<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

અમેરિકાના અત્યાધુનિક સ્ટેલ્થ ફાઈટર જેટ્સનો કાળ બની ઈરાની ડિફેન્સ સિસ્ટમ: F-35 અને કિલર ડ્રોન્સને તોડી પાડ્યાનો IRGCનો સનસનાટીભર્યો દાવો

વોશિંગ્ટન માટે 'બ્લેક ફ્રાઈડે': ઈરાની વૈજ્ઞાનિકોએ વિકસાવેલી નવી ગુપ્ત એર ડિફેન્સ ટેક્નોલોજીએ યુએસ વાયુસેનાના ગર્વ સમાન F-15 અને રડારને થાપ આપતી ક્રુઝ મિસાઈલોને આકાશમાં જ કરી દીધી ભસ્મીભૂત, અમેરિકી પાઈલટને જીવતો પકડનાર માટે ઈનામની જાહેરાત

તેહરાન: મધ્ય-પૂર્વના રણમેદાનમાં ચાલી રહેલા ભીષણ જંગમાં ઈરાને અમેરિકાની સૈન્ય તાકાતને મોટો પડકાર ફેંકતા અત્યંત ચોંકાવનારો ખુલાસો કર્યો છે. ઈરાનના ઇસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ (IRGC) ના જણાવ્યા અનુસાર, યુદ્ધના ૩૫મા દિવસે ઈરાને પોતાની નવી અને અત્યંત ઘાતક હવાઈ સંરક્ષણ પ્રણાલી કાર્યરત કરી છે, જેણે અમેરિકાના સૌથી સુરક્ષિત ગણાતા F-35 સ્ટેલ્થ ફાઈટર જેટ સહિત ત્રણ ડ્રોન અને બે ક્રુઝ મિસાઈલોને આકાશમાં જ ફૂંકી માર્યા છે. IRGC ના પ્રવક્તા ઇબ્રાહિમ ઝુલ્ફકારીએ આ દિવસને ઈરાન માટે 'ગૌરવનો દિવસ' અને અમેરિકા માટે 'અપમાનનો કાળો શુક્રવાર' ગણાવ્યો છે. વોશિંગ્ટન પોસ્ટના અહેવાલ મુજબ, આટલું જ નહીં, જે વિમાન તોડી પડાયું હતું તેના પાઈલટને બચાવવા માટે મોકલાયેલા બ્લેક હોક હેલિકોપ્ટરો પર પણ ઈરાને સફળતાપૂર્વક નિશાન સાધ્યું હતું, જેમાં અમેરિકી સૈનિકો ઘાયલ થયાના અહેવાલ છે.

આ સંઘર્ષમાં અમેરિકાનું અન્ય એક શક્તિશાળી વિમાન A-10 વોર્થોગ પણ ઈરાની ગોળીબારની લપેટમાં આવ્યું હતું, જેનો પાઈલટ માંડ માંડ વિમાનને કુવૈતની સરહદમાં ઉતારવામાં સફળ રહ્યો હતો. ઈરાની મીડિયા અને સરકારી તંત્રએ હવે આક્રમક મનોવૈજ્ઞાનિક યુદ્ધ શરૂ કરતા જાહેરાત કરી છે કે, જે કોઈ પણ અમેરિકન પાઈલટને જીવતો પકડશે તેને મોટું ઈનામ આપવામાં આવશે. દક્ષિણ-પશ્ચિમ ઈરાનમાં જ્યાં વિમાન ક્રેશ થયું હતું તે વિસ્તારમાં IRGC દ્વારા સર્ચ ઓપરેશન તેજ કરવામાં આવ્યું છે. ઈરાની ગવર્નરે પણ દુશ્મન દળોને પકડનારા નાગરિકો કે સૈનિકોની પ્રશંસા કરવાની ખાતરી આપી છે, જેનાથી અમેરિકી પાઈલટો પર પકડાઈ જવાનું જોખમ તોળાઈ રહ્યું છે.

બીજી તરફ, ઈરાની સંસદના સ્પીકર મોહમ્મદ બાકર ગાલિબાફે કટાક્ષ કરતા જણાવ્યું છે કે, જે અમેરિકા અને ઈઝરાયલ ઈરાનમાં શાસન પરિવર્તનના સપના જોતા હતા, તેઓ હવે માત્ર પોતાના પાઈલટોને શોધવા સુધી મર્યાદિત રહી ગયા છે. ઈરાનનો દાવો છે કે આ સફળતા પાછળ તેમના યુવા વૈજ્ઞાનિકો દ્વારા સ્વદેશી ટેક્નોલોજીથી તૈયાર કરાયેલી એર ડિફેન્સ સિસ્ટમ છે, જે રડારથી બચીને નીકળતા અત્યાધુનિક વિમાનોને પણ ઓળખી કાઢે છે. આ ઘટનાક્રમે વૈજ્ઞાનિક અને સૈન્ય જગતમાં ચર્ચા જગાવી છે કે શું ઈરાને એવી કોઈ ગુપ્ત ટેક્નોલોજી હસ્તગત કરી લીધી છે જે અમેરિકાના સૌથી મોંઘા અને આધુનિક યુદ્ધ વિમાનોને પણ નિષ્ફળ બનાવી રહી છે. આ સ્થિતિ વચ્ચે અમેરિકાના સંરક્ષણ વિભાગમાં ભારે દોડધામ મચી ગઈ છે.

(1:02 AM IST)