<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

રાજકોટના વેપારીનું ૨૫ કરોડનું સોનું બિહારમાં લુંટાયું

કસ્‍ટમ અધિકારી બનીને બદમાશોએ ૧૭ કિલો સોનું લુંટી લીધું: ફિલ્‍મી ઢબે લુંટઃ જ્‍વેલર્સોમાં સોપો પડી ગયો : બિહારના દાનાપુરની ઘટનાઃ પાંચથી સાત આરોપીઓ હતાઃ પોલીસ તપાસનો ધમધમાટઃ અમદાવાદથી ટ્રેન મારફતે દાનાપુર પહોંચેલા બે કર્મીઓને કાર અને બાઈક પર આવેલા ગઠિયાઓએ ઓવરબ્રિજ પાસે આંતર્યાઃ નકલી અધિકારીઓએ અપહરણ કરી, આંખે પાટા બાંધી ૩ બેગમાં રહેલું સોનું પડાવી લીધું

ગુનામાં વપરાયેલ કાર કબ્‍જે

બિહારના દાનાપુરમાં રપ કરોડના સોનાની સનસનીખેજ લુંટની ઘટનામાં મહેશ મામતોરા અને પ્રિન્‍સ રાણપરીયા નામના રાજકોટના બેંક કર્મચારીઓને બંદુક બતાવી લુંટી લેવાયા હતા. આ બન્ને કર્મચારીઓ ઘટનાની વિગત બિહાર પોલીસ સમક્ષ વર્ણવતા નજરે પડે છે.

બિહારમાં થયેલી કરોડોના સોનાના દાગીનાની લુંટનું સોનુ રાજકોટના પ્રહલાદ પ્‍લોટ-૬ માં આવેલી કે.વી.એન્‍ડ સન્‍સ નામની પેઢીનું છે. આજે આ પેઢી બંધ જોવા મળી હતી. (ફોટોઃ સંદીપ બગથરીયા)

પટના/રાજકોટ,તા.૦૬:  બિહારના દાનાપુર (પટના) નજીક ખગૌલ ઓવરબ્રિજ પાસે રાજકોટના એક સોનાના વેપારીના બે કર્મચારીઓ પાસેથી રૂપિયા ૨૫ કરોડની કિમતનું ૧૭ કિલો સોનું લૂંટાઈ ગયું છે. ગુનેગારોએ પોલીસનું સ્‍ટીકર લાગેલી કારમાં આવી, કસ્‍ટમ અધિકારી હોવાની ઓળખ આપીને ફિલ્‍મી ઢબે આ લૂંટ ચલાવી હતી. લૂંટારુઓએ કર્મચારીઓનું અપહરણ કરી, આંખે પાટા બાંધી તેમને નિર્જન રસ્‍તા પર છોડી દીધા હતા. પોલીસે નકલી નંબર પ્‍લેટવાળી કાર જપ્ત કરી તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.

બિહારના પાટનગર પટના નજીક આવેલા દાનાપુરમાં ખગૌલ પોલીસ મથક વિસ્‍તારમાં ફિલ્‍મી ઢબે એક અત્‍યંત ચોંકાવનારી ૨૫ કરોડ રૂપિયાના સોનાની લૂંટની ઘટના સામે આવી છે. જેમાં ભોગ બનનાર રાજકોટના જ્‍વેલર હોવાનું સામે આવતા ખળભળાટ મચી ગયો છે. લૂંટારુઓએ અસલી કસ્‍ટમ અધિકારીઓ જેવો જ વેશ ધારણ કરી, અત્‍યંત સિફતપૂર્વક આખી ઘટનાને અંજામ આપ્‍યો હતો.

