<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

1 કે 2 દિવસ નહીં......૩૭ દિવસથી ઇન્ટરનેટ ઠપ્પ: મિસાઈલોના વરસાદ વચ્ચે સ્વજનોનો અવાજ સાંભળવા લોકો તરસી રહ્યા છે

અમેરિકા-ઈઝરાયલ સાથેના ભીષણ જંગ વચ્ચે નેટબ્લોક્સનો ચોંકાવનારો ખુલાસો: વિશ્વનું સૌથી લાંબુ રાષ્ટ્રીય ઇન્ટરનેટ શટડાઉન બન્યું ઈરાનનું 'ડિજિટલ દેશનિકાલ' : VPN અને સેટેલાઇટ કનેક્શન પર પણ લોખંડી પહેરો


તેહરાન:  પશ્ચિમ એશિયામાં આકાશમાંથી મિસાઈલો અને ડ્રોનનો વરસાદ થઈ રહ્યો છે, ત્યારે ઈરાનની જનતા એક અદ્રશ્ય પણ અત્યંત ઘાતક સંકટનો સામનો કરી રહી છે—'માહિતીનો દુષ્કાળ'. છેલ્લા ૩૭ દિવસથી ઈરાનમાં ઇન્ટરનેટ સેવાઓ સંપૂર્ણપણે બંધ કરી દેવામાં આવી છે, જે ગ્લોબલ ઇન્ટરનેટ મોનિટર 'નેટબ્લોક્સ' મુજબ ઇતિહાસનું સૌથી લાંબુ નેશનલ શટડાઉન છે. 864 કલાકથી વધુ સમયથી ઈરાન બાહ્ય દુનિયાથી કપાઈ ગયું છે. યુદ્ધના મેદાનમાં હથિયારો તો ગાજી રહ્યા છે, પરંતુ સામાન્ય નાગરિકો માટે પોતાના જ પડોશમાં કે બીજા શહેરમાં રહેતા પરિવારજનો સુરક્ષિત છે કે નહીં, તે જાણવું પણ અશક્ય બની ગયું છે.

નેટબ્લોક્સના અહેવાલ અનુસાર, ઈરાને ૨૮ ફેબ્રુઆરીથી વૈશ્વિક ઇન્ટરનેટ સાથેના તમામ છેડા ફાડી નાખ્યા છે. અગાઉ મ્યાનમાર, સુદાન કે કાશ્મીર જેવા વિસ્તારોમાં લાંબા સમય સુધી નેટ બંધ રહેવાની ઘટનાઓ બની છે, પરંતુ ઈરાનનો કિસ્સો અનોખો છે. અહીં કોઈ માળખાગત નુકસાન (ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેમેજ) વગર, શાસકો દ્વારા ઇરાદાપૂર્વક આખા દેશને 'ડિજિટલ કેદ'માં ધકેલી દેવામાં આવ્યો છે. વ્યવસાય, શિક્ષણ અને બેન્કિંગ જેવી આવશ્યક સેવાઓ સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ છે, અને સરકાર હવે માત્ર 'વ્હાઇટલિસ્ટ' કરેલી સાઇટ્સ જ ચાલે તેવી સિસ્ટમ લાગુ કરવા જઈ રહી છે, જેનો અર્થ છે કે લોકોની અભિવ્યક્તિ પર કાયમી તાળું મારી દેવામાં આવશે.

સૌથી હૃદયદ્રાવક સ્થિતિ એ છે કે જ્યારે દેશ પર વિદેશી હુમલાઓનો ખતરો હોય, ત્યારે લોકો માહિતી માટે વલખાં મારી રહ્યા છે. ઈરાની સત્તાવાળાઓએ માત્ર સોશિયલ મીડિયા જ નહીં, પણ સેટેલાઇટ લિંક્સ અને VPN જેવા વૈકલ્પિક માર્ગો પર પણ કડક પ્રતિબંધો લાદી દીધા છે. માનવતાવાદી સંસ્થાઓએ આ ડિજિટલ નાકાબંધી હટાવવા અપીલ કરી છે, કારણ કે લોકોના માનસિક સ્વાસ્થ્ય અને સુરક્ષા માટે સંદેશાવ્યવહાર અનિવાર્ય છે. યુદ્ધની જ્વાળાઓ વચ્ચે ઈરાની નાગરિકો માટે આ 'ડિજિટલ આઇસોલેશન' કોઈ દુઃસ્વપ્નથી ઓછું નથી, અને હાલમાં ઇન્ટરનેટ પાછું આવવાની કોઈ આશા દેખાતી નથી.

(9:07 PM IST)