હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સતર્કતા જાગૃતિ માટે વોકાથોન 10:53 AM

લુધિયાણા: પશ્ચિમ એશિયામાં સળગેલી યુદ્ધની જ્વાળાઓની આંચ હવે પંજાબના ઔદ્યોગિક હાર્દ સમાન લુધિયાણા, જલંધર અને અમૃતસર સુધી પહોંચી ગઈ છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગેસ પુરવઠો ખોરવાતા પંજાબના નાના-મોટા ઉદ્યોગોમાં LPGની ભારે અછત સર્જાઈ છે. પરિણામે, જે ફેક્ટરીઓ રાત-દિવસ ધમધમતી હતી ત્યાં હવે મશીનો શાંત પડી રહ્યા છે. કામના કલાકો ૧૨ કલાકથી ઘટાડીને અડધા એટલે કે ૬ કલાક કરી દેવામાં આવતા હજારો સ્થળાંતરિત કામદારોની આવક પર સીધો ફટકો પડ્યો છે. સામાન્ય રીતે મે મહિનામાં ખેતીની સીઝન માટે વતન જતો મજૂર વર્ગ આ વર્ષે રોજગારના અભાવે એપ્રિલમાં જ બિહાર, ઉત્તર પ્રદેશ અને ઝારખંડ તરફ પાછા ફરવા મજબૂર બન્યો છે.
લુધિયાણાના સાયકલ અને હોઝિયરી ઉદ્યોગથી લઈને જલંધરના સ્પોર્ટ્સ ગુડ્સના એકમો અત્યારે 'બેવડા માર'નો સામનો કરી રહ્યા છે. એક તરફ કાચા માલની અછત છે અને બીજી તરફ ઉત્પાદન ખર્ચમાં તોતિંગ વધારો થયો છે. FICO અને CICU જેવા ઔદ્યોગિક સંગઠનોના પ્રમુખોએ ચેતવણી આપી છે કે જો ઈરાન-અમેરિકા યુદ્ધ લાંબુ ચાલશે, તો પંજાબનું ઔદ્યોગિક માળખું સંપૂર્ણપણે ભાંગી પડશે. ગેસ સિલિન્ડરના અભાવે માત્ર ફેક્ટરીઓ જ નહીં, પણ મજૂરો માટે રસોઈ બનાવવી પણ મુશ્કેલ બની ગઈ છે. પાંચ કિલોના નાના સિલિન્ડર માટે વહીવટીતંત્રએ સમિતિઓ બનાવી હોવા છતાં ગ્રાઉન્ડ લેવલ પર પરિસ્થિતિ કાબૂ બહાર જઈ રહી છે.
સૌથી મોટી ચિંતા કુશળ કામદારો ના પલાયનને લઈને છે. અમૃતસરમાં કાપડ અને ફૂડ પ્રોસેસિંગ યુનિટ્સ આંશિક રીતે જ કાર્યરત છે, જેના કારણે દૈનિક વેતન પર જીવતા શ્રમિકો માટે શહેરમાં ટકી રહેવું મુશ્કેલ બન્યું છે. ઉદ્યોગપતિઓનું માનવું છે કે જો એકવાર આ તાલીમબદ્ધ કર્મચારીઓ વતન ચાલ્યા જશે, તો ગેસ પુરવઠો સામાન્ય થયા પછી પણ ઉત્પાદન ફરી શરૂ કરવામાં મહિનાઓ નીકળી જશે. અત્યારે પંજાબના રેલવે સ્ટેશનો પર વતન પરત ફરતા શ્રમિકોની ભીડ એ વાતની સાક્ષી પૂરે છે કે વૈશ્વિક યુદ્ધ માત્ર સરહદો પર જ નહીં, પણ હજારો કિલોમીટર દૂર બેઠેલા ગરીબના ચુલા પર પણ અસર કરે છે.
હેં...વારાણસીમાં ભાજપનો પરાજય 9:51 AM
સતર્કતા જાગૃતિ માટે વોકાથોન 10:53 AM