<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ગાઝા યુદ્ધમાં નવો વળાંક: હમાસે અમેરિકા અને ઈઝરાયલની શરતો ફગાવી, હથિયાર હેઠા મુકવા ઇનકાર: ગાઝામાં અત્યાર સુધીમાં ૭૨ હજારના મોત, પોણા બે લાખ ઘાયલ: ૩૦ મહિના પછી પણ હમાસ મજબૂત

હમાસના પ્રવક્તા અબુ ઓબૈદાની ગર્જના: જ્યાં સુધી ઈઝરાયલની સેના ગાઝામાંથી સંપૂર્ણપણે પાછી ન હટે, ત્યાં સુધી હથિયાર મૂકવાની વાત 'અત્યંત ખતરનાક' છે: અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ૨૦ મુદ્દાના શાંતિ પ્રસ્તાવને મોટો ઝટકો: આંતરરાષ્ટ્રીય મીડિયા અહેવાલો અનુસાર ટ્રમ્પ અને નેતન્યાહૂની મુશ્કેલીઓ વધી

ગાઝા/વોશિંગ્ટન: ગાઝામાં ચાલી રહેલા લાંબા અને લોહિયાળ જંગ વચ્ચે એક મોટા સમાચાર સામે આવ્યા છે. ઈઝરાયલ અને અમેરિકા જે હમાસને સંપૂર્ણપણે નાબૂદ થયું હોવાનું માનતા હતા, તે જ હમાસે ઈરાન સાથેના તણાવ વચ્ચે ફરીથી પોતાનું માથું ઊંચક્યું છે. આંતરરાષ્ટ્રીય મીડિયા, જેમાં સીએનએન અને અલજઝીરા જેવા અગ્રણી સમાચાર માધ્યમોનો સમાવેશ થાય છે, તેમના અહેવાલો અનુસાર, હમાસની સશસ્ત્ર પાંખના પ્રવક્તા અબુ ઓબૈદાએ સ્પષ્ટ કરી દીધું છે કે તેઓ કોઈ પણ સંજોગોમાં હથિયાર હેઠા મૂકશે નહીં.

 

અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ દ્વારા રજૂ કરાયેલા ૨૦ મુદ્દાના શાંતિ પ્રસ્તાવમાં હમાસના નિશસ્ત્રીકરણની શરત મુખ્ય હતી. પરંતુ ઓબૈદાએ ટેલિવિઝન પર આપેલા નિવેદનમાં આ શરતને સંપૂર્ણપણે ફગાવી દીધી છે. તેમણે જણાવ્યું કે જ્યાં સુધી ઈઝરાયલની સેના ગાઝામાંથી સંપૂર્ણપણે પાછી ન હટે, ત્યાં સુધી હથિયાર મૂકવાની વાત 'અત્યંત ખતરનાક' છે અને તે હમાસને મંજૂર નથી.

 

ઓક્ટોબર ૨૦૨૩ ના હુમલા બાદ, ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ સતત દાવો કરી રહ્યા હતા કે હમાસનો ખાત્મો નિશ્ચિત છે. પરંતુ ૩૦ મહિનાના સતત અને ભીષણ હુમલાઓ પછી પણ હમાસ પોતાની ભૂગર્ભ સુરંગોમાંથી બહાર આવીને સૈન્ય ક્ષમતાનું પ્રદર્શન કરી રહ્યું છે. આ બાબત ટ્રમ્પ અને નેતન્યાહૂ બંને માટે માથાના દુખાવા સમાન સાબિત થઈ રહી છે.

 

ગાઝામાં થયેલી માનવ ખુવારી તરફ આંગળી ચીંધતા ઓબૈદાએ ઈઝરાયલ પર 'નરસંહાર' ચાલુ રાખવાનો આક્ષેપ કર્યો હતો. સત્તાવાર આંકડાઓ અને આંતરરાષ્ટ્રીય અહેવાલો મુજબ, અત્યાર સુધીમાં ગાઝામાં ૭૨,૦૦૦ થી વધુ લોકોના મોત નીપજ્યા છે અને ૧,૭૨,૦૦૦ થી વધુ લોકો ઘાયલ થયા છે. 

 

હમાસે મધ્યસ્થી કરી રહેલા દેશોને પણ સ્પષ્ટ સંદેશ આપ્યો છે કે ઈઝરાયલની સંપૂર્ણ વાપસીની ગેરંટી વિના કોઈ સમજૂતી શક્ય નથી. 

 

હમાસે આ લડાઈમાં ઈરાન, હિઝબુલ્લાહ અને હૂતી વિદ્રોહીઓના સમર્થનની પણ જાહેરમાં પ્રશંસા કરી છે.

 

આ કડક વલણને કારણે ટ્રમ્પ પ્રશાસનની ગાઝા માટેની શાંતિ યોજના સામે મોટો પડકાર ઊભો થયો છે અને હવે અમેરિકા તથા કતાર જેવા મધ્યસ્થી દેશોએ નવી રણનીતિ વિચારવી પડશે. *

(9:55 AM IST)