પ્રાપ્ત વિગતો મુજબ, રાજકોટના સોનાના વેપારી સુનીલભાઈના બે કર્મચારીઓ - મહેશ મામતોરા અને પ્રિન્‍સ રામપરિયા અમદાવાદથી 'સહરસા એક્‍સપ્રેસ' ટ્રેનમાં દાનાપુર રેલવે સ્‍ટેશન પહોંચ્‍યા હતા. તેઓ પોતાની સાથે સોનાના દાગીના ભરેલી ૩ બેગ લઈને જઈ રહ્યા હતા. રેલવે સ્‍ટેશનથી તેઓ ઓટો-રિક્ષામાં બેસીને બાકરગંજ તરફ જઈ રહ્યા હતા.

જ્‍યારે તેમની ઓટો-રિક્ષા ખગૌલ ઓવરબ્રિજ પાસે પહોંચી, ત્‍યારે ૫ થી ૭ અજાણ્‍યા શખ્‍સોએ તેમને આંતર્યા હતા. આ બદમાશો એક કાર અને બે મોટરસાઈકલ પર આવ્‍યા હતા. તેમની કાર પર 'પોલીસ' લખેલું સ્‍ટીકર લગાડેલું હતું. ગુનેગારોએ સફેદ શર્ટ અને ખાખી પેન્‍ટ પહેર્યા હતા, જેથી તેઓ બિલકુલ કસ્‍ટમ વિભાગના અધિકારીઓ જેવા લાગી રહ્યા હતા.

આ શખ્‍સોએ રિક્ષા રોકાવીને પોતાને કસ્‍ટમ અધિકારી તરીકે ઓળખાવ્‍યા હતા અને તપાસના બહાને સોનાથી ભરેલી ત્રણેય બેગ કબજે કરી લીધી હતી. ત્‍યારબાદ તેઓએ મહેશ મામતોરાને પોતાની કારમાં બળજબરીથી બેસાડી દીધો હતો. પ્રિન્‍સના જણાવ્‍યા મુજબ, બદમાશોનો વર્તાવ એટલો વ્‍યાવસાયિક હતો કે શરૂઆતમાં તેમને ખરેખર એવું જ લાગ્‍યું કે આ અસલી અધિકારીઓ જ છે.

કારમાં બેસાડ્‍યા બાદ લૂંટારુઓએ મહેશની આંખે પાટા બાંધી દીધા હતા અને તેને બાંધી દીધો હતો. લૂંટ ચલાવ્‍યા બાદ ગુનેગારોએ બંને પીડિતોને નૌબતપુર રોડ પર એક નિર્જન સ્‍થળે છોડી દીધા હતા અને ફરાર થઈ ગયા હતા.

ઘટનાની જાણ થતાં જ ખગૌલ પોલીસ અને સ્‍પેશિયલ ટાસ્‍ક ફોર્સ (એસટીએફ) કામે લાગી ગઈ છે.

પોલીસે ગુનામાં વપરાયેલી કાર જપ્ત કરી લીધી છે, જેના પર નકલી રજિસ્‍ટ્રેશન નંબર હતો. હવે પોલીસ ચેસીસ નંબરના આધારે કારના માલિકની શોધખોળ કરી રહી છે.

દાનાપુર સ્‍ટેશનના સીસીટીવી ફૂટેજમાં સ્‍પષ્ટ દેખાય છે કે જ્‍યારથી કર્મચારીઓ સ્‍ટેશન પર ઉતર્યા ત્‍યારથી જ શંકાસ્‍પદ લોકો તેમનો પીછો કરી રહ્યા હતા.

દાનાપુરના ઉચ્‍ચ પોલીસ અધિકારી શિવમ ધાકડના જણાવ્‍યા અનુસાર, અજાણ્‍યા ગુનેગારો સામે છેતરપિડી અને લૂંટનો ગુનો નોંધવામાં આવ્‍યો છે.

રાજકોટના વેપારી સુનીલભાઈ પટના પહોંચી ગયા છે અને તેમણે વિધિવત ફરિયાદ નોંધાવી છે. પોલીસ અત્‍યારે અલગ અલગ ટીમ બનાવીને ગુનેગારોને પકડી પાડવા માટે સઘન તપાસ કરી રહી છે.

(3:30 PM IST)