાયલના સંયુક્ત હુમલામાં ઈરાની સુપ્રીમ લીડરના મોતના બદલાની આગ તેજ બની, હોર્મુઝની સામુદ્રધુનીમાં ભયાનક જંગ જેવી સ્થિતિ વચ્ચે યુએસ ફાઈટર જેટના પાયલોટ ગુમ થતા આંતરરાષ્ટ્રીય સ્તરે ભારે તણાવ

તેહરાન:પશ્ચિમ એશિયામાં યુદ્ધની જ્વાળાઓ હવે અત્યંત ભયાનક સ્વરૂપ ધારણ કરી રહી છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) એ હોર્મુઝની સામુદ્રધુનીમાં એક મોટા ઓપરેશનને અંજામ આપતા ઈઝરાયલ સાથે સંકળાયેલા વેપારી જહાજ 'MCS ઈશિકા' પર આત્મઘાતી ડ્રોન વડે હુમલો કર્યો છે. આ હુમલા બાદ જહાજમાં ભીષણ આગ લાગી ગઈ હતી અને તેને બહેરીન તરફ જતું અટકાવવામાં આવ્યું હતું. ઈરાને દાવો કર્યો છે કે આ હુમલો શક્તિશાળી અસ્ત્ર દ્વારા કરવામાં આવ્યો હતો, જે ઈઝરાયલ અને અમેરિકી હિતો પર કરવામાં આવેલો ૯૫મો પ્રહાર છે. આ ઘટનાએ વૈશ્વિક દરિયાઈ માર્ગો પર ખતરો વધારી દીધો છે અને આર્થિક જગતમાં પણ ચિંતાની લહેર પ્રસરાવી દીધી છે.
દરમિયાન, આકાશમાં પણ ઈરાને પોતાની તાકાત બતાવી અમેરિકાના અત્યાધુનિક F-15E સ્ટ્રાઈક ઈગલ ફાઈટર જેટને તોડી પાડ્યું હોવાના અહેવાલ છે. આ અગાઉ શુક્રવારે થયેલી અથડામણમાં પણ અમેરિકાના બે લશ્કરી વિમાનો તૂટી પડ્યા હતા, જેમાં એક પાયલોટને હેમખેમ બચાવી લેવાયો છે પરંતુ બીજો પાયલોટ હજુ પણ ગુમ હોવાથી સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. બીજી તરફ, ઈઝરાયલ ડિફેન્સ ફોર્સિસ (IDF) એ પણ આક્રમક વલણ અપનાવતા તેહરાન સ્થિત મિસાઇલ સંગ્રહ સુવિધાઓ અને શસ્ત્ર સંશોધન કેન્દ્રો પર એરસ્ટ્રાઈક કરીને ઈરાનની સૈન્ય કમર તોડવાનો પ્રયાસ કર્યો છે, જેના કારણે બંને દેશો વચ્ચે હવે સીધું યુદ્ધ ફાટી નીકળવાની પૂરી સંભાવના છે.
યુદ્ધની આ આગ માત્ર સૈન્ય ઠેકાણાઓ પૂરતી સીમિત રહી નથી, પરંતુ ઈરાનના દક્ષિણ-પશ્ચિમ પ્રાંત ખુઝેસ્તાનના ઔદ્યોગિક વિસ્તારો સુધી પહોંચી ગઈ છે. અમેરિકી અને ઈઝરાયલી હુમલામાં ફજર અને અમીરકબીર જેવી મોટી પેટ્રોકેમિકલ કંપનીઓને નિશાન બનાવવામાં આવતા અનેક લોકો ઘાયલ થયા છે અને જાનહાનિનો આંકડો વધવાની ભીતિ સેવાઈ રહી છે. ખોરમશહર બોર્ડર ટર્મિનલને થયેલા વ્યાપક નુકસાન બાદ મહશહરના સ્પેશિયલ ઝોનને સાવચેતીના ભાગરૂપે ખાલી કરાવવામાં આવ્યો છે. ઉલ્લેખનીય છે કે ૨૮ ફેબ્રુઆરીએ ઈરાની નેતા અલી ખામેનીના મોતના વેરનો બદલો લેવા ઈરાન હવે રણમેદાનમાં આરપારની લડાઈ લડી રહ્યું હોય તેમ જણાય છે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
