<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Sunday, 5th April 2026

હેતીમાં ગેંગસ્ટરોનો ખૂની ખેલ : આર્ટિબોનાઈટ વિસ્તારમાં અંધાધૂંધ ગોળીબાર કરી 70 નિર્દોષ લોકોની કરપીણ હત્યા

યુએન સમર્થિત આંતરરાષ્ટ્રીય સુરક્ષા દળોના આગમન પૂર્વે જ ‘ગ્રાન ગ્રિફ’ ગેંગે મચાવ્યો ભારે ઉત્પાત : અનેક ગામોમાં આગજની અને લૂંટફાટ બાદ લાશોના ઢગલા થતા સમગ્ર દેશમાં દહેશતનો માહોલ

પોર્ટ-ઓ-પ્રિન્સ: કેરેબિયન દેશ હેતીમાં હિંસા અટકવાનું નામ નથી લઈ રહી. દેશના મુખ્ય ખેતીવાડી ક્ષેત્ર એવા આર્ટિબોનાઈટ રીજનમાં ગત સપ્તાહના અંતમાં સશસ્ત્ર ગેંગ દ્વારા કરવામાં આવેલા ભયાનક હુમલામાં અંદાજે 70 જેટલા લોકોના મોત નિપજ્યા છે. આ નરસંહાર એવા સમયે થયો છે જ્યારે યુનાઈટેડ નેશન્સ (UN) સમર્થિત બહુરાષ્ટ્રીય ફોર્સ હિંસાને ડામવા માટે દેશમાં પ્રવેશવાની તૈયારી કરી રહ્યું છે.
ભયાનક રાત્રિ અને ગેંગનો આતંક
સ્થાનિક ખેડૂત ઈલરેસ થિયોફીલે જણાવ્યું કે ગત રવિવારે મધ્યરાત્રિએ અચાનક ભારે ગોળીબારના અવાજથી તેમની ઊંઘ ઉડી ગઈ હતી. આ વિસ્તારની કુખ્યાત ‘ગ્રાન ગ્રિફ’ ગેંગે અગાઉથી જ હુમલાની ધમકી આપી હતી. સૂર્યોદય થતા જ્યારે લોકો પરત ફર્યા ત્યારે શેરીઓમાં લોહીલુહાણ લાશો અને સળગતા મકાનો જોવા મળ્યા હતા. થિયોફીલે ભારે હૈયે જણાવ્યું કે તેમના ત્રણ ભાઈઓ અને પુત્ર પણ આ હિંસામાં માર્યા ગયા છે. ગેંગે આર્ટિબોનાઈટ વિસ્તારના અંદાજે આઠ જેટલા ગામોમાં એકસાથે સંકલિત હુમલા કરીને ભારે તબાહી મચાવી હતી.
પોલીસ તંત્રની લાચારી અને વિલંબ
આ નરસંહાર દરમિયાન હેતીની પોલીસની લાચારી પણ સામે આવી છે. અપૂરતો સ્ટાફ અને સાધન-સામગ્રીના અભાવે પોલીસ ઘટનાસ્થળે પહોંચવામાં મોડી પડી હતી. ગેંગસ્ટરોએ મુખ્ય રસ્તાઓ પર આડશો (Roadblocks) ઊભી કરી દીધી હતી જેથી સુરક્ષા દળો સમયસર ન પહોંચી શકે. માનવાધિકાર કાર્યકરોએ જણાવ્યું કે પોલીસ જ્યારે થોડા કલાકો બાદ ઘટનાસ્થળેથી રવાના થઈ, ત્યારે ગેંગ ફરીથી પરત આવી હતી અને બાકી રહેલા ઘરોને પણ આગ ચાંપી દીધી હતી.
આંતરરાષ્ટ્રીય દળો સામે મોટો પડકાર
નેશનલ હ્યુમન રાઈટ્સ ડિફેન્સ નેટવર્કના એક્ઝિક્યુટિવ ડિરેક્ટર પિયર એસ્પરેન્સે આ ઘટનાને આતંકવાદી કૃત્ય ગણાવ્યું છે. આ નરસંહારથી સ્પષ્ટ થાય છે કે નવી રચાયેલી ‘ગેંગ સપ્રેશન ફોર્સ’ માટે હેતીમાં શાંતિ સ્થાપવી એ અત્યંત કઠિન કાર્ય બની રહેશે. હેતી છેલ્લા ઘણા વર્ષોથી સશસ્ત્ર ગેંગોના પંજામાં ફસાયેલું છે અને રાજધાની સહિતના મોટાભાગના વિસ્તારોમાં આ ગુનેગારોનું વર્ચસ્વ છે. હવે જ્યારે આંતરરાષ્ટ્રીય સૈન્ય ટુકડીઓ દેશમાં ઉતરી રહી છે, ત્યારે આ પ્રકારની નિર્મમ હિંસાએ આંતરરાષ્ટ્રીય સમુદાય અને સ્થાનિક પ્રશાસન માટે ખતરાની ઘંટડી વગાડી દીધી છે.

(10:04 PM IST)