News of Sunday, 5th April 2026
દીકરીના છૂટાછેડાને માતમ નહીં પણ ઉત્સવ તરીકે ઉજવતા નિવૃત્ત જજ : મેરઠમાં ઢોલ-નગારા અને મીઠાઈ સાથે દીકરીનું ‘નવી શરૂઆત’ માટે ભવ્ય સ્વાગત : જુઓ વિડિયો
“દીકરીઓ કોઈની મિલકત નથી, તેનું સન્માન અને સુખ સર્વોપરી છે” : સામાજિક કલંકની પરંપરા તોડી પિતાએ કર્યો ફૂલહાર : અન્યાય સામે અવાજ ઉઠાવી આત્મનિર્ભર બનવા પ્રેરણારૂપ સંદેશ

UP’s Meerut tells a changing story…
— Oxomiya Jiyori 🇮🇳 (@SouleFacts) April 5, 2026
After 7 years of marriage, Pranita Sharma’s divorce from Major Gaurav Agnihotri was finalized. But what followed looked like a wedding celebration—drums, dancing, matching “I Love My Daughter” T-shirts, and a grand welcome home organized by… pic.twitter.com/z1DkELqMwy
મેરઠ: ઉત્તર પ્રદેશના મેરઠમાં એક નિવૃત્ત જજે રૂઢિચુસ્ત સામાજિક માન્યતાઓને બાજુ પર મૂકીને એક અનોખો દાખલો બેસાડ્યો છે. સામાન્ય રીતે સમાજમાં છૂટાછેડાને એક દુઃખદ ઘટના અથવા કલંક તરીકે જોવામાં આવે છે, પરંતુ અહીં એક પિતાએ પોતાની દીકરીના છૂટાછેડાની મંજૂરી મળતા જ તેને જશ્ન તરીકે ઉજવીને સમાજને મજબૂત સંદેશ આપ્યો છે. નિવૃત્ત જજ જ્ઞાનેન્દ્ર કુમાર શર્માએ તેમની એકમાત્ર દીકરી પ્રણિતા વશિષ્ઠના છૂટાછેડા બાદ તેને ઢોલ-નગારા, ફૂલહાર અને મીઠાઈઓ સાથે ઘરે આવકારી હતી.
લગ્ન જીવનનો કરુણ અંત અને કાયદાકીય લડત
પ્રણિતાના લગ્ન 19 ડિસેમ્બર, 2018ના રોજ શાહજહાંપુરના એક આર્મી મેજર સાથે થયા હતા. લગ્નના થોડા સમય બાદ જ પ્રણિતાને શારીરિક, માનસિક અને ભાવનાત્મક ત્રાસ આપવાનું શરૂ કરાયું હતું. એક પુત્રના જન્મ પછી પણ પરિસ્થિતિ સુધરી ન હતી, જેના કારણે અંતે પ્રણિતાએ મેરઠની ફેમિલી કોર્ટમાં છૂટાછેડા માટે અરજી કરી હતી. શનિવારે પ્રિન્સિપાલ જજ શક્તિપુત્ર તોમરે છૂટાછેડાની મંજૂરી આપતા આ કાયદાકીય લડતનો અંત આવ્યો હતો.
કોર્ટ પરિસરમાં જ શરૂ થયો મહોત્સવ
જેવા કોર્ટે છૂટાછેડા મંજૂર કર્યા કે તરત જ પ્રણિતાના પરિવારજનોએ તેને વધાવી લીધી હતી. કોર્ટની બહાર નીકળતા જ સગા-સંબંધીઓએ ઢોલના તાલે નૃત્ય કર્યું હતું અને એક ઉત્સવની જેમ સરઘસ કાઢીને તેને ઘરે લઈ આવ્યા હતા. ઘરે પહોંચતા પિતાએ દીકરીને હાર પહેરાવીને સ્વાગત કર્યું અને સમગ્ર વિસ્તારમાં મીઠાઈ વહેંચી હતી. પરિવારના સભ્યોએ "આઈ લવ માય ડોટર" લખેલા કાળા રંગના ટી-શર્ટ પહેરીને દીકરી પ્રત્યેનો પોતાનો પ્રેમ અને ટેકો જાહેર કર્યો હતો.
પિતાનો મક્કમ નિર્ધાર અને દીકરીની અપીલ
નિવૃત્ત જ્ઞાનેન્દ્ર કુમાર શર્માએ જણાવ્યું કે, "જો મારી દીકરી લગ્ન જીવનમાં સુખી નથી, તો તેને તેવા નરક જેવા વાતાવરણમાંથી બહાર લાવવી એ મારી પવિત્ર ફરજ છે. અમે કોઈ પણ પ્રકારનું ભરણપોષણ (Alimony) માંગ્યું નથી, મારે માત્ર મારી દીકરી પાછી જોઈતી હતી." મનોવિજ્ઞાનમાં અનુસ્નાતક અને જ્યુડિશિયલ એકેડમીમાં ફાઇનાન્સ ડાયરેક્ટર તરીકે કાર્યરત પ્રણિતાએ અન્ય મહિલાઓને અપીલ કરી હતી કે, અત્યાચાર સામે મૌન ન રહો. લગ્ન કરતા પહેલા શિક્ષિત, મજબૂત અને આત્મનિર્ભર બનવું ખૂબ જરૂરી છે.
વર્ષ 2022માં માર્ગ અકસ્માતમાં પુત્ર ગુમાવનાર આ પરિવાર માટે પ્રણિતા હવે એકમાત્ર સંતાન છે. સ્થાનિક લોકો આ પગલાંને છૂટાછેડા સાથે જોડાયેલા સામાજિક કલંકને દૂર કરવા અને મહિલાઓના સ્વાભિમાનને પ્રોત્સાહન આપવા માટે એક ક્રાંતિકારી કદમ ગણાવી રહ્યા છે.
(10:09 PM IST)









છેલ્લા 8 દિવસમાં સૌથી લોકપ્રિય 
