<img height="1" width="1" style="display:none" src="https://www.facebook.com/tr?id=1793108690839422&ev=PageView&noscript=1" />
News of Monday, 6th April 2026

ભારે કરી! લગ્નના શૂટિંગમાં ફોટોગ્રાફરે ગોટા કર્યાઃ કોર્ટે આલ્‍બમ જોઈ લાખો રૂપિયાનો દંડ ફટકાર્યો

ખરાબ તસવીરો, અધૂરા વીડિયો અને મિસિંગ મોમેન્‍ટ્‍સમાં બદલાઈ જાય તો શું થાય? : આ મામલો માત્ર એક કપલની ફરિયાદનો નથી, પણ એ હજારો લોકો માટે એક મિસાલ બની ગયો છે, જે પોતાના લગ્ન માટે ફોટોગ્રાફર્સ પર વિશ્વાસ કરતા હોય છે

કોટ્ટાયમ તા.૬: લગ્ન માત્ર એક વિધિ નથી હોતી, પણ જિંદગીનો એ દિવસ હોય છે, જેને લોકો વર્ષો સુધી યાદ રાખવા માગે છે. દરેક મુસ્‍કાન, દરેક વિધિ અને દરેક ક્ષણને કેમેરામાં કેદ કરવા માટે લોકો લાખો રૂપિયા ખર્ચ કરે છે. પણ જરા વિચારો કે એ જ યાદો ખરાબ તસવીરો, અધૂરા વીડિયો અને મિસિંગ મોમેન્‍ટ્‍સમાં બદલાઈ જાય તો શું થાય? આ જ દર્દ એક કપલે વેઠ્‍યું અને મામલો કોર્ટ સુધી પહોંચી ગયો. કેરળના કોટ્ટાયમ જિલ્‍લા ગ્રાહક તકરાર નિવારણ આયોગે આ મામલામાં કડક વલણ અપનાવતા સ્‍પષ્ટ કહી દીધું કે લગ્નની યાદો સાથે સમાધાન કોઈ પણ હાલતમાં સ્‍વીકારી ન શકાય.

લાઈવ લોના રિપોર્ટ અનુસાર, આ મામલો માત્ર એક કપલની ફરિયાદનો નથી, પણ એ હજારો લોકો માટે એક મિસાલ બની ગયો છે, જે પોતાના લગ્ન માટે ફોટોગ્રાફર્સ પર વિશ્વાસ કરતા હોય છે. કોર્ટે માન્‍યું કે ખરાબ સર્વિસ માત્ર ટેકનિકલ ભૂલ નથી, પણ માનસિક પીડાનું કારણ પણ બને છે. આ જ આધાર પર ફોટોગ્રાફી કંપની પર લાખો રૂપિયાનો દંડ લગાવ્‍યો.

આ કિસ્‍સો કેરળના કોટ્ટાયમનો છે. જ્‍યાં એક ડોક્‍ટર કપલે પોતાના લગ્ન માટે પિકોલો વેડિગ્‍સ નામની કંપનીને હાયર કરી હતી. લગભગ ૯૫ હજાર રૂપિયાના પેકેજમાં કેન્‍ડિડ ફોટો, સિનેમેટિક વીડિયો, હેલીકેમ શૂટ અને લગ્નના કેટલાક ખાસ વીડિયો સામેલ હતા. જેના માટે કપલે ૮૦ હજારની ચૂકવણી પણ કરી દીધી હતી.

પણ લગ્ન બાદ જે મળ્‍યું તે આશા કરતા ક્‍યાંય વિપરીત હતું. હેલીકેમ સર્વિસ આપી જ નહોતી. કેટલીક મહત્ત્વની રસમોના વીડિયો રેકોર્ડિગ ગાયબ હતા. ફોટો અને વીડિયોની ગુણવત્તા પણ ખરાબ હતી. ત્‍યાં સુધી કે કેટલીક જરૂરી ક્ષણ કેમેરામાં કેદ જ નહોતી કરી. કપલે આરોપ લગાવ્‍યો કે વીડિયો પણ મોડેથી આપ્‍યા અને તેમાં પણ કેટલીક ખામીઓ હતી. લગ્નની રીલ્‍સ નથી આપી, રો ફૂટેજ અધૂરા હતા અને એડિટિગમાં પણ ગંભીર ખામીઓ હતી. તેનાથી તેમને ગંભીર રીતે માનસિક આઘાત લાગ્‍યો. કારણ કે લગ્નની ખાસ ક્ષણ હંમેશા માટે અધૂરી રહી ગઈ. જ્‍યારે કંપનીએ સંતોષકારક જવાબ ન આપ્‍યો, તો કપલે ગ્રાહક સુરક્ષા કેન્‍દ્રમાં ફરિયાદ કરી. સુનાવણી દરમિયાન ફોટોગ્રાફી કંપની તરફથી કોઈ જવાબ આવ્‍યો નહીં. જેનાથી મામલો એકતરફી આગળ વધ્‍યો.

કોર્ટના ધ્‍યાનમાં આવ્‍યું કે ફોટોગ્રાફી કંપનીએ કરાર અનુસાર સેવા નથી આપી. કેટલાક વાયદા પૂરા નથી કર્યા. જેમ કે હેલીકેમ શૂટ અને આખું વીડિયો કવરેજ. સાથે જ જે સામગ્રી આપવામાં આવી, તે પણ અધૂરી અને ખરાબ ગુણવત્તાની હતી. તેને સેવામાં કમી માનવામાં આવી.

કોટ્ટાયમ જિલ્‍લા ગ્રાહક વિવાદ નિવારણ આયોગે કપલને ૮૦ હજાર રૂપિયાનું રિફંડ કરવાનો આદેશ આપ્‍યો છે. આ ઉપરાંત ૨.૫ લાખ રૂપિયા માનસિક પીડા માટે અને ૧૦ હજાર રૂપિયા કાનૂની ખર્ચ તરીકે આપવા માટે આદેશ આપ્‍યો છે.

આ ચુકાદો એક મિસાલ છે કે જો કોઈ સેવા આપનારી કંપની કરાર અનુસાર કામ નથી કરતી, તો ગ્રાહક ન્‍યાય મેળવી શકે છે. ખાસ કરીને લગ્ન જેવી સેવામાં, જ્‍યાં ભાવનાઓ જોડાયેલી હોય છે. કંપનીઓને વધારે જવાબદારીથી કામ કરવું પડશે

(10:23 AM IST)