બારામતી પેટાચૂંટણીમાં ભાવનાત્મક વળાંક: સુનેત્રા પવારે ઉદ્ધવ ઠાકરેને ફોન કરી સમર્થન માંગ્યું, NCPની બેઠક બિનહરીફ કરવા તમામ પક્ષોને અપીલ
અજિત પવારના નિધનથી ખાલી પડેલી બેઠક પર પત્ની સુનેત્રા પવાર લડશે ચૂંટણી: શરદ પવાર જૂથ ઉમેદવાર નહીં ઉતારે, પરંતુ કોંગ્રેસના લડાયક મૂડથી પેચ ફસાયો

મુંબઈ, તા.૪: મહારાષ્ટ્રના રાજકારણના ગઢ ગણાતા બારામતીમાં આગામી ૨૩ એપ્રિલે યોજાનારી વિધાનસભા પેટાચૂંટણી હવે ભાવનાત્મક જંગ બની રહી છે. નાયબ મુખ્યમંત્રી અને NCP પ્રમુખ સુનેત્રા પવારે શુક્રવારે શિવસેના (UBT)ના વડા ઉદ્ધવ ઠાકરેને પર્સનલ ફોન કરીને આ ચૂંટણીમાં તેમનું સમર્થન માંગ્યું છે. જાન્યુઆરીમાં એક દુર્ભાગ્યપૂર્ણ વિમાન દુર્ઘટનામાં દિગ્ગજ નેતા અજિત પવારના અકાળે અવસાનને કારણે આ બેઠક ખાલી પડી છે, જેના પર હવે તેમના પત્ની સુનેત્રા પવાર ચૂંટણી મેદાનમાં ઉતરશે.
NCP ના વરિષ્ઠ નેતા અને સાંસદ સુનીલ તટકરેએ તમામ રાજકીય પક્ષોને નમ્ર અપીલ કરી છે કે મહારાષ્ટ્રની રાજકીય સંસ્કૃતિને જાળવી રાખીને આ પેટાચૂંટણી બિનહરીફ યોજાય તેવી વ્યવસ્થા કરવી જોઈએ. તેમણે કહ્યું કે, "બારામતીના લોકો અત્યારે ખૂબ જ ભાવનાત્મક સ્થિતિમાં છે. અજિત પવાર જેવા લોકપ્રિય નેતાના નિધન પછી તેમની બેઠક પર ચૂંટણી ન યોજાય અને સર્વસંમતિ સધાય તે જ સાચી શ્રદ્ધાંજલિ ગણાશે." સંજય રાઉતે પણ પુષ્ટિ કરી છે કે ઉદ્ધવ ઠાકરે ટૂંક સમયમાં પ્રેસ કોન્ફરન્સ કરીને આ બાબતે પોતાનો આખરી નિર્ણય જાહેર કરશે.
જોકે, મહા વિકાસ આઘાડી (MVA)માં આ મુદ્દે થોડી ખેંચતાણ જોવા મળી રહી છે. એક તરફ શરદ પવારની આગેવાની હેઠળની NCP (SP) એ જાહેર કર્યું છે કે તેઓ સુનેત્રા પવાર સામે કોઈ ઉમેદવાર ઉભો રાખશે નહીં. બીજી તરફ, મહારાષ્ટ્ર કોંગ્રેસના પ્રમુખ હર્ષવર્ધન સપકલે દાવો કર્યો છે કે હાઈકમાન્ડે તેમને ચૂંટણી લડવાની લીલી ઝંડી આપી દીધી છે અને ઉમેદવારોના ઇન્ટરવ્યુ પણ લેવાઈ રહ્યા છે. કોંગ્રેસના આ વલણને કારણે બારામતીમાં બિનહરીફ ચૂંટણી થવાની શક્યતા પર અત્યારે જોખમ દેખાઈ રહ્યું છે.
નોંધનીય છે કે અજિત પવાર બારામતી બેઠક પરથી આઠ વખત ધારાસભ્ય રહ્યા હતા અને ૨૦૧૯માં તેમણે ૧.૬૫ લાખ મતોના રેકોર્ડ માર્જિનથી જીત મેળવી હતી. સુનેત્રા પવાર આગામી ૬ એપ્રિલે પોતાનું નામાંકન પત્ર ભરવાના છે. હવે જોવાનું એ રહેશે કે ઉદ્ધવ ઠાકરે કોંગ્રેસને મનાવીને આ બેઠક પર સુનેત્રા પવાર માટે રસ્તો સાફ કરે છે કે પછી બારામતીમાં ફરી એકવાર રાજકીય જંગ જામશે.









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
